• Home
  • News
  • સ્લોડાઉનમાં ભારતની સ્થિતિ વિશ્વના અન્ય દેશો કરતાં સારી, શ્રીલંકામાં મોંઘવારી 70% પહોંચી શકે, $51 અબજનું દેવું
post

ભારત પર શ્રીલંકા કરતા 12 ગણું વધુ દેવું,છતાં અહીં સ્થિતિ ક્યારેય આવી ખરાબ નહીં થાય

Written By newsonline | Ahmedabad | Published: 2022-07-12 11:38:36

કોરોના મહામારી અને ત્યારબાદ રશિયા-યુક્રેન યુધ્ધના કારણે વિશ્વના તમામ દેશોની આર્થિક પરિસ્થિતીને મોટી અસર પડી છે જેમાં તાજેતરમાં શ્રીલંકાની હાલત સૌથી વધુ ખરાબ થઈ રહી છે. ફુગાવો 55 ટકાની આસપાસ પહોંચી ગયો છે જે આગામી દિવસોમાં 70 ટકા સુધી પહોંચી શકે છે. અત્યારે શ્રીલંકાની હાલત એવી છે કે ખાદ્ય પદાર્થોના ભાવ આસમાને છે.

ઇંધણની ક્રાઇસીસ છે જેના કારણે જીવનનું અર્થતંત્ર અટકી ગયું છે. વિરોધીઓએ શેરીઓમાં પ્રભુત્વ જમાવ્યું છે અને હવે રાષ્ટ્રપતિ નિવાસમાં પ્રવેશ કર્યો છે. શ્રીલંકાથી આવી રહેલી તસવીરો જોઈને લોકો અનુમાન લગાવી રહ્યા છે કે તે આટલી ખરાબ પરિસ્થિતિમાં કેવી રીતે ફસાઈ ગયો. ઘણા લોકો તેનું કારણ શ્રીલંકા પર લગભગ 51 અબજ ડોલરનું દેવું જણાવી રહ્યા છે. કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે ભારત પર શ્રીલંકા કરતા 12 ગણું વધુ દેવું છે તો શું ભારતની હાલત એક દિવસ શ્રીલંકા જેવી થઈ શકે?

જો આપણે ભારતીય રિઝર્વ બેંકના માર્ચ 2022 સુધીના આંકડાઓ પર નજર કરીએ તો ખબર પડે છે કે ભારત પર લગભગ 620.7 અબજ ડોલરનું વિદેશી દેવું છે. ગયા વર્ષે તે 570 અબજ ડોલર હતું. એટલે કે એક વર્ષમાં ભારતનું દેવું લગભગ 47.1 અબજ ડોલર વધી ગયું છે. શ્રીલંકા પર જેટલું કુલ દેવું છે તેટલું ભારત પર માત્ર એક વર્ષમાં જ વધી ગયું છે. જો આપણે થોડા જૂના આંકડાઓ પર નજર કરીએ તો માર્ચ 2018માં તે 529.7 અબજ ડોલર હતું, જે માર્ચ 2019 સુધીમાં વધીને 543 અબજ ડોલર થઈ ગયું છે. તે જ સમયે માર્ચ 2020 સુધીમાં ભારતનું બાહ્ય દેવું 558.5 અબજ ડોલર પર પહોંચી ગયું છે તો શું ભારતની હાલત પણ શ્રીલંકા જેવી થશે?

ભારતની સ્થિતિ શ્રીલંકા જેવી કેમ ન થઇ શકે ?
શ્રીલંકા પર 51 અબજ ડોલરનું બાહ્ય દેવું છે જ્યારે ભારતનું દેવું માત્ર એક વર્ષમાં 47.1 અબજ ડોલર વધી ગયું છે. આ જોઈને ભલે તમને લાગતું હોય કે ભારતની હાલત ખરાબ થઈ રહી છે પરંતુ અસરનું ચિત્ર આનાથી બિલકુલ અલગ છે. ભારતનું દેવું અને જીડીપી રેશિયો માર્ચ 2020માં લગભગ 20.6 ટકા હતો, જે માર્ચ 2021માં વધીને 21.1 ટકા થયો હતો. જો કે માર્ચ 2022 સુધીમાં આ ગુણોત્તર ઘટીને 19.9 ટકા થઈ ગયો છે. દેવું 47.1 અબજ ડોલર વધ્યું છે.

શ્રીલંકાનો ડેટ-ટુ-જીડીપી રેશિયો સતત વધી રહ્યો છે
શ્રીલંકા લાંબા સમયથી દેવાની જાળમાં ફસાયેલું હતું. 2018માં જ શ્રીલંકાનો ડેટ-ટુ-જીડીપી રેશિયો 91 ટકા હતો. 2021 સુધીમાં તે વધીને 119 ટકા થઈ ગયું છે.

અન્ય દેશોની સરખામણીમાં ભારત પર કેટલું દેવું છે?
ભારતના પૂર્વ વિદેશ સચિવ કંવલ સિબ્બલે ટ્વિટર પર તમામ દેશોના દેવાનો આંકડો જાહેર કર્યો છે. જો આપણે જીડીપી અને દેવાના ગુણોત્તર પર નજર કરીએ તો તે અમેરિકામાં 101 ટકા, યુકેમાં 317 ટકા અને ફ્રાન્સમાં 256 ટકા છે. તેની સરખામણીમાં ભારતનું દેવું 620 બિલિયન ડોલર છે અને ડેટ-ટુ-જીડીપી રેશિયો 19.9 ટકા છે. એટલે કે ભારત ઘણી સારી સ્થિતિમાં છે અને શ્રીલંકા જેવી સ્થિતિ ભારત માટે બિલકુલ બનવાની નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post