• Home
  • News
  • કમલા હેરિસની 10 રસપ્રદ વાતો:પોલીસકર્મીઓ પર બોડી કેમેરા દ્વારા લગામ મૂકી; ભોજન બનાવવાના શોખીન, રેસિપી શેર પણ કરે છે
post

લગભગ દોઢ વર્ષ પહેલા જ્યારે ડેમોક્રેટ પાર્ટીમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ચૂંટવાની પ્રક્રિયા શરૂ થઈ તો એવા અનેક પ્રસંગો આવ્યા જ્યારે કમલાના તર્કોએ બાઈડેનને મુશ્કેલીમાં મૂકી દીધા

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-20 12:37:49

કમલા હેરિસ અમેરિકાના પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે. તેઓ પ્રથમ અશ્વેત મહિલા અને ભારતીય મૂળના પ્રથમ મહિલા હશે કે જેઓ આ પદ પર પહોંચ્યા. કમલાના પતિનું નામ ડગ એમહૉફ છે. તેઓ માને છે કે ડગ પડકારો અને મુશ્કેલ સમયમાં હંમેશા તેમની સાથે રહ્યા છે. તેમના માટે તેમણે અનેક ત્યાગ પણ કર્યા. કમલાના માતા ભારતીય અને પિતા જમૈકા મૂળના હતા.

વકીલ તરીકે કમલાની લાંબી કરિયર રહી છે. અનેક મુદ્દે તેમણે અમેરિકન પરંપરાઓનો વિરોધ પણ કર્યો. અમેરિકન લઘુમતીઓ અથવા તો કહીએ કે અશ્વેતો વચ્ચે તેમની લોકપ્રિયતા ખૂબ વધારે છે. અમે આપને કમલા હેરિસ સાથે સંકળાયેલી કેટલીક જરૂરી અને રસપ્રદ વાતો જણાવી રહ્યા છીએ.

1. ભારતીયતા યથાવત્
56
વર્ષીય કમલાનું નામ તેમના માતા ડોક્ટર શ્યામલા ગોપાલને રાખ્યું. 2003માં કમલાના માતાએ લોસ એન્જલસ ટાઈમ્સને ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું-હું તો બર્કલે યુનિવર્સિટીમાં માત્ર અભ્યાસ માટે આવી હતી. અહીં વસી જઈશ, એ વિચાર્યુ નહોતું. મેં બંને પુત્રીઓને એ નામ આપ્યા, જે ભારતીયતાની યાદ અપાવે છે. કમલા અને માયા.

2. ઝઝૂમવાનું ઝનૂન
કમલાના પેરેન્ટ્સે સિવિલ રાઈટ્સ એટલે કે નાગરિક અધિકારો માટે અનેક આંદોલનોમાં હિસ્સો લીધો. ત્યારે કમલા પણ તેમની સાથે રહેતા હતા. લોસ એન્જલસ ટાઈમ્સના એક રિપોર્ટ અનુસાર, એકવાર શ્યામલાએ પુત્રીને પૂછ્યું - કમલા તું શું ઈચ્છે છે? જવાબ મળ્યો- બધાને સમાનતા અને આઝાદી. જ્યારે તેઓ 13 વર્ષના હતા, ત્યારે બાળકોને એકત્ર કરીને માર્ચ યોજી. ત્યારે તેઓ મોન્ટ્રિયલ એપાર્ટમેન્ટમાં રહેતા હતા. ત્યાંની સોસાયટીના બાળકોને લોનમાં રમવા પર પ્રતિબંધ મૂકાયો હતો. આંદોલન પછી બાળકોને લોનમાં રમવાની મંજૂરી મળી ગઈ.

