• Home
  • News
  • રોકાણકારોની સંપત્તિમાં બે દિવસમાં રૂ. 10 લાખ કરોડનું જંગી ધોવાણ
post

વૈશ્વિક પરિબળો, વ્યાજ વધતાં ડિફોલ્ટની આશંકાથી બજાર ગગડયું

Written By newsonline | Ahmedabad | Published: 2022-06-14 10:31:28

અમદાવાદ : વિશ્વમાં મોંઘવારી વધતા વિવિધ સેન્ટ્રલ બેંકો દ્વારા વ્યાજદરમાં વધારાના પગલા ભરાતા આગામી સમયમાં ધિરાણ મોંઘુ થવાની બીજી તરફ ડિફોલ્ટના કિસ્સામાં તેમજ બેંકોની એનપીએ વધવાની ભીતિ સહિતના અન્ય પ્રતિકૂળ પરિબળો પાછળ ભારતીય શેરબજારમાં ચોમેરથી આવેલ વેચવાલીના દબાણે પ્રચંડ કડાકા બોલી ગયા હતા. જેના પગલે આજે રોકાણકારોની સંપત્તિમાંથી વધુ રૂ. ૬.૬૫ લાખ કરોડ અને બે દિવસમાં કુલ રૂ.૯.૭૫ લાખ કરોડનું ધોવાણ  થયું હતું.

ઊંચા ફુગાવોના પગલે ભારતમાં રિઝર્વ બેંક દ્વારા રેપોરેટમાં વધારો થયા બાદ અમેરિકામાં પણ ફુગાવો ૪૦ વર્ષની ટોચે પહોંચતા ફેડરલ દ્વારા પણ આગામી સમયમાં વ્યાજ દરમાં વધારો કરાશે તેમજ યુરોપીયન સેન્ટ્રલ બેંક પણ વ્યાજ દર વધારાની તૈયારી કરી રહ્યું હોવાના અહેવાલ હતા. વ્યાજ દર વધતા ધિરાણ મોંઘુ થતા ડિફોલ્ટના બનાવો વધવાની ભીતિ સેવાઈ રહી છે. તો બીજી તરફ જર્મની સ્ટેગ ફલેશનમાં સપડાવાની શક્યતાના અહેવાલોની પણ બજાર પર પ્રતિકૂળ અસર થવા પામી હતી.

આ અહેવાલો પાછળ આજે વિદેશી રોકાણકારોની રાહબરી હેઠળ ચોમેરથી આવેલ વેચવાલીના ભારે દબાણે શેરોની જાતેજાતમાં ગાબડા નોંધાયા હતા. એકધારી વેચવાલી પાછળ અનેક આગેવાન શેરો બાવન સપ્તાહની નીચી સપાટીએ ઊતરી આવ્યા હતા.

ચોમેરથી આવેલ વેચવાલી પાછળ સેન્સેકસ ઇન્ટ્રાડે ૧૭૭૬ પોઇન્ટ તુટયા બાદ કામકાજના અંતે ૧૪૫૬.૭૪ પોઇન્ટના કડાકા સાથે ૫૨૮૪૬.૭૦ની સપાટીએ બંધ રહ્યો હતો. જયારે નિફટી ઇન્ટ્રાડે ૫૧૮ પોઇન્ટ તુટયા બાદ કામકાજના અંતે ૪૨૭.૪૦ પોઇન્ટ તુટીને ૧૫૭૭૪.૪૦ના મથાળે બંધ રહ્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post