• Home
  • News
  • બ્રિટનમાં પ્રથમ દિવસે જ અનેક સ્કૂલો બંધ, 50% વાલીએ કહ્યું- બાળકોને નહીં મોકલીએ
post

ભારતમાં પણ 2.13 લાખથી વધુ વાલીઓએ સ્કૂલોને જલદી ન ખોલવાની માગ કરી

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-02 10:58:57

લંડન: સરકારની મંજૂરી છતાં બ્રિટનમાં સોમવારે મોટા ભાગની પ્રાથમિક શાળાઓ ન ખૂલી. આશરે 50 ટકા વાલીઓ સ્કૂલ સામે બાળકો સાથે પહોંચ્યાં હતાં પણ તેમણે કહ્યું કે તે ફક્ત એ જણાવવા આવ્યા છે કે તે હાલ બાળકોને ક્લાસરૂમમાં મોકલી નહીં શકે. તેમને કોરોના ફેલાવાનો ડર છે. મોટા ભાગના વાલીઓએ કહ્યું કે સપ્ટેમ્બર પછી જ સ્કૂલો ખૂલવી જોઈએ. વાલીઓનાં સંગઠનોએ કહ્યું કે 15 જૂન પછી સ્થિતિને જોયા પછી જ સ્કૂલ ખોલવા અંગે નિર્ણય કરવાની જરૂર હતી. આટલી ઉતાવળ સારી નથી. અગાઉ દેશની 13 કાઉન્સિલે સ્કૂલ ખોલવાનો વિરોધ કર્યો હતો. બ્રિટનની પ્રાથમિક શાળાઓમાં આશરે 20 લાખ બાળકો ભણે છે. અનેક સ્કૂલોએ કહ્યું કે તે સ્કૂલ ખોલવા માટે તૈયારી કરી શક્યા નથી. અમુક સ્કૂલોએ ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડી દીધી છે જેથી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી શકાય. બ્રિટનમાં 10 અઠવાડિયાંથી સ્કૂલો બંધ હતી. બીજી બાજુ હાઉસિંગ સેક્રેટરી રોબર્ટ જેનેરિકે કહ્યું કે સ્કૂલો ખોલવી અત્યંત જરૂરી છે. બ્રિટનમાં અત્યાર સુધી 2,74,762 કેસ નોંધાઈ ચૂક્યા છે જ્યારે 38,489 લોકો મૃત્યુ પામ્યા છે. 


ભારતમાં 2.13 લાખ લોકોની અરજી, કહ્યું- જલદી સ્કૂલો શરૂ ન કરશો
ભારતમાં 2.13 લાખથી વધુ વાલીઓએ સ્કૂલોને જલદી ન ખોલવાની માગ કરી હતી. આ લોકોએ એવી અરજી પર હસ્તાક્ષર કર્યા હતા જેમાં કહ્યું હતું કે જ્યાં સુધી કોરોના મહામારીની સ્થિતિમાં સુધારો ન થાય કે તેની વેક્સિન ન બની જાય ત્યાં સુધી સ્કૂલો ન ખોલવી જોઇએ. સરકારે જાહેરાત કરી હતી કે તમામ રાજ્યોમાં મહામારીનું આકલન અને ચર્ચા કર્યા પછી જુલાઈથી સ્કૂલ, કોલેજો, કોચિંગ સેન્ટર અને અન્ય શૈક્ષણિક સંસ્થાનો ખોલી શકાશે. વાલીઓએ કહ્યું કે જુલાઈમાં સ્કૂલ ખોલવી સરકારનો ખરાબ નિર્ણય હશે. આ આગ સાથે રમત કરવા જેવું હશે. વર્તમાન શૈક્ષણિક સત્ર ઓનલાઇન જારી રહેવું જોઈએ. જો સ્કૂલ દાવો કરે છે કે તે ઓનલાઇન સારું કામ કરી રહ્યા છે તો પછી તેને બાકી શૈક્ષણિક વર્ષ માટે યથાવત્ રાખવું જોઇએ. દેશમાં 16 માર્ચથી શૈક્ષણિક સંસ્થાનો બંધ છે. 


દક્ષિણ આફ્રિકા : સુરક્ષા ઉપકરણો ઓછાં, સ્કૂલ ખોલવાનો નિર્ણય ટાળ્યો
દક્ષિણ આફ્રિકાએ બે મહિના પછી લૉકડાઉનમાં રાહત આપતાં પૂજાસ્થળો, ખાણો અને ફેક્ટરીઓ ફરી ખોલવાની મંજૂરી આપી દીધી છે પણ સ્કૂલ ખોલવાનો નિર્ણય 2 અઠવાડિયાં માટે ટાળી દીધો છે. અહીં શિક્ષકોએ સ્કૂલ ખોલવાનો વિરોધ કર્યો હતો. તેમનું કહેવું છે કે સ્કૂલોમાં સુરક્ષા ઉપકરણ ઓછાં છે. એવામાં તે શરૂ ન કરી શકાય. દક્ષિણ આફ્રિકામાં 32,683 કેસ સામે આવ્યા છે. જોકે 683 લોકો મૃત્યુ પામ્યા છે. 


દ. કોરિયા : કોરોના ફેલાવા લાગ્યો તો ફરી 838 સ્કૂલ બંધ કરી દીધી
દક્ષિણ કોરિયામાં સ્કૂલ ખોલી દેવાઈ હતી પણ કોરોના ઝડપથી ફેલાવા લાગતા 838 સ્કૂલો ફરી બંધ કરવામાં આવી છે. ત્યાં ઓનલાઇન અભ્યાસ ચાલુ રહેશે. દેશમાં 20,902 સ્કૂલો છે. જે સ્કૂલો ખૂલી રહી છે ત્યાં વિદ્યાર્થીઓ વચ્ચે પ્લાસ્ટિક બેરિયર લગાવાયાં છે. બાળકોએ એકબીજા સાથે બેસીને જમવાની પણ છૂટ નથી. દ.કોરિયામાં 11,503 કેસ સામે આવ્યા છે. જોકે 271 લોકો મૃત્યુ પામ્યાં છે. 

adv

Related News

post
post
post
post
post
post
post