• Home
  • News
  • પાકિસ્તાનમાં મોંઘવારીએ માઝા મૂકી:દૂધના લિટરના રૂ. 130, ખાંડ-ટામેટાંની કિંમત રૂપિયા 100, ભારત સાથે વેપાર નહીં કરવાનો નિર્ણય પણ ભારે પડ્યો
post

ઈમરાને નાણાંમંત્રી બદલ્યા, પણ મોંઘવારી ઓછી થઈ નહીં

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-05 11:02:47

પાકિસ્તાન અસહ્ય મોંઘવારીના ખપ્પરમાં ફસાઈ ગયું છે. આર્થિક મોરચે ભારે મુશ્કેલી વચ્ચે પાકિસ્તાનમાં મોંઘવારીએ એવી માઝા મૂકી છે કે સામાન્ય પ્રજાને બે ટંક ભોજન માટે પણ ભારે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. તાજેતરમાં પાકિસ્તાને ભારત પાસેથી ખાંડ અને કપાસની ખરીદી કરવાનો ઈન્કાર કર્યા બાદ ખાંડની કિંમત પ્રતિ કિલો રૂપિયા 100ને પાર થઈ ગઈ છે.

આ ઉપરાંત રસોઈગેસની પણ ભારે અછત સર્જાઈ છે. પાકિસ્તાનમાં ફુગાવાનો દર પણ 9 ટકાની સપાટી વટાવી ગયો છે. દૂધ, ઈંડાં, શાકભાજી તથા ફળોની કિંમત પણ ખૂબ જ વધારે છે. પાકિસ્તાનમાં 25 ટકાથી વધારે લોકો ગરીબી રેખાથી નીચે જીવન જીવી રહ્યા છે ત્યારે મોંઘવારીનો દર તેમના માટે અસહ્ય છે.

ખાંડની કિંમતમાં અસાધારણ વધારો
ભારત પાસેથી ખાંડની આયાત નહીં કરવાનો નિર્ણય કરવામાં આવ્યા બાદ કિંમત કિલોદીઠ રૂપિયા 100ને પાર થઈ ગઈ છે. ગયા વર્ષે ખાંડની કિંમત રૂપિયા 80 હતી. સ્થાનિક બજારોના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ભારતમાંથી ખાંડની આયાત નહીં કરવાના નિર્ણયની ઘરઆંગણે કિંમત પર ભારે પ્રતિકૂળ અસર થઈ છે. આ ઉપરાંત ખાંડમાં થતી છટ્ટાકીય પ્રવૃત્તિની પણ કિંમત પર અસર જોવા મળી છે.

કરાચી-લાહોરમાં ચિકન મીટની કિંમત પ્રતિ કિલો 365થી 500 સુધી થઈ
પાકિસ્તાનના કરાચી અને લાહોરમાં ચીકન મીટની કિંમત રૂપિયા 365થી 500 થઈ ગઈ છે. આ ઉપરાંત લિટરદીઠ દૂધ રૂપિયા 130, એક કીલો બટાકાની કિંમત રૂપિયા 60, ટામેટાની કિંમત રૂપિયા 100 થઈ ગઈ છે.

રસોઈગેસની ભારે અછતનો સામનો કરી રહ્યું છે પાકિસ્તાન
પાકિસ્તાન જાન્યુઆરી મહિનાથી જ રસોઈગેસની કારમી અછતનો સામનો કરી રહ્યું છે. પાકિસ્તાનમાં ગેસનો પુરવઠો પુરો પાડી રહેલી કંપની સુઈ નોર્દન દૈનિક 500 મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક ફૂટ ગેસની અછતનો સામનો કરી રહી છે. આ સંજોગોમાં કંપની પાસે પાવર સેક્ટરને ગેસનો પુરવઠો અટકાવવા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો નથી. ઈમરાન ખાન સરકારે સમયસર ગેસની ખરીદી કરી નથી,જેને લીધે દેશને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

છેલ્લા એક વર્ષમાં વીજળી દરમાં 31.5 ટકાનો ઉછાળો આવ્યો
પાકિસ્તાન બ્યુરો ઓફ સ્ટેટીસ્ટીક્સ (PBS)ની આંકડાકીય માહિતી પ્રમાણે છેલ્લા એક વર્ષમાં વીજળી દરોમાં 31.5 ટકાનો વધારો થયો છે. ઘઉના લોટમાં 20 ટકા, કઠોળની કિંમતોમાં 20 ટકા તથા વનસ્પતિ ઘીની કિંમતમાં પણ 17 ટકા જેટલો વધારો થયો છે.

ઈમરાને નાણાંમંત્રી બદલ્યા, પણ મોંઘવારી ઓછી થઈ નહીં
મોંઘવારીના મુદ્દે ચોતરફ ઘેરાયેલ પાકિસ્તાનમાં ઈમરાન સરકારે તાજેતરમાં ડો.અબ્દુલ હાફીઝ શેખને પદ પરથી હટાવી ઉદ્યોગ અને ઉત્પાદન મંત્રી હમ્માદ અઝહરને નવા નાણાં મંત્રી બનાવ્યા છે, તેમ છતાં મોંઘવારી પર કોઈ નિયંત્રણ આવી શક્યું નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post