• Home
  • News
  • ઈતિહાસમાં આજે:ગુજરાતના આ હિસ્સાની લાલચમાં પાકિસ્તાને હાથમાં આવતું કાશ્મીર ગુમાવી દીધું
post

કારપોવને હરાવીને સોવિયેત રશિયાના 22 વર્ષીય ગેરી કાસ્પારોવ દુનિયાના સૌથી નાની વયના વિશ્વ ચેસ ચેમ્પિયન બન્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-09 12:01:29

ભારત 15 ઓગસ્ટ, 1947ના રોજ આઝાદ થયું, ત્યારે ત્રણ રાજ્યોના વિલયનો મામલો ગૂંચવાયો હતો. આ ત્રણ રજવાડા હતા- જૂનાગઢ, કાશ્મીર અને હૈદરાબાદ. ત્રણેયમાં હૈદરાબાદ અને જૂનાગઢની સ્થિતિ એક જેવી હતી. 80%થી 85% વસતી હિન્દુ હતી અને શાસક મુસ્લિમ. પરંતુ કાશ્મીરમાં પરિસ્થિતિ ઉલટી હતી. ત્યાં રાજા હિન્દુ હતો અને ત્રણ ચતુર્થાંશ કાશ્મીરી મુસ્લિમો હતા.

અંગ્રેજી શાસને ઈન્ડિયન ઈન્ડિપેન્ડન્સ એક્ટ 1947 લાગુ કર્યો હતો. તેના અંતર્ગત લેપ્સ ઓફ પેરેમાઉન્સી ઓપ્શન આપ્યો હતો. તેનાથી રાજા પોતાના રજવાડાને ભારત કે પાકિસ્તાન સાથે જોડી શકતા હતા અથવા પછી પોતાનું સ્વતંત્ર રાષ્ટ્ર બનાવી શકે છે. 15 ઓગસ્ટ, 1947ના રોજ જૂનાગઢના લોકો કન્ફ્યુઝ હતા કેમકે જૂનાગઢના નવાબ મહાબત ખાને પાકિસ્તાન જવાનું એલાન કરી દીધું હતું. જૂનાગઢના દિવાન શાહનવાઝ ભુટ્ટોની તેમાં મુખ્ય ભૂમિકા રહી હતી.

ઈતિહાસકાર અને મહાત્મા ગાંધીના પૌત્ર રાજમોહન ગાંધીએ પોતાના પુસ્તક-પટેલ અ લાઈફલખ્યું છે કે સરદારને કાશ્મીરમાં કોઈ રસ નહોતો. પરંતુ જ્યારે જિન્નાએ પોતાના જ ધાર્મિક આધાર પર વિભાજનના સિદ્ધાંતની વિરુદ્ધ જઈને જૂનાગઢ અને હૈદરાબાદને પાકિસ્તાનમાં જોડવાની કોશિશ કરી તો પટેલ કાશ્મીરમાં રસ લેવા લાગ્યા હતા.

જો જિન્ના કોઈ પરેશાની વિના જૂનાગઢ અને હૈદરાબાદને હિન્દુસ્તાનમાં આવવા દેત તો કાશ્મીરને લઈને વિવાદ જ ન થયો હોત અને તે પાકિસ્તાનમાં ચાલ્યા જાત. જિન્નાએ આ ડીલને ઠુકરાવી દીધી હતી. જૂનાગઢની રાજકીય સ્થિતિ એવી હતી કે લોકો પણ ઉગ્ર થઈ રહ્યા હતા. જૂનાગઢમાં ત્યારે લોકોએ સત્તા પોતાના હાથમાં લીધી અને આરઝી હુકુમત બનાવી.

આ લોકસેનાના સરસેનાપતિ રતુભાઈ અદાણીએ કહ્યું હતું કે સરદાર પટેલ ઈચ્છે છે કે જૂનાગઢના લોકોએ આ લડાઈ લડવી જોઈએ. જો જૂનાગઢના લોકો અને તેના પ્રતિનિધિઓ અવાજ ઉઠાવશે તો જ જૂનાગઢ ભારતમાં રહી શકશે. ત્યારે 23 સપ્ટેમ્બર, 1947ના રોજ આરઝી હુકુમત બનાવવાનો નિર્ણય લેવાયો અને 25 સપ્ટેમ્બરના રોજ ઘોષણાપત્ર પણ બન્યું હતું.