3. ભોજન બનાવવાનો શોખ
2009
માં Glamour મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યૂમાં કમલાએ કહ્યું હતું- માતા કિચનમાં કંઈક બનાવતી તો હું દોડીને ત્યાં પહોંચી જતી હતી. એક દિવસ મમ્મીએ કહ્યું - કમલા, જો તમને સારૂં ભોજન ખાવાનો શોખ છે તો સારૂં થશે કે તે બનાવતા પણ શીખો. મેં એ જ કર્યુ. રાજનીતિમાં હોવા છતાં પણ હું કંઈક નવું બનાવવાનો સમય કાઢી લઉં છું. રેસિપી સોશિયલ મીડિયા પર શેર કરૂં છું. 2019માં એક્ટ્રેસ મિંડી કેલિંગની સાથે મસાલા ઢોસા બનાવવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ પોપ્યુલર થયો હતો.

4. પુસ્તકો સાથે પ્રેમ
કમલાને વાંચવાનો ખૂબ શોખ છે. 2019ના ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે તેનો ઉલ્લેખ કર્યો હતો. વાઈસ પ્રેસિડન્ટે કહ્યું હતું-અનેકવાર આપણે સાચા ખોટાનો નિર્ણય કરતી વખતે ખુદ પર જ શંકા કરવા લાગીએ છીએ. એવા સમયમાં તમને એ વાતો મદદ કરે છે, જે તમે કોઈ પુસ્તકમાં વાંચી હોય. તેમણે પાંચ પુસ્તકોને ફેવરિટ ગણાવ્યા. જે હતા - નેટિવ સન (રિચર્ડ રાઈટ), ધ કાઈટ સમર (ખાલિદ હુસેની), ધ જોય લક ક્લબ (એમી ટેન), સોંગ ઓફ સોલોમન (ટોની મોરિસન) અને વિચ એન્ડ ધ વોર્ડરોબ (સી. લૂઈસ).

5. સામાન્ય લોકોને સ્પર્શતા મુદ્દા ઉઠાવતા રહ્યા
કમલાએ ઓક્ટોબર 2019માં કહ્યું હતું-મારા માટે રાજનીતિનો મતલબ સામાજિક સેવા છે. અહીંથી જ મેં શરૂઆત કરી હતી. 2004થી 2010 સુધી તેઓ કેલિફોર્નિયાના ફર્સ્ટ વુમન ડિસ્ટ્રીક્ટ એટર્નીરહ્યા. તેના પછી આ જ રાજ્યના પ્રથમ મહિલા એટર્ની જનરલ બન્યા. તેમણે જ કેલિફોર્નિયામાં બોડી કેમેરા શરૂ કરાવ્યો હતો. આ કેમેરા પોલીસે પહેરવો જરૂરી રહેતો, જેથી એ જોઈ શકાય કે તેઓ ક્યાંય વંશીય ભેદભાવ કે ક્રૂરતા તો કરી રહ્યા નથીને. તેમણે પહેલીવાર ડ્રગ લેનારાઓ માટે બેક ઓન ટ્રેક પ્રોગ્રામ ચલાવ્યો, જેથી એવા લોકો જેલમાં કેદ રહે ત્યારે હાઈસ્કૂલ ડિપ્લોમા કરી શકે અને તેમને પછી નોકરી મળી શકે. લિંચિંગને ફેડરલ ક્રાઈમ જાહેર કરવાની માગ કરતું બિલ પણ તેઓ જ પ્રથમવાર લઈને આવ્યા.

6. બાઈડેન સાથે મતભેદ રહ્યા પણ પુત્ર સાથે દોસ્તી
કમલા વાઈસ પ્રેસિડન્ટ બનવા જઈ રહ્યા છે અને જો બાઈડેન પ્રેસિડન્ટ. ખૂબ ઓછા લોકો જાણે છે કે બાઈડેનના પુત્ર બો અને કમલા ખૂબ સારા દોસ્ત હતા. 2015માં બોનું બ્રેઈન કેન્સરમાં નિધન થયું. પાર્ટી ફોરમમાં અનેકવાર જો અને કમલા વચ્ચે વૈચારિક મતભેદો સામે આવ્યા. કમલા જ્યારે કેલિફોર્નિયાના એટર્ની જનરલ હતા, એ દરમિયાન બો ડેલાવેરમાં એ જ પદ પર હતા.

