• Home
  • News
  • માવઠાનો માર, ખેડૂત બેહાલ:ગુજરાતમાં સતત ત્રીજા દિવસે વાતાવરણમાં પલટો, અમરેલીમાં ભર ઉનાળે નદીઓમાં પૂર, અનેક શહેરોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો
post

અમરેલીના ધારી તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા શેત્રુંજી નદી બે કાંઠે વહેતી થઈ હતી

Written By newsonline | Ahmedabad | Published: 2023-03-06 18:34:33

અમરેલી: ગુજરાતના કેટલાક વિસ્તારમાં હવામાન વિભાગ દ્વારા ત્રણ દિવસ માવઠાની આગાહી કરવામાં આવી હતી. જેના પગલે આજે સૌરાષ્ટ્ર, દક્ષિમ ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કેટલાક જિલ્લાઓમાં કરા અને ભારે પવન સાથે વરસાદ વરસતા અષાઢ મહિના જેવો માહોલ જોવા મળ્યો હતો. માવઠાના કારણે કેરી અને રવી પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

અમરેલીમાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદી કહેર
અમરેલી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ આજે સતત ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. આજે ધારી, સાવરકુંડલા, દામનગર, લાઠી અને અમરેલીમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. અમરેલી જિલ્લામાં વાતાવરણમાં પલટાના કારણે કેરી સહિતના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

અમરેલીમાં ભરઉનાળે નદી બે કાંઠે વહેતી થઈ
અમરેલીના ધારી તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા શેત્રુંજી નદી બે કાંઠે વહેતી થઈ હતી. મીઠાપુર, દલખાણીયા, કુબડા કોટડા, પાણીયા, ચાંચઈ, ગીગાસણ, ગોવિંદપુર, ફાચરીયા, સરસીયા, જીરાખીસરી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધારીના ચાચઈ ગામે ભારે પવન સાથે વરસાદ પડતા ખેતીના પાકને ભારે નુકસાનીના દૃશ્યો જોવા મળ્યા હતા.

પાટણના શંખેશ્વરમાં કરા સાથે વરસાદ
ગુજરાતમાં એક તરફ આકરી ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. તો બીજી તરફ પાટણના શંખેશ્વરમાં આજે બપોરના સમયે કરા સાથે વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી. ભારે પવન સાથે વરસાદ વરસતા ધરતીપુત્રો ચિંતિત બન્યા છે.

બનાસકાંઠામાં ધરતીપુત્રોની ચિંતા વધી
બનાસકાંઠાના ધાનેરામાં આજે બપોરના સમયે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ધાનેરાના બોર્ડર વિસ્તારના બાપલા, વાછોલ, કુંડી સહિતના ગામોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. માવઠાના કારણે રાયડો, ઘઉં, બટાટા અને રાજગરા સહિતના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

દમણમાં હોળીના છાણા-લાકડા ઢાંકવા પડ્યા
આજે હોળી હોવાના કારણે મોટાભાગના વિસ્તારમાં હોળી દહનની તૈયારીઓ કરી લેવામાં આવી છે. ત્યારે સંઘપ્રદેશ દમણમાં પણ કમોસમી વરસાદ વરસતા લોકોએ હોળીના લાકડા અને છાણા ઢાંકવા પડ્યા હતા. સંઘપ્રદેશ દમણ ઉપરાંત વલસાડ અને ઉમરગામમમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.

ગુજરાતમાં આજે નવસારીના ચીખલી તાલુકામાં, સુરેન્દ્રનગરના પાટડી તાલુકામાં અને કચ્છના આહીર પટ્ટીના ગામોમાં પણ માવઠું થયું છે. આ જિલ્લામાં ક્યાંક ભારે પવન સાથે અને ક્યાંક કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. રાજ્યમાં હવામાન વિભાગની આગાહીના પગલે એલર્ટ કરાતા ખુલ્લામાં પડેલા અનાજનું નુકસાન તો ટાળી શકાયું છે. પરંતુ, ખેતરોમાં ઉભા પાકને માઠી અસર થવાની ભીતિ વ્યકત કરવામાં આવી રહી છે. જેના કારણએ ધરતીપુત્રો ચિંતિત બન્યા છે.

adv

Related News

post
post
post
post
post
post
post