• Home
  • News
  • ભારત-ચીનની સેનાના અધિકારીઓ વચ્ચે આજે ચર્ચા થશે, બન્ને દેશ વાતચીત દ્વારા સમસ્યાનું સમાધાન લાવવાના પક્ષમાં
post

ભારત તરફથી 14મી કોરના કમાન્ડર લેફ્ટનેન્ટ જનરલ હરવિંદ સિંહ બેઠકમાં હાજરી આપશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-06 12:12:58

નવી દિલ્હી: પૂર્વ લદ્દાખમાં સેનાઓ વચ્ચે તણાવથી સ્થિતિના સમાધાન માટે ભારત અને ચીનના આર્મી કમાંડરો વચ્ચે આજે વાતચીત થશે. જાણવા મળ્યું છે કે આ બેઠક ચીનના મોલ્ડામાં રાખવામાં આવી છે. આ બેઠકમાં ભારત તરફથી 14મી કોરના કમાન્ડર લેફ્ટનેન્ટ જનરલ હરવિંદ સિંહ અને ચીન તરફથી મેજર જનરલ લિયુ લિન હાજરી આપશે. લિયુ સાઉથ ઝિંનઝિયાંગ આર્મી ક્ષેત્રના કમાંડર છે.

આ પહેલા  શુક્રવાર સાંજે બન્ને દેશના વિદેશ મંત્રાલયના અધિકારીઓ સાથે વાત થઈ હતી. બન્ને દેશનું માનવું છે કે મુદ્દાને શાંતિપૂર્ણ રીતે ઉકેલવો જોઈએ.


લશ્કરી અને રાજદ્વારી માર્ગે વાતચીત થઈ રહી છે
દરમિયાન ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે શુક્રવારે કહ્યું કે અત્યારે સીમા પર ભારત અને ચીન વચ્ચે સ્થિતિ સ્થિત તેમ જ નિયંત્રણમાં લાવવા યોગ્ય છે. અમારી પાસે સીમાને લગતા પ્રશ્નોના ઉકેલ માટે મિકેનિઝમ છે અને લશ્કરી (Military) તથા રાજદ્વારી (Diplomacy) માર્ગે પણ વાતચીત ચાલુ રાખવામાં આવી રહી છે. આ પ્રશ્નોનો અસરકારક રીતે ઉકેલ મેળવવા માટે અમે પ્રતિબદ્ધ છીએ.

તણાવ ઓછો કરવા માટે ભારત પાસે વિસ્તૃત દરખાસ્ત છે

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારત ચીન સમક્ષ પેંગોંગ સો, ગલવાન ઘાટી અને ડેમચોકમાં બન્ને પક્ષના સૈનિકો વચ્ચે તણાવ ઓછો કરવા માટે ખાસ દરખાસ્ત રજૂ કરશે. ગયા મહિને આ વિસ્તારમાં બન્ને દેશની સેની વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ સાથે એવું પણ માનવામાં આવે છે કે ભારત આ વિસ્તારમાં યથા સ્થિતિ જાળવી રાખવા ચીનને કહી શકે છે. તાજેતરના તણાવને લઈ હવે બન્ને દેશ વચ્ચે અત્યાર સુધીમાં 10 વખત વાતચીત યોજાઈ ચુકી છે. આ વાતચીત સ્થાનિક કમાન્ડર સ્તર પર તેમ જ મેજર જનરલ રેન્કના અધિકારીઓ વચ્ચે થઈ છે. જોકે, આ વાતચીતના કોઈ સકારાત્મક પરિણામો હજુ સુધી સામે આવ્યા નથી.

મે મહિનામાં બન્ને દેશની સેના વચ્ચે ત્રણ વખત ઝપાઝપી થઈ હતી
ભારત અને ચીનના સૈનિકો વચ્ચે મે મહિનામાં ત્રણ વખત ઝપાઝપી થઈ ચુકી છે. આ ઘટના અંગે  ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ભારતીય સૈનિક તેમની સીમામાં રહી ગતિવિધિ કરી રહ્યા છે. ભારતીય સેનાની લાઈફ ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (LAC) પર કોઈ પણ પ્રકારની સક્રિયતાની વાત ખરી નથી. હકીકતમાં ચીન તરફથી આ પ્રકારના કૃત્યો કરવામાં આવી રહ્યા છે, જેને લીધે ભારતીય સેના દ્વારા જે નિયમિત પેટ્રોલિંગ કરવામાં આવે છે તેમા અવરોધ સર્જાય છે.

