• Home
  • News
  • તહેવારોમાં નવા મકાનો માટે ઇન્ક્વાયરી ઘણી પણ ખરીદી પ્રમાણમાં અંદાજે 20% નીચી રહેવાની ધારણા
post

અમદાવાદ અને રાજકોટ જેવા શહેરોમાં વીકએન્ડ હોમ ખરીદવાનું ચલણ વધ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-26 12:20:49

નવરાત્રી અને દિવાળીના તહેવારો સમયે લોકોમાં નવા ઘર ખરીદવાનો ઉત્સાહ વધુ હોય છે. જોકે, આ વર્ષે કોરોનાને કારણે ઇકોનોમીને અસર થઇ હોવાથી તહેવારોમાં વેચાણને અસર થઇ શકે છે. પ્રોપર્ટી કન્સલ્ટન્ટ નાઇટ ફ્રેન્ક ઈન્ડિયાના નેશનલ ડિરેક્ટર બલબિરસિંઘ ખાલસાએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે પહેલા ત્રણ ક્વાર્ટર વેચાણ અને નવા પ્રોજેક્ટના લોન્ચિંગની રીતે નબળા રહ્યા છે. હાલમાં અનલોક બાદ ગુજરાતનું રિયલ એસ્ટેટ માર્કેટ પ્રી-કોવિડ લેવલની નજીક પહોચી ગયું છે પરંતુ ડિમાન્ડને જોતા ફેસ્ટીવલ ક્વાર્ટરમાં અંદાજે 20% ઓછુ વેચાણ થવાની શક્યતા છે.

બિલ્ડર્સ અને બજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે વર્ષ દરમિયાન નવરાત્રી અને દિવાળીના મહિનાઓ દરમિયાન એટલે કે ઓક્ટોબર-નવેમ્બર-ડિસેમ્બર દરમિયાન મકાનોનું વેચાણ સામાન્ય કરતાં 20-25% વધુ હોય છે. ગત વર્ષે અમદાવાદમાં આ ગાળામાં આશરે 4500 ઘર વેચાયા હતા જયારે ગુજરાતમાં 7000થી વધુ ઘર વેચાયા હતા. આ વર્ષની પરિસ્થિતિ જોતા અમદાવાદમાં 3300-3400 મકાન વેચાય તેવી સંભાવના છે.

તહેવારોમાં ઇન્ક્વાયરી ઘણી વધી
ગાઈહેડ ક્રેડાઇના પ્રેસિડેન્ટ અજય પટેલે જણાવ્યું કે, કોરોના આવ્યા બાદ લોકડાઉનમાં પરિસ્થિતિ ખરાબ હતી. પરંતુ, અનલોક બાદ ઈકોનોમી ધીમે ધીમે રિવાઈવ થઇ રહી છે. આ સાથે જ હાઉસિંગ લોનમાં વ્યાજદરમાં ઘટાડો થવાથી રિયલ એસ્ટેટને ઘણો ફાયદો થયો છે. અત્યારે અમારી પાસે ઘણી પુછપરછ આવી રહી છે. બેંકો 7% કે તેનાથી પણ નીચા વ્યાજદર ઓફર કરી રહી છે જેના કારણે લોકો નવું ઘર ખરીદવા પ્રેરાય છે.

પ્રોપર્ટીના ભાવ સ્થિર થયા છે
બિલ્ડર્સના જણાવ્યા પ્રમાણે અમદાવાદ-ગાંધીનગર તેમજ ગુજરાતના મુખ્ય શહેરોમાં પ્રોપર્ટીના ભાવ સ્થિર છે. રૂ. 3000-4000 પ્રતિ સ્ક્વેર ફૂટના ભાવમાં એફોર્ડેબલ સેગ્મેન્ટમાં સારા વિસ્તારમાં સાઈઝેબલ પ્રોપર્ટી મળી રહે છે. જોકે, હાઈ એન્ડ અથવા લક્ઝરી પ્રોપર્ટીમાં મંદીની અસર પ્રમાણમાં વધુ દેખાય છે.

