• Home
  • News
  • કિમ જોંગ ઉને નોર્થ કોરિયાના સૈનિકોનો આભાર માન્યોઃ પોતાની ભૂલોની માફી માગતાં રડી પડ્યા, દેશમાં કોરોના ન હોવાનો દાવો કર્યો
post

નોર્થ કોરિયામાં વર્કર્સ પાર્ટી સત્તામાં છે, એનો 75મો સ્થાપના દિવસ સોમવારે પ્યોંગયાંગમાં મનાવવામાં આવ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-13 11:55:58

નોર્થ કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન સોમવારે ભાવુક જોવા મળ્યા. વર્કર્સ પાર્ટીની 75મી વર્ષગાંઠે તેમણે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. આ દરમિયાન સૈનિકોનો આભાર માન્યો હતો. પોતાની ભૂલો માટે માફી માગી હતી. એ પછી ભીની આંખો લૂંછતા નજરે પડ્યા હતા. આ દરમિયાન તેમણે સૈનિકોનાં બલિદાનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે ઉત્તર કોરિયામાં કોરોનાનો કોઈ કેસ નથી.

શાળાનાં બાળકો પણ ઉપસ્થિત રહ્યાં

વર્કર્સ પાર્ટીના 75મા સ્થાપના દિવસ માટે અનેક દિવસથી તૈયારીઓ ચાલી રહી હતી. દેશના અલગ અલગ ભાગોમાંથી હજારો લોકો રાજધાની પ્યોંગયાંગ પહોંચ્યા હતા. સૌપ્રથમ મિલિટરી પરેડ થઈ હતી. એમાં નોર્થ કોરિયાની સૈન્ય તાકાત દર્શાવવામાં આવી હતી. મિસાઈલો પણ નજરે પડી હતી. કિમ જોંગ ઉને સલામી ઝીલી. એ પછી તેમણે ભાષણ આપ્યું હતું. આ સમયે શાળાનાં બાળકો પણ ઉપસ્થિત રહ્યાં હતા.

સૈનિકોનો આભાર માન્યો

કિમે કહ્યું હતું, હું આપણા સૈનિકોનાં બલિદાન અને તેમનાં સાહસ માટે આભારી છું. આપણે અનેક મુશ્કેલ પડકારોનો સામનો કર્યો છે. હાલમાં જ દેશનો સામનો તોફાન અને કોરોના વાઇરસ સાથે થયો હતો. આ દરમિયાન સૈનિકોએ ફરીથી સાબિત કર્યું હતું કે તેઓ કેટલી મુશ્કેલ સ્થિતિમાં કામ કરે છે. તેમણે દેશને તોફાનોથી બચાવ્યો અને વાઇરસથી પણ. જો હું દેશના લોકોનાં વિકાસમાં ક્યાંક નિષ્ફળ રહ્યો છું તો એના માટે માફી માગું છું. આ દરમિયાન કિમે ચશ્માં ઉતારીને આંસુ લૂંછ્યાં હતાં.

નોર્થ કોરિયામાં સંક્રમણ નથી

કિમે આગળ કહ્યું હતું - મને એ વાતની ખુશી છે કે આપણા દેશમાં કોરોના વાઇરસનો એક પણ કેસ નથી. જોકે સાઉથ કોરિયા અને અમેરિકા કિમ જોંગ ઉનના આ દાવા અંગે સવાલ ઉઠાવી રહ્યા છે. કિમે કહ્યું, શક્ય છે કે મારી કોશિશો અને લગન પર્યાપ્ત ન રહ્યાં હોય, પરંતુ હું એ પણ જાણું છું કે મારા દેશના લોકો મારા પર કેટલો ભરોસો કરે છે. યુએનના એક રિપોર્ટ અનુસાર, નોર્થ કોરિયાના 40 ટકા લોકો ખોરાકની અછતનો સામનો કરી રહ્યા છે. હાલમાં જ આવેલાં તોફાનો અને કોરોનાએ અહીંની અર્થવ્યવસ્થાને ખૂબ નબળી કરી દીધી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post