આ મહિને ક્યાં અને ક્યારે અને કેવી રીતે ઝપાઝપી થઈ

1) તારીખ-5 મે, જગ્યા-પૂર્વ લદ્દાખનું પૈગોંગ સરોવર
તે દિવસે સાંજના સમયે આ સરોવરના ઉત્તર કિનારા પર ફિંગર-5 વિસ્તારમાં ભારત-ચીનના આશરે 200 સૈનિક સામ-સામે આવી ગયા હતા. ભારતે ચીનના સૈનિકોની ઉપસ્થિતિને લઈ વિરોધ વ્યક્ત કર્યો હતો. સંપૂર્ણ રાત્રી દરમિયાન બન્ને પક્ષ વચ્ચે ટકરાવની સ્થિતિ જળવાઈ રહી. ત્યારપછીના દિવસે સૈનિકો વચ્ચે ઝપાઝપી થઈ. બાદમાં બન્ને પક્ષના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે વાટાઘાટ થતા સ્થિતિ શાંત થઈ હતી.

2) તારીખ-સંભવતઃ 9 મે, જગ્યા-ઉત્તર સિક્કીમમાં 16 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલ નાકૂ લા સેક્ટર
અહીં ભારત-ચીનના આશરે 150 સૈનિક સામ-સામે આવી ગયા. સત્તાવાર રીતે આ ઘટનાની તારીખ સામે આવી નથી. જોકે, ધ હિંદુ અખબારના અહેવાલ પ્રમાણે આ ઝપાઝપી 9 મેના રોજ થઈ હતી. પેટ્રોલિંગ સમયે સૈનિકો એક-બીજા સામે ઝપાઝપી પર ઉતરી આવ્યા હતા. આ ઘટનામાં 10 સૈનિકો ઈજા પામ્યા હતા. અહીં પણ અધિકારીઓની દરમિયાનગીરી પછી સ્થિતિ શાંત થઈ હતી. જોકે બાદમાં ફરી ઝપાઝપી થઈ હતી.

3) તારીખ-સંભવતઃ 9 મે, જગ્યા-લદ્દાખ

 જે દિવસે ઉત્તર સિક્કીમમાં ભારત-ચીનના સૈનિક વચ્ચે ઝપાઝપી થઈ રહી હતી તે દિવસે લદ્દાખમાં લાઈન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (LAC) પર ચીન તેના હેલિકોપ્ટર મોકલ્યા હતા. ચીનના હેલિકોપ્ટરોએ સીમા પાર તો ન કરી પણ ભારતે જવાબી કાર્યવાહીમાં લેહ એરબેઝથી તેના સુખોઈ-30 MKI ફાઈટર પ્લેનનો કાફલો તથા બાકી લડાકૂ વિમાન રવાના કર્યાં. મીડિયા અહેવાલ પ્રમાણે તાજેતરના વર્ષોમાં પ્રથમ વખતની ઘટના હતી કે જ્યારે ચીનની હરકતના જવાબમાં ભારતે તેના લડાકૂ વિમાન સીમા નજીક મોકલ્યા હતો.

જોકે બેઠકથી ઠીક પહેલાં ચીને  જી-7માં સામેલ કરવાની અમેરિકી યોજના અંગે ભારતને ધમકાવ્યું હતું. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સએ લખ્યું કે જી-7ના વિસ્તરણમાં સામેલ થવાનો પ્રયાસ કરી ભારત આગ સાથે રમી રહ્યું છે.

ભારત વિસ્તરણના વિચારને સમર્થન આપશે તેવી શક્યતા
જી-7ના વિસ્તરણનો ઉદ્દેશ્ય ચીનની ઘેરાબંદી છે. અમેરિકા ફક્ત એટલા માટે ભારતને જી-7માં સામેલ કરવા ઈચ્છે છે કે જેથી ઈન્ડો પેસિફિક ક્ષેત્રમાં ચીનને પડકારી શકે. અખબારે લખ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની યોજના પર ભારતનો સકારાત્મક જવાબ અચરજ પમાડતો નથી. મહાસત્તા બનાવાની મહત્ત્વાકાંક્ષા ધરાવતા ભારતની લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય મંચ પર ભાગીદારીની ઈચ્છા રહી છે. સરહદે તાજેતરના તણાવને જોતાં ભારત અમેરિકાના જી-7ના વિસ્તરણના વિચારને સમર્થન આપી ચીનને સંદેશ આપવા માગે છે. ભારત જો ઉતાવળે ચીનને શત્રુ માનનારા જી-7 જેવા નાના ગ્રૂપમાં જોડાશે તો તેનાથી ભારત અને ચીન વચ્ચેના સંબંધ બગડશે. આ ભારતના હિતમાં નથી. 

 

adv

Related News

post
post
post
post
post
post
post