• Home
  • News
  • ઈમરાનનો ખેલ ખતમ:સેનાનું રાજીનામું આપવા અલ્ટિમેટમ; ઓર્ગેનાઇઝેશન ઓફ ઈસ્લામિક કો-ઓપરેશનની બેઠક પછી સત્તાપલટો શક્ય
post

પાકિસ્તાની મીડિયા અનુસાર શુક્રવારે ઈમરાને જનરલ બાજવા અને ગુપ્તચર અધિકારી લેફ્ટનન્ટ જનરલ નદીમ અંજુમ સાથે મુલાકાત કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2022-03-21 10:39:12

ક્યારેક સૈન્યની મદદથી પાકિસ્તાનના વડાપ્રધાન બનનારા ઈમરાન ખાનનો ખેલ સમાપ્ત થતો દેખાઈ રહ્યો છે. હવે સૈન્યએ પણ ઈમરાનનો સાથ છોડી દીધો છે. સૂત્રો મુજબ પાકિસ્તાની સૈન્યના ટોચના અધિકારીઓએ ઈમરાન ખાનને ઓઆઈસીની બેઠક બાદ રાજીનામું આપવા કહી દીધું છે.

પાકિસ્તાની મીડિયા અનુસાર શુક્રવારે ઈમરાને જનરલ બાજવા અને ગુપ્તચર અધિકારી લેફ્ટનન્ટ જનરલ નદીમ અંજુમ સાથે મુલાકાત કરી હતી. તેના પછી બાજવા અને ત્રણ વરિષ્ઠ સૈન્ય અધિકારીઓએ ઈમરાનને રાજીનામું આપવા કહી દીધું હતું. 11 માર્ચે ઈમરાન અને સૈન્ય વચ્ચે મતભેદો સામે આવી ગયા હતા. ઈમરાને ત્યારે વિપક્ષના નેતાઓ વિરુદ્ધ વાંધાજનક ભાષાનો ઉપયોગ ન કરવાની બાજવાની સલાહ પણ નકારી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે બાજવાએ મને કહ્યું છે કે હું જેયુઆઈ-એફ નેતા મૌલવી ફજલુર-રહેમાનને ડીઝલ ન કહું પણ પાકિસ્તાનના લોકોએ જ તેમને ડીઝલ નામ આપી દીધું છે.

પૂર્વ સૈન્ય પ્રમુખનો પ્રયાસ નિષ્ફળ :
ઈમરાનના બચાવ માટે પૂર્વ સૈન્ય પ્રમુખ રાહિલ શરીફ પણ બાજવાને મળવા પહોંચ્યા હતા. સ્થાનિક મીડિયાએ કહ્યું કે પાકિસ્તાનની તહરીક-એ-ઈન્સાફ પાર્ટી(પીટીઆઈ)ને આશા હતી કે શરીફની બાજવા સાથે મુલાકાતથી સમાધાન નીકળશે જેનાથી સરકાર બચી જશે પણ શરીફ તેમના મિશનમાં નિષ્ફળ રહ્યા.

22-23 માર્ચે ઓઆઈસીની બેઠક
ઈમરાન વિરુદ્ધ એકજૂટ વિપક્ષ સોમવારે સંસદ સત્ર બોલાવવાની માગ કરી રહ્યું છે જેમાં અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરાશે. નહીંતર વિપક્ષે સંસદ સામે ધરણા કરવા અને ઓઆઈસીની બેઠકમાં અવરોધ પેદા કરવાની ધમકી ઉચ્ચારી હતી. ઈસ્લામિક દેશોના સંગઠન(ઓઆઈસી)ના વિદેશ મંત્રીઓની બે દિવસની બેઠક મંગળવારથી શરૂ થશે. જ્યારે સરકારે 28 માર્ચે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની જાહેરાત કરી છે.

સૈન્ય ડેપોમાં વિસ્ફોટથી સિયાલકોટ હચમચ્યું :
સિયાલકોટ નજીક સૈન્ય ડેપોમાં રવિવારે સવારે આગ લાગતાં અનેક વિસ્ફોટથી લોકો હચમચી ગયા હતા. તેના લીધે આતંકી હુમલાની અફવા ફેલાઈ હતી. પાક. સૈન્યએ કહ્યું કે શોર્ટ સર્કિટને કારણે વિસ્ફોટક મૂકી રાખેલા શેડમાં આગ લાગી ગઈ હતી. જોકે કોઈ જાનહાનિ થઈ નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post