• Home
  • News
  • વિવેક રામાસ્વામી USના રાષ્ટ્રપતિ બનશે તો લેશે વધુ એક કઠોર નિર્ણય, જન્મજાત નાગરિકતા કરશે સમાપ્ત
post

તત્કાલીન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે જન્મજાત નાગરિકતા સમાપ્ત કરવાનો વાયદો કર્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-29 17:10:43

કઠોર નીતિગત ફેરફારોને પોતાના પ્રસ્તાવમાં જાળવી રાખતાં અમેરિકી રાષ્ટ્રપતિ પદ (US Presidential Election 2024) ની હરિફાઈમાં સામેલ ભારતીય મૂળના વિવેક રામાસ્વામીએ (Vivek Ramaswamy) હવે કહ્યું છે કે તે અમેરિકામાં ગેરકાયદે અપ્રવાસીઓના બાળકો માટે જન્મજાત નાગરિકતાને સમાપ્ત કરવા સમર્થન આપશે. 2024માં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ઉમેદવારી માટે રિપબ્લિકન પાર્ટી (Republican Party) તરફથી બીજી ડિબેટ કેલિફોર્નિયાના સિમી વેલી ખાતે રોનાલ્ડ રીગન પ્રેસીડેન્શિયલ લાઈબ્રેરી એન્ડ મ્યુઝિયમમાં આયોજિત કરાઈ હતી.  

ડિબેટમાં કરી મહત્ત્વપૂર્ણ ટિપ્પણી 

આ ડિબેટમાં રામાસ્વામીને ફ્લોરિડાના ગવર્નર રોન ડિસેન્ટિસ અને સંયુક્ત રાષ્ટ્રમાં પૂર્વ રાજદૂત નિક્કી હેલી સહિત 6 અન્ય ઉમેદવારો સાથે મંચ શેર કરતાં જોવાયા હતા. એક અહેવાલમાં દાવો કરાયો હતો કે જ્યારે રામાસ્વામીને પૂછવામાં આવ્યું કે દસ્તાવેજ વગરના પ્રવાસીઓ અને અમેરિકી મૂળના  તેમના બાળકોને દેશથી બહાર કાઢવા માટે કયા કાનૂની આધારનો ઉપયોગ કરશે? આ સવાલના જવાબમાં તેમણે 2015ના પ્રસ્તાવનો ઉલ્લેખ કર્યો હતો. 

અગાઉ કોણે કર્યો હતો આવો જ દાવો? 

તત્કાલીન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) જન્મજાત નાગરિકતા સમાપ્ત કરવાનો વાયદો કર્યો હતો. રામાસ્વામીએ તર્ક આપ્યો કે અમેરિકામાં દસ્તાવેજ વગરના પ્રવાસીઓના બાળકોને નાગરિકતા ન મળવી જોઈએ. કેમ કે તેમના માતા-પિતાએ દેશમાં રહેવા માટે કાયદાનો ભંગ કર્યો હતો. રામાસ્વામીએ દેશના દક્ષિણ સરહદે સૈન્યકરણ, શરણાર્થીઓને શરણ આપતા શહેરોને ફંડથી વંચિત કરવા અને મેક્સિકો તથા મધ્ય અમેરિકાની વિદેશી સહાય સમાપ્ત કરવા જેવા અન્ય ઉપાયોગને પણ ટેકો જાહેર કર્યો હતો. તેમણે કહ્યું કે તે દેશમાં ગેરકાયદે પ્રવાસીઓના બાળકો માટે જન્મજાત નાગરિકતાને સમાપ્ત કરીને વધુ એક પગલું આગળ વધારશે.