• Home
  • News
  • બ્રિટનમાં ફરી નોકરીએ રાખવા સરકાર કર્મચારીદીઠ 95 હજાર રૂ. બોનસ આપશે, સ્વરોજગાર ધરાવતા 25 લાખ લોકો પર પણ ધ્યાન
post

બ્રિટનમાં કોરોના વાઇરસના કારણે 6 લાખ લોકોની નોકરી ગઇ, હવે સ્થિતિ સુધારવા તૈયારી

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-10 12:03:52

ન્યૂયોર્ક: કોરોના વાઇરસથી બેહાલ થઇ ચૂકેલા અર્થતંત્રની ગાડી ફરી પાટા પર લાવવા બ્રિટન સરકારે ઘણાં પગલાં ભર્યા છે, જેમાં ટેક્સ ઘટાડવાથી માંડીને નવી નોકરીઓ ઊભી કરવા અપાતી સગવડો પણ સામેલ છે.

બ્રિટનના નાણામંત્રી ઋષિ સુનાકે કહ્યું કે સરકાર 30 અબજ પાઉન્ડનું રાહત પેકેજ આપવા સાથે અર્થતંત્રને ફરી બેઠું કરવાના શક્ય તમામ પ્રયાસ કરી રહી છે. તેના ભાગરૂપે નોકરીમાંથી છૂટા કરાયેલા લોકોને ફરી નોકરીએ રાખવાના બદલામાં દરેક એમ્પ્લોયરને કર્મચારીદીઠ 95 હજાર રૂ. બોનસ આપવાની જાહેરાત કરાઇ છે. તે માટે એમ્પ્લોયર્સએ દરેક કર્મચારીને માસિક 520 પાઉન્ડ ચૂકવવા પડશે અને જાન્યુઆરી સુધી તેમને નોકરી પર રાખવાનું ફરજિયાત હશે. એમ્પ્લોયર્સને બોનસની ચુકવણી એકસામટી કરાશે. 

બ્રિટનની ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના જણાવ્યાનુસાર કોરોનાના કારણે દેશમાં અંદાજે 6 લાખ લોકોએ નોકરી ગુમાવી છે. ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટે ચેતવણી આપી છે કે ચાલુ વર્ષના અંત સુધીમાં દેશમાં બેરોજગારીનો દર 11.7 ટકા સુધી જઇ શકે છે. કોરોનાનો બીજો તબક્કો આવશે તો આ આંકડો હજુ વધી શકે છે.

સુનાકે મીડિયા સાથે વાતચીત દરમિયાન એ વાતે ખેદ વ્યક્ત કર્યો કે સરકાર દરેક વ્યક્તિની મદદ ન કરી શકી કે જે તેની પાસેથી અપેક્ષિત હતું. આવનારો સમય વધુ પડકારજનક છે. દેશમાં મંદી દરમિયાન બધાની નોકરી બચાવી શકીએ તે શક્ય નથી. દરમિયાન, સ્વરોજગાર ધરાવતા 25 લાખ લોકોને ફન્ડિંગ માટે સરકારે એક ઉદાર યોજના તૈયાર કરી છે, જેથી દરેકને કંઇક મદદ મળતી રહે. 

યુવાનોની વધુ ચિંતા, ઓક્ટોબર સુધીમાં રોજગારી સમસ્યા ખતમ થશે
સુનાકે કહ્યું કે પ્રાઇવેટ સેક્ટરની લાખો નોકરીઓની સુરક્ષા માટેની યોજના પ્રોસિજરમાં છે. રોજગારીની ચિંતા ઓક્ટો. સુધીમાં ખતમ થઇ જશે. અમને નોકરી ગુમાવી ચૂકેલા 25 વર્ષથી ઓછી વયના યુવાનોની વધુ ચિંતા છે. અમે આ પેઢીને ગુમાવવા નથી ઇચ્છતા. 

 

adv

Related News

post
post
post
post
post
post
post