• Home
  • News
  • પાકિસ્તાનના સાંસદનો દાવો:વિદેશમંત્રીએ કહ્યું હતું- જો આપણે રાતે 9 વાગ્યા સુધીમાં વિંગ કમાન્ડર અભિનંદનને નહીં છોડીએ તો ભારત હુમલો કરી દેશે
post

વિંગ કમાન્ડર અભિનંદન 1 માર્ચે વાઘા બોર્ડરથી ભારત પરત આવ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-29 09:34:57

પાકિસ્તાનના એક સાંસદે બુધવારે પાકિસ્તાનની સંસદમાં દાવો કર્યો હતો કે ભારતના હુમલાના ડરથી ઈમરાન ખાન સરકારે ભારતીય વાયુસેનાના પાઇલટ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને મુક્ત કરી દીધા હતા. ગત વર્ષે ફેબ્રુઆરીમાં ભારતીય અને પાકિસ્તાની એરફોર્સ વચ્ચે થયેલા હવાઈ હુમલા પછી વિંગ કમાન્ડર અભિનંદનને પાકિસ્તાની સેનાએ કસ્ટડીમાં લીધા હતા.

નેશનલ એસેમ્બ્લીમાં બુધવારે પાકિસ્તાન મુસ્લિમ લીગ-એન (પીએમએલ-એન) નેતા અયાજ સાદિકે કહ્યું હતું કે વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશીએ એક અગત્યની મીટિંગમાં કહ્યું હતું કે જો આપણે વિંગ કમાન્ડર અભિનંદનને નહીં છોડીએ તો ભારત રાત્રે 9 વાગ્યા સુધીમાં આપણા પર હુમલો કરશે. પાકિસ્તાનના દુનિયા ન્યૂઝે સાંસદ સાદિકના હવાલાથી આ જાણકારી આપી છે.

મીટિંગ દરમિયાન આર્મી ચીફ ધ્રૂજી રહ્યા હતા
પીએમએલ-એન નેતાએ વિપક્ષી નેતાઓને કહ્યું હતું કે આ મુદ્દે કુરેશીએ પીપીપી, પીએમએલ-એન અને સેનાપ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા સહિત અન્ય નેતાઓ સાથે બેઠક યોજી હતી. સાદિકે કહ્યું હતું, ‘મને યાદ છે કે મીટિંગ દરમિયાન આર્મી ચીફ બાજવા રૂમમાં આવ્યા. એ સમયે તેમના પગ ધ્રૂજી રહ્યા હતા અને તેઓ પરસેવે રેબઝેબ હતા.

સાદિકે કહ્યું હતું- આ મીટિંગમાં સામેલ થવાનો ઈમરાન ખાને ઈનકાર કર્યો હતો. વિદેશમંત્રીએ મીટિંગમાં આર્મી ચીફને કહ્યું હતું- અલ્લાહના વાસ્તે અભિનંદનને જવા દો, નહીં તો ભારત રાતે 9 વાગ્યા સુધીમાં હુમલો કરી દેશે. દુનિયા ન્યૂઝે સાંસદ સાદિકના હવાલાથી કહ્યું હતું કે વિપક્ષે અભિનંદન સહિત તમામ મુદ્દે સરકારને સમર્થન આપ્યું છે, પણ આગળ સમર્થન નહીં આપી શકે.

વિંગ કમાન્ડર અભિનંદન 1 માર્ચે વાઘા બોર્ડરથી ભારત પરત આવ્યા હતા
ફેબ્રુઆરી 2019માં પાકિસ્તાનનાં યુદ્ધ વિમાનોએ ભારતીય વાયુ સીમામાં ઘૂસણખોરી કરવાની કોશિશ કરી હતી. આ દરમિયાન મિગ-21 સાથે કમાન્ડર અભિનંદને પાકિસ્તાનના એફ-16 એરક્રાફ્ટને તોડી પાડ્યું હતું. આ ટક્કરમાં તેમનું વિમાન પાકિસ્તાનની તરફ જઈને તૂટી પડ્યું હતું. એ પછી વિંગ કમાન્ડર અભિનંદન 1 માર્ચે અટારી-વાઘા બોર્ડરથી ભારત પરત આવ્યા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post