• Home
  • News
  • અફઘાનિસ્તાનમાં વિદ્રોહનું બ્યૂગલ ફૂંકાયું:અંદરાબમાં તાલિબાન અને વિદ્રોહી જૂથ વચ્ચે ભીષણ લડાઈ; 50 તાલિબાન ઠાર, 20થી વધુ લોકોને બંધક બનાવાયા
post

તાલિબાનો સામે લડવા માટે પંજશીરમાં લગભગ 9,000 લડવૈયાઓની સેના

Written By newsonline | Ahmedabad | Published: 2021-08-24 11:44:12

અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજામાંથી બચેલા એકમાત્ર પંજશીરમાં યુદ્ધ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. પંજશીર ખીણ અફઘાનિસ્તાનના અમુક વિસ્તારોમાં છે, જ્યાં તાલિબાનો કબજો નથી કરી શક્યા. પંજશીર સાથે જોડાયેલાં સૂત્રોએ કહ્યું હતું કે અંદરાબમાં થયેલી અથડામણમાં 50થી વધારે તાલિબાની લડાકુઓનાં મોત થયાં છે અને 20થી વધારે લોકોને બંધક બનાવાયા છે.

તાલિબાનનો ક્ષેત્રીય કમાન્ડર પણ ત્રણ સાથી સાથે ઠાર
આ અથડામણમાં તાલિબાનનો ક્ષેત્રીય કમાન્ડર પણ ઠાર કરાયો હોવાની માહિતી મળી છે. જ્યારે પંજશીર સમર્થકના એક લડાકુનું મોત થયું છે અને 6 લોકો ઘાયલ થયા છે, જોકે તાલિબાન સાથે જોડાયેલાં સૂત્રોએ આ વિશે હજી કોઈ ખુલાસો કર્યો નથી. એક તાલિબાની લડાકુએ ભાસ્કરને કહ્યું છે કે પંજશીરને માફ કરવામાં નહીં આવે. રવિવારે રાતે તાલિબાન સાથે જોડાયેલા એક સૂત્રએ દાવો કર્યો છે કે બાનુ પર ફરી તાલિબાનનું નિયંત્રણ થઈ ગયું છે.

પંજશીર પર તાલિબાનનો કબજો નહીં
પંજશીર ઘાટી અફઘાનિસ્તાનના કેટલાક વિસ્તારોમાંથી એક છે, જ્યાં તાલિબાનોએ હજુ સુધી કબજો કર્યો નથી. અહીં બળવાખોરોનું નેતૃત્વ કરી રહેલા અહમદ મસૂદના લડવૈયાઓ યુદ્ધ માટે તૈયાર છે. રાષ્ટ્રીય રેઝિસ્ટન્સ ફ્રન્ટ એટલે કે નોર્થર્ન અલાયન્સનું નેતૃત્વ કરી રહેલા મસૂદે કહ્યું હતું કે યુદ્ધની તૈયારી છે, પરંતુ જો કોઈ રસ્તો કાઢવા માટે વાતચીત થાય છે તો એ માટે પણ તૈયાર છીએ.

તાલિબાનનો દાવો- ત્રણ બાજુઓથી પંજશીર ઘેરાયેલું
તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુઝાહિદે પંજશીર ઘાટીનો ત્રણ બાજુએથી ઘેરાવ કર્યો હોવા અંગે માહિતી આપી અને ટ્વિટર પર લખ્યું: "અમીરાત આ મામલાને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા માગે છે." તાલિબાનની સામે અહીં નોર્થર્ન અલાયન્સ, અફઘાન સેના અને કેટલાક અન્ય બળવાખોર લડવૈયાઓએ મોરચો સંભાળ્યો છે.

પંજશીર પર કબજો કરવાની તૈયારી કરી રહેલા તાલિબાનને અમરુલ્લાહ સાલેહ અને અહમદ મસૂદ તરફથી જોરદાર ટક્કર મળી રહી છે. સાલેહ અફઘાનિસ્તાનના ઉપ-રાષ્ટ્રપતિ હતા, પરંતુ અસરફ ગનીએ દેશ છોડ્યા બાદ તેણે પોતાને રાષ્ટ્રપતિ જાહેર કર્યા હતા, સાથે જ તેઓ પંજશીર ચાલ્યા ગયા અને અહીં અહમદ મસૂદ સાથે હાથ મિલાવ્યો.

300 લડવૈયા માર્યા ગયા હોવાના અહેવાલોને તાલિબાને ફગાવ્યો
સૂત્રોએ આ પહેલાં ભાસ્કરને જણાવ્યું હતું કે પંજશીર લડવૈયાઓએ રસ્તામાં ઓચિંતો તાલિબાન પર હુમલો કર્યો હતો અને આ હુમલામાં 300 તાલિબાન લડવૈયા માર્યા ગયા છે. જોકે તાલિબાને પોતાના લડવૈયાઓ માર્યા ગયા હોવાના અહેવાલોને નકારી દીધો છે. તેમણે કહ્યું હતું કે તે હવે પંજશીરના બે જિલ્લા પર એનો કબજો છે.

પંજશીરમાં તાલિબાનનો સામનો કરવા 9 હજારનું સૈન્ય
અહેમદ મસૂદ પંજશીરમાં બળવાખોર નેતાઓ સાથે જોડાયો છે. અફઘાન દળો અને તાલિબાન બળવાખોરો પણ ભેગા થયા છે. રેઝિસ્ટન્સ ફ્રન્ટના પ્રવક્તા અલી મૈસમ નઝારીએ ન્યૂઝ એજન્સી AFPને જણાવ્યું હતું કે તાલિબાન સામે લગભગ 9,000 લડવૈયાની સેના તૈયાર કરવામાં આવી છે. આ સેનાને સતત તાલીમ આપવામાં આવી રહી છે. અમારી પાસે વાહનો અને શસ્ત્રો પણ છે. નઝારીએ કહ્યું હતું કે અમે સરકાર ચલાવવા માટે નવી વ્યવસ્થા ઈચ્છીએ છીએ અને એ માટે વાટાઘાટો કરવા તૈયાર છીએ, પરંતુ જો જરૂર પડે તો અમે લડાઈ કરવાથી પણ પાછા નહીં હટીએ.

adv

Related News

post
post
post
post
post
post
post