8 નવેમ્બરે ભુટ્ટોએ દરખાસ્ત મૂકી કે આરઝી હુકુમત નહીં પણ ભારત સરકાર જૂનાગઢનો કબજો લઈ લે. આ આધારે 9 નવેમ્બર, 1947ના રોજ ભારતે જૂનાગઢને અંકુશમાં લીધું. તેના પછી જૂનાગઢનો સ્વતંત્રતા દિવસ 9 નવેમ્બરે મનાવવામાં આવે છે. સરદાર પટેલની નારાજગી પછી પણ 20 ફેબ્રુઆરી, 1948ના રોજ જનમત સંગ્રહ કરાવવામાં આવ્યો. 201457 રજિસ્ટર્ડ વોટર્સમાંથી 190870 લોકોએ વોટ આપ્યા. તેમાં પાકિસ્તાન માટે માત્ર 91 મત મળ્યા હતા. વિશેષઃ ઓગસ્ટ 2020માં એ સમયે વિવાદ સર્જાયો જ્યારે પાકિસ્તાને નવું નક્શો જારી કર્યો અને જૂનાગઢને પાકિસ્તાનનો હિસ્સો ગણાવી દીધું.

રામ મંદિર પર સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય

9 નવેમ્બર, 1989ના રોજ અયોધ્યામાં રામમંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. તેના બરાબર 30 વર્ષ પછી એટલે કે 9 નવેમ્બર, 2019ના રોજ સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક નિર્ણય આપ્યો. પાંચ જજોની બંધારણીય બેન્ચે વિવાદિત જમીન પર રામલલાના હકમાં નિર્ણય આપ્યો. મુસ્લિમ પક્ષને નવી મસ્જિદ બનાવવા માટે અલગથી પાંચ એકર જમીન આપવાના પણ નિર્દેશ આપ્યા. તેનાથી સદીઓ જૂનો વિવાદ ખતમ થઈ ગયો.

આ અગાઉ અલ્હાબાદ હાઈકોર્ટે 2010માં અયોધ્યા મામલે જે નિર્ણય આપ્યો, એ તમામ પક્ષોએ માનવાનો ઈનકાર કરી દીધો હતો. 2010માં અલ્હાબાદ હાઈકોર્ટે 2.77 એકરની વિવાદિત ભૂમિને મુસ્લિમ પક્ષ, રામલલા બિરાજમાન અને નિર્મોહી અખાડામાં સમાન રીતે વહેંચી દીધી હતી.

આખરે તો હવે ગત વર્ષે આવેલા સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી રામ મંદિર બનાવવાની પ્રક્રિયા ઝડપી બની છે. 5 ઓગસ્ટ, 2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિર માટે ભૂમિ પૂજન કાર્યક્રમ કર્યો.

રાષ્ટ્રિય કાનૂની સેવા દિવસઃ તમામ નાગરિકો માટે ઉચિત નિષ્પક્ષ અને ન્યાય પ્રક્રિયા સુનિશ્ચિત કરવાના હેતુથી જાગરૂકતા ફેલાવવાના ઉદ્દેશથી 9 નવેમ્બરે રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ મનાવવામાં આવે છે.
વિશ્વ ઉર્દૂ દિવસઃ દર વર્ષે ભારતમાં 9 નવેમ્બરે વિશ્વ ઉર્દૂ દિવસ (આલમી યૌમ-એ-ઉર્દૂ) મનાવવામાં આવે છે. આ ઉર્દૂના પ્રસિદ્ધ શાયર મુહમ્મદ ઈકબાલનો જન્મદિન પણ છે.

ભારત અને દુનિયામાં 9 નવેમ્બરના રોજ બનેલી મહત્વની ઘટનાઓઃ

·         1580ઃ સ્પેનની સેનાએ આયર્લેન્ડ પર હુમલો કર્યો.

·         1937ઃ જાપાની સેનાએ ચીનના શાંઘાઈ શહેર પર કબજો કર્યો.

·         1949ઃ કોસ્ટારિકામાં બંધારણને સ્વીકારવામાં આવ્યું.

·         1953ઃ કમ્બોડિયાને ફ્રાંસથી આઝાદી મળી.

·         1985ઃ કારપોવને હરાવીને સોવિયેત રશિયાના 22 વર્ષીય ગેરી કાસ્પારોવ દુનિયાના સૌથી નાની વયના વિશ્વ ચેસ ચેમ્પિયન બન્યા.

·         1989ઃ બ્રિટનમાં મૃત્યુદંડની સજા પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવાયો.

 

adv

Related News

post
post
post
post
post
post
post