• Home
  • News
  • ઈરાને કુવૈતથી અમેરિકા જઈ રહેલા જહાજને જપ્ત કર્યું:ઓઇલ ટેન્કર પર 24 ભારતીય ક્રૂ-મેમ્બર, USએ કહ્યું- આ આંતરરાષ્ટ્રીય કાયદાની વિરુદ્ધ
post

અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ કાર્યક્રમને લઈને તણાવ પણ સતત વધી રહ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-29 19:54:47

તેહરાન: ઈરાને ગુરુવારે ઓમાનની ખાડીમાં અમેરિકા તરફ જઈ રહેલા એક ઓઈલ ટેન્કરને જપ્ત કર્યું હતું. ટેન્કર પર માર્શલ આઇલેન્ડનો ધ્વજ લહેરાતો હતો. ન્યૂઝ એજન્સી AFP​​​​​​ના રિપોર્ટ અનુસાર, આ ટેન્કરમાં સવાર 24 ક્રૂ-મેમ્બર ભારતીય છે. MarineTraffic.comએ અહેવાલ આપ્યો છે કે ટેન્કર કુવૈતથી હ્યુસ્ટન, US જઈ રહ્યું હતું.

શુક્રવારે US નેવીએ ટેન્કરને જપ્ત કર્યાની માહિતી આપી હતી. એ જ સમયે ઈરાનની સેનાએ કહ્યું હતું કે તેમણે ટેન્કરને જપ્ત કર્યું, કારણ કે ટેન્કર આંતરરાષ્ટ્રીય જળસીમામાં ઈરાની બોટ સાથે અથડાયું હતું. ત્યાર બાદ બોટમાં સવાર 2 ઈરાની ક્રૂ-મેમ્બર ગાયબ છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે.

જહાજને જપ્ત કરતાં પહેલાં ઇમર્જન્સીની સૂચના આપવામાં આવી
યુએસ નેવીએ કહ્યું હતું કે આ જહાજનું નામ એડવાન્ટેજ સ્વીટ છે. ગુરુવારે લગભગ 1.15 કલાકે જહાજમાં ઈમર્જન્સીની જાણ થઈ. યુએસ નેવીના જણાવ્યા અનુસાર, એ સમયે જ ઈરાની સેનાએ જહાજને કબજે કરી લીધું હતું. ત્યાર પછી યુ.એસ.એ સમગ્ર મામલાની દેખરેખ રાખવા માટે P-8 પોસાઇડન મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટ રવાના કર્યું, જેમણે અહેવાલ આપ્યો કે ઈરાની નૌકાદળે ટેન્કરને કબજે કરી લીધું છે.

ઈરાને 2 વર્ષમાં 5 કોમર્શિયલ જહાજ જપ્ત કર્યા
યુએસ નેવીએ કહ્યું- ઈરાનની કાર્યવાહી આંતરરાષ્ટ્રીય કાયદા વિરુદ્ધ છે. આ પગલાં પ્રાદેશિક સુરક્ષા અને સ્થિરતા માટે ખતરો છે. ઈરાને તાત્કાલિક ટેન્કર છોડવું જોઈએ. નેવીએ જણાવ્યું હતું કે ઈરાને છેલ્લાં 2 વર્ષમાં આ 5મું કોમર્શિયલ જહાજ જપ્ત કર્યું છે. તેમના તરફથી સતત જહાજોની જપ્તી કરવી અને નેવિગેશનલ અધિકારોમાં દખલગીરી દરિયાઈ સુરક્ષા અને વૈશ્વિક અર્થતંત્ર માટે જોખમી છે.

કંપનીએ કહ્યું - અમારી પ્રાથમિકતા ક્રૂ-સભ્યોની સલામતી છે
એપી અનુસાર, એડવાન્ટેજ ટેન્કરનું સંચાલન તુર્કીની એક કંપની કરે છે. જોકે ચીનની એક કંપની આ જહાજની માલિક છે. તુર્કીની કંપનીએ એક નિવેદન જાહેર કરીને માહિતી આપી હતી કે ઈરાની નેવીએ ઓમાનની ખાડીમાં આંતરરાષ્ટ્રીય વિવાદને કારણે ઓઈલ ટેન્કરને જપ્ત કર્યું છે. આ પછી એને બંદર તરફ લઈ જવામાં આવી રહ્યું છે. વિમાનમાં સવાર તમામ 24 ક્રૂ-મેમ્બર ભારતીય છે.

કંપનીએ કહ્યું- અમારા ક્રૂ-મેમ્બર્સની સુરક્ષા અમારી પ્રથમ પ્રાથમિકતા છે. આ પ્રકારની ઘટના ભૂતકાળમાં પણ બની છે, જે દર્શાવે છે કે આવા સંજોગોમાં જહાજના ક્રૂ-મેમ્બરોને કોઈ ખતરો નથી. જહાજ અને ક્રૂ-મેમ્બર્સને સુરક્ષિત બહાર કાઢવા માટે અમે અધિકારીઓના સંપર્કમાં છીએ.

અમેરિકાએ પણ પકડ્યું હતું તેલ ટેન્કર સ્વેજ રાજન
થોડા દિવસો પહેલાં યુએસએ માર્શલ ટાપુઓમાંથી એક ઓઇલ ટેન્કર સુએઝ રાજનને જપ્ત કર્યું હતું. શિપ ટ્રેકિંગ ડેટા અનુસાર, આ ટેન્કરનું છેલ્લું લોકેશન 22 એપ્રિલના રોજ દક્ષિણ આફ્રિકામાં મળ્યું હતું, ત્યાર બાદથી ટેન્કર ગાયબ છે. આ પહેલાં ગયા વર્ષે એપ્રિલમાં પણ અમેરિકાએ ગ્રીસ નજીક રશિયન ધ્વજ સાથે ઈરાનના ઓઈલ કાર્ગોને પકડવાનો પ્રયાસ કર્યો હતો. આ જોતાં ઈરાને મે મહિનામાં ગ્રીસમાંથી બે ટેન્કર જપ્ત કર્યા હતા. જોકે બાદમાં તેણે બંને ટેન્કર છોડાવી દીધા હતા.

2020માં આંતરરાષ્ટ્રીય વોટર વિવાદ શરૂ થયો
2020
માં પણ અમેરિકાએ વેનેઝુએલા જતાં વિદેશી જહાજોમાંથી ઈરાની ઈંધણના 4 કાર્ગો જપ્ત કર્યા હતા. આ પછી યુએસ સત્તાવાળાઓએ કેટલાક વિદેશી ભાગીદારોની મદદથી ઇંધણને બે જહાજોમાં ટ્રાન્સફર કર્યું અને એને અમેરિકા પહોંચાડવામાં આવ્યું. ત્યાર પછી અમેરિકા અને ઈરાન દ્વારા આંતરરાષ્ટ્રીય જળસીમામાં કોમર્શિયલ જહાજો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

બીજી તરફ, અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ કાર્યક્રમને લઈને તણાવ પણ સતત વધી રહ્યો છે. ઈરાનનું કહેવું છે કે તેઓ તેમના દેશના લોકો માટે પરમાણુ કાર્યક્રમ પર કામ કરી રહ્યા છે. જોકે અમેરિકાનું માનવું છે કે ઈરાન પરમાણુ બોમ્બ બનાવવાની તૈયારી કરી રહ્યું છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post