• Home
  • News
  • ઈસરોને ગગનયાન મિશનમાં મળી મોટી સફળતા, ક્રાયોજેનિક એન્જિન હ્યુમન રેટિંગમાં પાસ
post

માનવરહિત ગગનયાન મિશન (G1) 2024ના બીજા ક્વાર્ટરમાં પૂર્ણ થઈ શકે છે : ઈસરો

Written By newsonline | Ahmedabad | Published: 2024-02-21 17:40:17

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)ને ચંદ્રયાન-3 અને આદિત્ય એલ-1 મિશન પછી ગગનયાન મિશન (Gaganyaan Mission)ની તૈયારીમાં બીજી મોટી સફળતા મળી છે. ભારતીય સ્પેસ એજન્સીએ જાણકારી આપી છે કે ક્રાયોજેનિક એન્જિનનું પરીક્ષણ આજે પૂર્ણ થઈ ગયું છે. CE20 ક્રાયોજેનિક એન્જિન હવે ગગનયાન મિશન માટે 'હ્યુમન રેટેડ' છે. નોંધનીય છે કે ઈસરો આ મિશન દ્વારા ભારતીય અવકાશયાત્રીઓને ભ્રમણકક્ષામાં મોકલવાની મોકલવાની તૈયારી કરી રહ્યું છે.

ગગનયાન મિશન 2024ના બીજા ત્રિમાસિકમાં પૂર્ણ થશે 

આ અંગેની જાણકારી આપતા ઈસરોએ જણાવ્યું હતું કે CE20 ક્રાયોજેનિક એન્જિન હવે ગગનયાન મિશન માટે 'હ્યુમન રેટેડ' છે. વધુમાં કહ્યું હતું કે, 'કઠોર પરીક્ષણ પછી, એન્જિનની કાર્યક્ષમતા જાહેર કરવામાં આવી છે. આ એન્જિન LVM3 વાહનના અપર સ્ટેજને તાકાત આપશે. ઈસરોના જણાવ્યાનુસાર, CE20 એન્જિનને 'હ્યુમન રેટેડ' ધોરણો હેઠળ યોગ્ય બનાવવા માટે, ચાર એન્જિનને અલગ-અલગ પરિસ્થિતિઓમાં 39 હોટ ફાયરિંગ ટેસ્ટમાંથી પસાર થવું પડ્યું હતું. આ પ્રક્રિયા 8 હજાર 810 સેકન્ડ સુધી ચાલી હતી. ખાસ વાત એ છે કે યોગ્યતા હાંસલ કરવા માટે એન્જિનને 6 હજાર 350 સેકન્ડ સુધી આ પરીક્ષણોમાંથી પસાર થવું પડે છે. ઈસરોએ વધુમાં જણાવ્યું હતું  કે, પ્રથમ માનવરહિત ગગનયાન મિશન (G1) 2024ના બીજા ક્વાર્ટરમાં પૂર્ણ થઈ શકે છે. 

શું છે ઈસરોનું મહત્ત્વાકાંક્ષી ગગનયાન મિશન?

ઈસરો ગગનયાન મિશન હેઠળ ત્રણ સભ્યોના ક્રૂને ત્રણ દિવસના મિશન માટે 400 કિમીની ભ્રમણકક્ષામાં મોકલવાની તૈયારી કરી રહ્યું છે. આ સાથે ભારતીય જળસીમામાં તેમનું સુરક્ષિત ઉતરાણ પણ ઈસરોના મિશનનો એક ભાગ છે. આ મિશનનું નામ સંસ્કૃત શબ્દ પરથી રાખવામાં આવ્યું છે, જેનો અર્થ આકાશ સુધી લઈ જનાર વાહન થાય છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ગગનયાન પ્રોજેક્ટ પર 9000 કરોડ રૂપિયાનો ખર્ચ થઈ શકે છે. જો ભારતીય સ્પેસ એજન્સી આ મિશનમાં સફળ થશે તો ભારત અવકાશમાં માનવ મોકલનાર ચોથો દેશ બની જશે. આ પહેલા સોવિયત સંઘ, અમેરિકા અને ચીન આ ઐતિહાસિક સિદ્ધિ મેળવી ચૂક્યા છે.

શું છે હ્યુમન રેટિંગ?

હવે લોકોને અહીં સવાલ થતો હશે કે હ્યુમન રેટિંગ શું છે? તો સરળ ભાષામાં સમજીએ તો અંતરિક્ષમાં મોકલવામાં કોઈ સ્પેસક્રાફ્ટ કે લૉન્ચ વ્હિકલ માણસોને લઈ જવા અને પાછા લાવવા માટે કેટલા સુરક્ષિત છે તેનું પરીક્ષણ કરાય છે. આ પરીક્ષણ પછી હ્યુમન રેટિંગ, મેન રેટિંગ કે ક્રૂ રેટિંગ સર્ટિફિકેટ અપાય છે.

adv

Related News

post
post
post
post
post
post
post