• Home
  • News
  • કિમ જોંગની બહેને કહ્યું- બાઇડેન વૃદ્ધ અને નબળા છે:કહ્યું- નોર્થ કોરિયા વિરુદ્ધ તેમનું નિવેદન વાહિયાત, તેઓ અમેરિકાને બચાવી શકશે નહીં
post

અમેરિકા-દક્ષિણ કોરિયા સતત સૈન્ય કવાયત કરી રહ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-29 19:49:09

પ્યોંગયાંગ: અમેરિકા અને દક્ષિણ કોરિયા વચ્ચે થયેલા પરમાણુ કરાર બાદ ઉત્તર કોરિયા ગુસ્સમાં છે. સરમુખત્યાર કિમની બહેન કિમ યો જોંગે આ ડીલને ધ્યાનમાં રાખીને પોતાની સૈન્ય શક્તિનું વધુ પ્રદર્શન કરવાની વાત કરી છે. આ સાથે જ યો જોંગે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે જવાબદારી નિભાવવાની બાઇડેનની ક્ષમતા પર પણ સવાલ ઉઠાવ્યા હતા.

યો જોંગે કહ્યું- અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન વૃદ્ધ અને નબળા થઈ ગયા છે. ઉત્તર કોરિયાની શક્તિને લઈને તેમણે જે નિવેદન આપ્યું છે તે ખૂબ જ વાહિયાત અને બેજવાબદારીભર્યું છે. બાઇડેન અમેરિકાની સુરક્ષા અને ભવિષ્યની જવાબદારી લેવામાં સક્ષમ નથી. તે એક વૃદ્ધ માણસ છે જેમની પાસે કોઈ ભવિષ્ય નથી. તેમનો કાર્યકાળ પૂરો કરવો પણ તેમના માટે ખૂબ મુશ્કેલ છે.

અમેરિકા અને દક્ષિણ કોરિયા વચ્ચે વોશિંગ્ટન ડિક્લેરેશન કરાર
હકીકતમાં, 26 એપ્રિલના રોજ, બાઇડેન દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક યોલને મળ્યા હતા. આ દરમિયાન બંને નેતાઓએ પરમાણુ હથિયારો સાથે સંબંધિત મહત્ત્વના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. તેને વોશિંગ્ટન ડિક્લેરેશન નામ આપવામાં આવ્યું હતું. આ કરાર હેઠળ અમેરિકા તેની પરમાણુ બેલેસ્ટિક મિસાઈલ સબમરીન દક્ષિણ કોરિયા મોકલશે.

મીટિંગ બાદ પ્રેસ કોન્ફરન્સ આપતા બાઇડેને કહ્યું હતું - જો ઉત્તર કોરિયા પરમાણુ હુમલો કરશે તો તે ત્યાંની સત્તાના અંતનું કારણ બનશે. ઉત્તર કોરિયા તરફથી આવતા કોઈપણ ખતરા સામે અમે અમારા સહયોગીઓ સાથે મળીને જવાબ આપીશું.

અમેરિકા-દક્ષિણ કોરિયા ઉત્તર કોરિયા પ્રત્યે આક્રમક વલણ અપનાવે છે
સરમુખત્યારની બહેને કહ્યું- અમેરિકા અને દક્ષિણ કોરિયા વચ્ચેની ડીલ એ વાતનો પુરાવો છે કે તેઓ અમારા પ્રત્યે આક્રમક વલણ અપનાવવા માગે છે. આ માટે તેઓ પ્રદેશમાં શાંતિ અને સુરક્ષાને જોખમમાં મૂકવા પણ તૈયાર છે. બાઇડેન અને યેઓલ વચ્ચેની બેઠકે પરમાણુ ક્ષમતા વધારવાના અમારા નિર્ણયને સમર્થન આપ્યું છે. આપણે પરમાણુ યુદ્ધ માટે આપણા સંરક્ષણને વધુ મજબૂત બનાવવું પડશે.

કિમ યો જોંગે કહ્યું- આપણા દુશ્મનો જેટલાં વધુ પરમાણુ યુદ્ધ માટે દાવપેચ ચલાવશે અને કોરિયન દ્વીપકલ્પમાં હથિયારો તૈનાત કરશે, ઉત્તર કોરિયાના પ્રયાસો અને મિસાઈલ પરીક્ષણ તેના સંરક્ષણ માટે એટલા જ સાચા સાબિત થશે. ધ ગાર્ડિયન અનુસાર, 2022થી ઉત્તર કોરિયાએ 100થી વધુ મિસાઇલોનું પરીક્ષણ કર્યું છે. તેમાં લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઇલો સહિત અનેક ICBMનો સમાવેશ થાય છે.

પરમાણુ શસ્ત્રો નાના છતાં અમેરિકા સુધી પહોંચવામાં સક્ષમ
ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયા પર હુમલો કરવા સક્ષમ વ્યૂહાત્મક પરમાણુ હથિયારો વિકસાવ્યા હોવાનો સતત દાવો કર્યો છે. આ સાથે સરમુખત્યાર કિમે એમ પણ કહ્યું હતું કે તેમણે એવા લાંબા અંતરના શસ્ત્રો પણ બનાવ્યા છે જે જરૂર પડ્યે અમેરિકા સુધી પહોંચી શકે છે. આ સિવાય તાજેતરમાં કિમે પણ ટૂંક સમયમાં જાસૂસી સેટેલાઇટ લોન્ચ કરવાની વાત કરી હતી. તેનો હેતુ અમેરિકા, દક્ષિણ કોરિયા અને જાપાનની સૈન્ય કાર્યવાહી પર નજર રાખવાનો છે.

અમેરિકા-દક્ષિણ કોરિયા સતત સૈન્ય કવાયત કરી રહ્યા છે
ઉત્તર કોરિયા તરફથી આવી રહેલી પરમાણુ ધમકીઓ વચ્ચે અમેરિકા અને દક્ષિણ કોરિયા લશ્કરી કવાયત કરી રહ્યા છે. ગયા અઠવાડિયે, તેમણે 12 દિવસની હવાઈ કવાયત શરૂ કરી. જેમાં 110 યુદ્ધ વિમાન સામેલ હતા. છેલ્લા એક મહિનાથી ચાલી રહેલી આ સૈન્ય કવાયત 5 વર્ષમાં સૌથી મોટી કવાયત હોવાનું કહેવાય છે. આ કવાયતને 'ફ્રીડમ શીલ્ડ' નામ આપવામાં આવ્યું હતું. બંને દેશોએ 2018માં જ્યારે ઉત્તર કોરિયા સાથે શાંતિ વાટાઘાટો શરૂ કરી ત્યારે આવી કવાયત બંધ કરી દીધી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post