• Home
  • News
  • આજનો ઈતિહાસ : મોદીને વડાપ્રધાન બનાવનાર ભાજપાની સફરની 1951માં શરૂઆત; આઝાદ હિંદ ફોજ બની
post

હિરોશીમા અને નાગાસાકી પર પરમાણુ હુમલા પછી જાપાને આત્મસમર્પણ કર્યું અને અહીંથી આઝાદ હિંદ ફોજનું પતન શરૂ થયું

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-21 09:41:04

આજે ભારતીય જનતા પાર્ટી (બીજેપી) દાવો કરે છે કે તે દુનિયાની સૌથી મોટી પાર્ટી છે. છેલ્લા છ વર્ષથી પાર્ટી પોતાની બહુમતીથી કેન્દ્ર સરકારમાં છે અને એવું કરનારી પ્રથમ બીનકોંગ્રેસી પાર્ટી છે. આ એકાએક બન્યું નથી. આ સફરની શરૂઆત 21 ઓક્ટોબર, 1951ના રોજ દિલ્હીમાં ભારતીય જનસંઘની સ્થાપનાથી થઈ હતી. 1952ની સંસદીય ચૂંટણીમાં ભારતીય જનસંઘે બે સીટો જીતી હતી, જ્યારે આજે લોકસભામાં ભાજપની 300થી વધુ સીટો છે.

ડો. શ્યામાપ્રસાદ મુખરજીએ 1951માં પાર્ટી બનાવી અને 1952ની પ્રથમ સામાન્ય ચૂંટણીમાં ત્રણ સીટો પણ જીતી હતી. ચૂંટણી ચિહ્ન હતું દીપક. 1957ની બીજી લોકસભા ચૂંટણીમાં 14, 1967માં 35 સાંસદ ચૂંટાઈને સંસદમાં પહોંચ્યા હતા. 1977માં કટોકટી પછી વિપક્ષી દળોએ જનતા પાર્ટીના બેનર હેઠળ ચૂંટણી લડી અને 295 સીટો જીતીને મોરારજી દેસાઈના નેતૃત્વમાં સરકાર બનાવી. અટલ બિહારી વાજપેયી વિદેશ મંત્રી હતા અને લાલકૃષ્ણ આડવાણી માહિતી તેમજ પ્રસારણ મંત્રી. આંતરિક કલહના કારણે જનતા પાર્ટી તૂટી ગઈ.

1980ની સામાન્ય ચૂંટણીમાં જનતા પાર્ટીનો કારમો પરાજય થયો અને ત્યારે ભાજપાનો જન્મ થયો. 6 એપ્રિલ, 1980ના રોજ વાજપેયીના નેતૃત્વમાં ભાજપા બની. તેના પછીની પ્રથમ લોકસભા ચૂંટણી એટલે કે 1984માં પાર્ટીને માત્ર 2 સીટો મળી. અહીંથી પાર્ટીની નવી શરૂઆત થઈ હતી.

રામમંદિર આંદોલનના સહારે પાર્ટીએ 1989માં 85 સીટો જીતીને કિંગમેકરની ભૂમિકા નિભાવી. 1996માં 161 સીટો જીતીને સૌથી મોટી પાર્ટી બની અને સરકાર પણ બનાવી પણ બહુમતી નહોતી તેથી ચાલી ન શકી. 1998માં પણ એવું જ થયું. 1999માં જરૂર વાજપેયીના નેતૃત્વમાં ગઠબંધન સરકાર બની, જેણે 2004 સુધી સરકાર ચલાવી અને કાર્યકાળ પૂરો કરનાર પ્રથમ બીનકોંગ્રેસી પાર્ટી બની. 2014થી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપની સરકાર છે, જે ભારતમાં પોતાના જોરે બહુમતીથી ચાલી રહેલી પ્રથમ બીનકોંગ્રેસી સરકાર છે.

આઝાદ હિંદ ફોજનો વિચાર આવવાથી લઈને તેની રચના સુધી અનેક સ્તરે અનેક લોકો વચ્ચે વાતચીત થઈ. જાપાનમાં રહેનારા રાસબિહારી બોઝે તેની આગેવાની કરી હતી. જુલાઈ 1943માં સુભાષચંદ્ર બોઝ જર્મનીથી જાપાનના નિયંત્રણવાળા સિંગાપોર પહોંચ્યા. ત્યાંથી જ તેમણે દિલ્હી ચલોનો નારો આપ્યો હતો. બોઝે જ જય હિન્દનો નારો પણ આપ્યો હતો.

બોઝે આજના જ દિવસે એટલે કે 21 ઓક્ટોબર 1943ના રોજ સિંગાપોરમાં હંગામી ભારત સરકાર-આઝાદ હિંદ સરકાર બનાવી હતી. તેના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને સેનાધ્યક્ષ ત્રણેય સુભાષચંદ્ર બોઝ હતા. આ સરકારને જર્મની, જાપાન, ફિલિપાઈન્સ, કોરિયા, ચીન, ઈટાલી, આયર્લેન્ડ સહિત 9 દેશોએ માન્યતા પણ આપી હતી. ફોજને આધુનિક યુદ્ધ માટે તૈયાર કરવામાં જાપાને મોટી મદદ કરી. ઈમ્ફાલ અને કોહિમાના મોરચે અનેકવાર ભારતીય બ્રિટિશ સેનાને આઝાદ હિંદ ફોજે યુદ્ધમાં હરાવી.

હિરોશીમા અને નાગાસાકી પર પરમાણુ હુમલા પછી જાપાને આત્મસમર્પણ કર્યું અને અહીંથી આઝાદ હિંદ ફોજનું પતન શરૂ થયું. સૈનિકો પર લાલ કિલ્લામાં કેસ ચાલ્યો, જેણે ભારતમાં ક્રાંતિનું કામ કર્યુ.

આજની તારીખને ઈતિહાસમાં આ ઘટનાઓ માટે પણ યાદ કરવામાં આવે છેઃ

·         1296ઃ અલાઉદ્દીન ખીલજીએ દિલ્હીની ગાદી સંભાળી.

·         1555ઃ ઈંગ્લેન્ડના સાંસદે ફિલિપને સ્પેનના રાજા માનવાનો ઈનકાર કર્યો.

·         1577ઃ ગુરૂ રામદાસે અમૃતસર નગરની સ્થાપના કરી.

·         1805ઃ સ્પેનના તટ પર ટ્રાફલગરની લડાઈ થઈ હતી.

·         1934ઃ જયપ્રકાશ નારાયણે કોંગ્રેસ સોશિયાલિસ્ટ પાર્ટીની રચના કરી.

·         1954ઃ ભારત અને ફ્રાંસની વચ્ચે પુડુચેરી, કરૈકલ અને માહેને ભારતીય રિપબ્લિકમાં સામેલ કરવા માટે સમજૂતી થઈ હતી.

·         2005ઃ સામૂહિક દુષ્કર્મની શિકાર પાકિસ્તાનની મુખ્તારન માઈને વુમન ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવી.

·         2013ઃ કેનેડાની સંસદે મલાલા યુસુફજઈને કેનેડાની નાગરિકતા પ્રદાન કરી.

·         2014ઃ પ્રસિદ્ધ પેરાલિમ્પિક રનર ઓસ્કાર પિસ્ટોરિયોસને પ્રેમીકા રીવા સ્ટીનકેમ્પની હત્યા માટે પાંચ વર્ષની સજા

 

adv

Related News

post
post
post
post
post
post
post