7. માતાની જવાબદારી નિભાવવામાં પાછળ નથી
ડગ એમહૉફ અને કમલાના લગ્ન 2014માં થયા. ડગના પ્રથમ બે બાળકો છે. કોલ અને એલા. તેમના માટે કમલા કેવી માતા છે, બાળકો પાસેથી જ સાંભળો. અમને સાવકી માતા નામનો શબ્દ જ પસંદ નથી. અમારા માટે તો તેઓ પ્રેમાળ મોમાલાછે. મે 2019માં કમલાએ કહ્યું હતું - આ મારા બાળકો છે અને તેઓ જ મારા માટે પ્રેમ અને ખુશીનો સૌથી મોટો સ્ત્રોત છે. એ ક્યારેય ખતમ નહીં થાય. તેમના વિના જીવન અધુરૂં છે. મા તરીકે હું મારી જવાબદારી નિભાવવાનું જાણું છું. ભત્રીજી મીનાને પણ તેઓ ખૂબ પ્રેમ આપે છે.

8. સંબંધો અને રાજનીતિને અલગ રાખે છે
કમલાના ભત્રીજી મીના હેરિસે તેમના પર એક પુસ્તક લખ્યું છે. મીના વ્યવસાયે વકીલ અને બે પુત્રીઓની માતા છે. biography.com અનુસાર-ગત વર્ષે જ્યારે હેરિસ વાઈસ પ્રેસિડન્ટ ઈલેક્ટ બન્યા તો મીનાની પુત્રી આમરા સૌની સામે તેમના ખોળામાં જઈને બેસી ગઈ. નાનકડી આમરાએ કદાચ કમલાને પૂછ્યું. તેમણે કહ્યું - તમે તો રાષ્ટ્રપતિ પણ બની શકો છો, પરંતુ એ માટે પ્રથમ 35 વર્ષના થવું પડશે.

9. તર્કથી પછાડવાની તાકાત
લગભગ દોઢ વર્ષ પહેલા જ્યારે ડેમોક્રેટ પાર્ટીમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ચૂંટવાની પ્રક્રિયા શરૂ થઈ તો એવા અનેક પ્રસંગો આવ્યા જ્યારે કમલાના તર્કોએ બાઈડેનને મુશ્કેલીમાં મૂકી દીધા. જો કે, હેલ્થ પોલિસી પર તેમણે પીછેહઠ કરવી પડી. ત્યારપછી બાઈડેને કહ્યું હતું-કમલા હેરિસ સાથે વાત કરતી વખતે ખૂબ સાવધ રહેવું પડે છે. તેઓમાં એ દરેક ખૂબી છે જે એક વકીલમાં હોવી જોઈએ.

10. રંગ કે વંશ સફળ બનાવતા નથી
બાઈડેને જ્યારે કમલાને વાઈસ પ્રેસિડન્ટ તરીકે ચૂંટણી લડાવવાનો નિર્ણય કર્યો તો અનેક સવાલો ઉઠ્યા. કેટલાક લોકોએ કહ્યું-કમલાને એટલે મોકો મળી રહ્યો છે, કેમકે તેઓ લઘુમતી છે અને આ સમુદાયના વોટ મેળવી શકે છે. કમલાએ તેનો જવાબ આપ્યો. 2019માં વોશિંગ્ટન પોસ્ટને આપેલા ઈન્ટરવ્યૂમાં કમલાએ કહ્યું હતું-નેતાઓને તેમના બેકગ્રાઉન્ડ કે કલરના કારણે કોઈ એક સમુદાયમાં ફિટ કરવા એ ખોટું છે. હું જે છું, એ છું. આપના માટે એ વિચારનો મુદ્દો હોઈ શકે છે, મારા માટે નહીં.

adv

Related News

post
post
post
post
post
post
post