• Home
  • News
  • સિક્કીમના નાકુ લા સેક્ટરમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઝપાઝપી, બન્ને દેશના જવાનો ઈજાગ્રસ્ત થયા
post

એક અધિકારીએ કહ્યું કે આ ઝપાઝપીમાં બન્ને દેશના આશરે 150 સૈનિક સામેલ હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-11 12:05:14

નાકુ લા સેક્ટરઃ. નોર્થ સિક્કીમના નાકુ લા સેક્ટરમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે ઝપાઝપી થઈ હોવાની ઘટના સામે આવી છે. આ ઝપાઝપીમાં બન્ને દેશના સૈનિકો ઈજાગ્રસ્ત થયા છે. સેનાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે બન્ને દેશના સૈનિકો વચ્ચે ખૂબ જ આક્રમક વલણ જોવા મળ્યું. જોકે, બાદમાં વાતચીતથી સ્થિતિને ઉકેલી લેવામાં આવી હતી.

મીડિયા અહેવાલો પ્રમાણે આ ઘટના મુગુથાંગની આગળ નાકુ લા સેક્ટરમાં શનિવારે સર્જાઈ હતી. આ વિસ્તાર પાંચ હજાર મીટરની ઉંચાઈ પર છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે ચાર ભારતીય સૈનિક અને સાત ચાઈનીઝ સૈનિકને ઈજા પહોંચી છે. આ ઝપાઝપીમાં બન્ને દેશના આશરે 150 સૈનિકોનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, આર્મીનું કહેવું છે કે સીમા વિવાદને લઈ ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ક્યારેક હંગામી ઝપાઝપી થતી રહે છે. જોકે, આ વખતે આ ઘટના ઘણા લાંબા સમય બાદ થઈ છે. સામાન્ય રીતે બન્ને દેશ પ્રોટોકોલ હેઠળ ઉકેલ મેળવી લે છે.

સિક્કીમમાં વર્ષ 2017 બાદથી તણાવ વધ્યો

આ અગાઉ ભારત અને ચીન વચ્ચે સિક્કીમમાં 72 દિવસ તણાવ ચાલ્યો હતો. બાદમાં બન્ને દેશની સરકારોના પ્રયત્નથી 28 ઓગસ્ટ, 2018ના રોજ તેનો અંત આવ્યો હતો. હકીકતમાં તણાવની શરૂઆત 16 જૂન 2017ના રોજ ડોકા લા જનરલ વિસ્તારમાં ચીન અને ભારતની સેના વચ્ચે મારામારી થઈ હતી. ભારતીય દળોએ ચીનના સૈનિકોને ત્યાં માર્ગ તૈયાર કરતા અટકાવ્યા હતા. ચીને દાવો કર્યો હતો કે તે પોતાના વિસ્તારમાં માર્ગ તૈયાર કરી રહ્યું છે.


આ વિસ્તારનું ભારતમાં નામ ડોકા લા છે, જયારે ભૂટાનમાં તેને ડોકલામ કહે છે. ચીનનો દાવો છે કે તે તેના ડોંગલાંગ વિસ્તારનો હિસ્સો છે. ભારત-ચીનના જમ્મુ-કાશ્મીરથી લઈ અરુણાચલ પ્રદેશ સુધી 3488 કિમી લાંબી સરહદ છે. તેમા 220 કિમી હિસ્સો સિક્કીમનો આવે છે.
આ ઉપરાંત ઓગસ્ટ 2017માં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે લદ્દાખમાં પૈંગોંગ સરોવર પાસે પણ ઝપાઝપી થઈ હતી. બન્ને દેશના સૈનિકોએ એકબીજા પર પથ્થરોથી હુમલો કર્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post