વીકએન્ડ હોમ અને પ્લોટિંગમાં માગ વધી છે
સન બિલ્ડર્સ ગ્રુપના ચેરમેન એન. કે. પટેલ જણાવે છે કે, આ વર્ષે વીકએન્ડ હોમ ખરીદનારાઓની સંખ્યા ઘણી છે. ગત વર્ષ કરતા આ સેગ્મેન્ટમાં 25%નો વધારો થયો છે. ખાસ કરી હાઈ ઇન્કમ લોકો તેમજ જેમની પાસે અત્યારે પોતાનું ઘર છે તેઓ બીજું ઘર ખરીદવાના બદલે વીકએન્ડ હોમ લેવાનું પસંદ કરી રહ્યા છે. ગત વર્ષે આવો કોઈ ખાસ ટ્રેન્ડ હતો નહિ. કોરોના આવ્યા બાદ લોકો હવે એવું વિચારતા થયા છે કે ક્વોરન્ટાઇન થવું પડે તો વીકએન્ડ હોમ સેફ છે. બીજું કે, આવી પ્રોપર્ટીમાં પ્રાઈવસી સાથે સપ્તાહના અંતે ફેમિલી સાથે રહી શકાય છે. આ સિવાય ઘણા લોકો હવે મકાન લેવાના બદલે પ્લોટ પણ લઇ રહ્યા છે.

રાજકોટ-સૌરાષ્ટ્રમાં સારા ચોમાસાની અસર દેખાશે
રાજકોટ બિલ્ડર્સ એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને અગ્રણી ડેવલપર હિતેશ બગડાઈએ જણાવ્યું કે, રાજકોટમાં પણ હાલમાં વીકએન્ડ હોમ માટે માગ વધી છે. આ વર્ષે ચોમાસું સારું છે એટલે રાજકોટ અને તેની આસપાસના વિસ્તારોમાં વસતા ખેડૂતો તેમજ કૃષિ સાથે સંકળાયેલા લોકો આ પ્રકારની પ્રોપર્ટી લેવાનું પસંદ કરી રહ્યા છે. ઓવરઓલ જોઈએ તો પહેલાના પ્રમાણમાં હવે રિકવરી સારી છે તેથી આવતા દિવસોમાં નવા ઘર ખરીદનારાઓની સંખ્યા વધી શકે છે.

રાજ્ય સરકારે માગ ઉભી થાય તેવા પગલા ભરવા જોઈએ
બલબિરસિંઘ ખાલસાએ જણાવ્યું કે, ગુજરાત સરકારે તાજેતરમાં FSIને લગતા કે ખેતીની જમીન બાબતે જે નિર્ણયો કર્યા છે તેનાથી ડેવલપર્સને ચોક્કસ ફાયદો થશે. પરંતુ સરકાર તરફથી હજુ સુધી એવા કોઈ નિર્ણયો લેવાયા નથી જેનાથી ઘર ખરીદનાર લોકોને ફાયદો મળે કે રાહત મળે. થોડા સમય પૂર્વે મહારાષ્ટ્ર સરકારે સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો કર્યો તેવા પગલા ગુજરાત સરકાર પણ ઉઠાવે તો હોમ બાયર્સને ફાયદો થઇ શકે છે અને ડિમાન્ડને પણ ટેકો મળશે.

આ વર્ષે ન્યુ લોન્ચિંગમાં 52.66% ઘટાડો થયો
પ્રોપર્ટી કન્સલ્ટન્ટ નાઇટ ફ્રેન્ક ઈન્ડિયાના ક્વાર્ટરલી રિપોર્ટ મુજબ, અમદાવાદમાં 2020માં જાન્યુઆરી-સપ્ટેમ્બર દરમિયાન માત્ર 3696 યુનિટ મકાનો વેચાયા છે. આ આંકડાઓ 2019ની ક્વાર્ટરલી એવરેજ 4181 યુનિટ કરતા પણ ઓછો છે. આ વર્ષે કોરોના અને લોકડાઉનના કારણે એપ્રિલ-જૂન દરમિયાન માત્ર 252 મકાનો જ વેચાયા હતા. ન્યુ પ્રોજેક્ટ લોન્ચિંગના મામલે પણ મંદીની અસર સ્પષ્ટ દેખાઈ આવે છે. ગત વર્ષે પહેલા ત્રણ ક્વાર્ટર્સમાં 8616 યુનિટના નવા પ્રોજેક્ટ્સ આવ્યા હતા જયારે આ વર્ષે સમાન ગાળામાં 4078 યુનિટ્સ માટે નવા પ્રોજેક્ટ્સ આવ્યા હતા. એટલે કે ગત વર્ષ કરતા આ વર્ષે ન્યુ લોન્ચિંગમાં 52.66% ઘટાડો થયો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post