• Home
  • News
  • અમેરિકામાં ખાલિસ્તાનીઓએ ભારતીય દૂતાવાસને આગ ચાંપી:કહ્યું- આતંકવાદી હરદીપ નિજ્જરની હત્યાનો બદલો લીધો; પાંચ મહિનામાં આ બીજો હુમલો છે
post

આતંકવાદી નિજ્જરને ગયા મહિને કેનેડાના સરેમાં ગુરુ નાનક ગુરુદ્વારાની બહાર પાર્કિંગમાં બે અજાણ્યા બાઇક સવારોએ ગોળી મારી હતી.

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-04 18:07:02

ખાલિસ્તાની સમર્થકોએ અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય દૂતાવાસને આગ ચાંપવાનો પ્રયાસ કર્યો હતો. શીખ ફોર જસ્ટિસ (SFJ)ના મુખ્ય આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ 30 જૂને કહ્યું હતું કે 8 જુલાઈથી ભારતીય દૂતાવાસોને ઘેરી લેવામાં આવશે. આ ઘટનાને તેની જાહેરાતના બીજા જ દિવસે એટલે કે 1લી જુલાઈની રાત્રે અંજામ આપવામાં આવ્યો હતો.

આ ઘટના શનિવારે બની હતી, પરંતુ યુએસ સરકારના પ્રવક્તા મેથ્યુ મિલરે મંગળવારે એની જાણકારી આપી હતી. હાલમાં ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI) દ્વારા કેસની તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનામાં દૂતાવાસને વધારે નુકસાન થયું નથી.

પાંચ મહિનામાં આ બીજી ઘટના બની છે. આ પહેલાં ખાલિસ્તાન સમર્થકોએ માર્ચમાં અમૃતપાલની મુક્તિની માગ સાથે આ દૂતાવાસને ઘેરી લીધું હતું.

અમેરિકામાં ખાલિસ્તાની સમર્થકોના હુમલા વધ્યા
આ પહેલાં માર્ચ મહિનામાં અમેરિકામાં વિરોધપ્રદર્શન દરમિયાન ખાલિસ્તાન સમર્થકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ સુરક્ષા કોર્ડનને તોડીને કોન્સ્યુલેટ પરિસરમાં ખાલિસ્તાની ઝંડા લગાવ્યા હતા. જોકે કોન્સ્યુલેટ દ્વારા આ ઝંડાને તરત જ દૂર કરવામાં આવ્યા હતા. હાલમાં થોડા દિવસો પહેલાં જ વડાપ્રધાન મોદી અમેરિકાના પ્રવાસે ગયા હતા. અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડને પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. બંને નેતાઓની મુલાકાત દરમિયાન ભારત અને અમેરિકાના સંબંધો વધુ મજબૂત બનાવવા બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. અમેરિકામાં ભારતીય દૂતાવાસમાં આગની ઘટના પર બાઈડન સરકારે ચિંતા વ્યક્ત કરી છે અને ઘટનાની નિંદા કરી છે.

અમેરિકામાં સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલાં ફાયરિંગ, 4નાં મોત
બીજી તરફ, અમેરિકામાં સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલાં સોમવારે રાત્રે ફિલાડેલ્ફિયા શહેરમાં કિંગ્સેસિંગમાં હુમલાખોરે લોકો પર અંધાધૂંધ ગોળીઓ વરસાવી હતી. ફાયરિંગમાં 4 લોકોનાં મોત થયાં છે, જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

ખાલિસ્તાની સમર્થકોએ વીડિયો જાહેર કર્યો
ખાલિસ્તાની સમર્થકોએ આ ઘટનાનો વીડિયો પણ જાહેર કર્યો હતો. આમાં અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય દૂતાવાસને નિશાન બનાવવામાં આવ્યું હતું. વીડિયોમાં એને ગયા મહિને કેનેડામાં માર્યા ગયેલા આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યાનો બદલો ગણાવવામાં આવ્યો છે. વીડિયોમાં ખાલિસ્તાન સમર્થકોએ કહ્યું હતું કે હિંસાથી હિંસા થાય છે. આતંકવાદી નિજ્જરને ગયા મહિને કેનેડાના સરેમાં ગુરુ નાનક ગુરુદ્વારાની બહાર પાર્કિંગમાં બે અજાણ્યા બાઇક સવારોએ ગોળી મારી હતી.

8 જુલાઈથી ભારતીય દૂતાવાસને ઘેરવાની ધમકી
અગાઉ આતંકવાદી પન્નુએ એક વીડિયો જાહેર કરીને કહ્યું હતું કે 8 જુલાઈએ કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને યુરોપિયન દેશોમાં ભારતીય દૂતાવાસોની બહાર પ્રદર્શન કરવામાં આવશે. એટલું જ નહીં, પન્નુએ આ રેલીઓને 'કિલ ઈન્ડિયા' નામ આપ્યું છે, જેમાં 21-21 શીખોનો સમૂહ ભારતીય દૂતાવાસની બહાર વિરોધપ્રદર્શન કરશે અને તિરંગાનું અપમાન કરવાનું પણ કહેવામાં આવ્યું છે.

ભારતીય તપાસ એજન્સીઓ એલર્ટ
પન્નુની ધમકી અને આ ઘટના બાદ ભારતીય તપાસ એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે, સાથે જ નિજ્જરની હત્યા બાદ આતંકવાદી પન્નુ પણ ભૂગર્ભમાં છે. તપાસ એજન્સીઓ તેના લોકેશનને ટ્રેસ કરવામાં વ્યસ્ત છે.

માર્ચ મહિનામાં પણ હુમલો થયો હતો
માર્ચ મહિનામાં અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય દૂતાવાસ પર પણ હુમલો થયો હતો. પંજાબમાં ખાલિસ્તાનતરફી વારિસ પંજાબ દેના વડા અમૃતપાલ સિંહ સામે પોલીસ કાર્યવાહીને લઈને ખાલિસ્તાનીઓ 19 માર્ચે ભારતીય દૂતાવાસની સામે એકઠા થયા હતા. તેમણે પહેલા તોડફોડ કરી અને બાદમાં અહીં લગાવેલા ત્રિરંગાને હટાવી દીધો. એટલું જ નહીં, દૂતાવાસની ઇમારતની બહાર ખાલિસ્તાની ત્રિરંગો પણ ફરકાવ્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post