• Home
  • News
  • ભારતીય રૂપિયાના વળતા પાણી : 83.01ના નવા તળિયે બંધ
post

અમેરિકન બજાર પર નજર કરીએ તો ડાઉ ફ્યુચર્સ ઉપલા મથાળેથી 300 અંક સુધી ગગડ્યો છે અને તેની અસર ભારતીય શેરબજાર પર પણ પડી છે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-19 18:24:54

અમદાવાદ: ક્રૂડમાં સામાન્ય તેજી અને ડોલરની સામાન્ય વધઘટ વચ્ચે ભારતીય ચલણમાં બુધવારના મધ્ય સત્રમાં વેચવાલી આવતા ડોલર સામે રૂપિયો 83ની સપાટી તોડી ઈતિહાસમાં સૌથી નીચી સપાટી 83.01 બંધ આવ્યો હતો. આજના દિવસે ડોલર સામે રૂપિયો 61 પૈસા ઘટીને બંધ આવ્યો છે. ડોલર સામે રૂપિયો સતત ઘટી રહ્યો હોવાથી ભારતની ક્રુડ ઓઈલ, ખાદ્યતેલ સહિતની આયાત મોંઘી થશે અને ભારતમાં આયાતી મોંઘવારીનો ભય વધી રહ્યો છે. રૂપિયો આજના સત્રમાં 82.30ની આસપાસ કામકાજ કરી રહ્યો હતો ત્યાં બપોરના સત્રમાં એકાએક રૂપિયામાં મોટા સોદા થયા છે તેમ બેંકર્સોએ જણાવ્યું છે.

અમેરિકન બજાર પર નજર કરીએ તો ડાઉ ફ્યુચર્સ ઉપલા મથાળેથી 300 અંક સુધી ગગડ્યો છે અને તેની અસર ભારતીય શેરબજાર પર પણ પડી છે. 100 અંકોના વધારા સાથે કામકાજ કરી રહેલ નિફટી 50 ઈન્ડેકસ ડાઉ ફ્યુચર્સ અને રૂપિયાની ધમાલને કારણે એક સમયે નેગેટીવ ઝોનમાં સરકવાની તૈયારી કરી રહ્યો હતો. સેન્સેકસ પણ ઉપલા મથાળેથી 440 અંકોથી વધુ ઘટ્યો છે.

ભારતીય ચલણ ડોલરની સામે બુધવારે ગઈકાલના બંધ ભાવ 82.291ની સામે ઈન્ટ્રાડેમાં જ 82.967 પ્રતિ યુએસ ડોલર સુધી તૂટ્યો હતો. આજના આ ઘટાડાએ ફરી આરબીઆઈની ઉંઘ હરામ કરી છે કારણકે રૂપિયામાં ડોલરની સામે એક જ દિવસનો આ વાઈલ્ડ મૂવ સામાન્ય નથી.

ભારતીય કરન્સી ડોલરની સામે આ વર્ષે 10%થી વધુ તૂટી છે. આજે ડોલર ઈન્ડેકસ 0.33%ના વધારે 112.368 પર કામકાજ કરી રહ્યો છે. અમેરિકના બેંચમાર્ક 10 વર્ષના સરકારી બોન્ડની યિલ્ડ 0.0627, 1.57%ના વધારે 4.061%ના લેવલે ટ્રેડ કરી રહ્યાં છે જ્યારે ભારતના 10 વર્ષના બેંચમાર્ક બોન્ડની યિલ્ડ 0.38%, 0.28 વધીને 7.454% પર જોવા મળી રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post