• Home
  • News
  • Meghan Markle એ બ્રિટિશ શાહી પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ, જાણો શું મળ્યો જવાબ
post

બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીયએ મંગળવારે પોતાના પૌત્ર પ્રિન્સ હેરી અને તેમના પત્ની મેગનના રંગભેદના વિસ્ફોટક દાવાનો જવાબ આપ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-10 11:20:55

લંડન: બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીયએ મંગળવારે પોતાના પૌત્ર પ્રિન્સ હેરી અને તેમના પત્ની મેગનના રંગભેદના વિસ્ફોટક દાવાનો જવાબ આપ્યો. જેમાં તેમણે ઊંડી ચિંતા વ્યક્ત કરી અને શાહી જીવન સાથે તેમની પરેશાનીઓ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી. એક નિવેદનમાં કહેવાયું છે કે 'હેરી અને મેગન માટે છેલ્લા કેટલાક વર્ષ કેટલા પડકારભર્યા રહ્યા તે જાણ્યા બાદ આખો પરિવાર દુ:ખી છે.'

કહેવાયું કે 'ઉઠાવવામાં આવેલા મુદ્દા, ખાસ કરીને રંગભેદનો વિષય છે. જો કે કેટલીક ભિન્નતા હોઈ શકે છે. પરંતુ તેને ખુબ ગંભીરતાથી લેવામાં આવે છે. આ મામલાને પરિવાર દ્વારા અંગત રીતે જોવામાં આવશે. હેરી, મેગન અને આર્ચી હંમેશા પરિવારના ખુબ જ વધુ પ્યારા સભ્ય બની રહેશે. અત્રે જણાવવાનું કે બકિંઘમ પેલેસ (Buckingham Palace) રવિવારના રોજ પહેલીવાર પ્રસારિત ઓપરા વિન્ફ્રેના ઈન્ટરવ્યુમાં કરાયેલા દાવાનો જવાબ આપવા માટે દબાણમાં આવી ગયો. વર્ષ 1990ના દાયકામાં હેરીના દિવંગત માતા ડાયનાની પીડાના દિવસો બાદ શાહી પરિવાર એકવાર ફરીથી નવા સંકટમાં ઘેરાયો છે. 

શું છે મામલો?
પ્રિન્સ હેરી (Prince Harry) અને તેમના પત્ની મેગન માર્કેલે (Meghan Markle) બ્રિટનના શાહી પરિવાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે શાહી પરિવારના સભ્યો તેમના પુત્ર આર્છીના રંગને લઈને ટોણા મારતા હતા. મેગનના જણાવ્યાં મુજબ તે શાહી પરિવાર તરફથી થતા રંગભેદથી એ હદે પરેશાન થઈ ગઈ હતી કે તેણે આત્મહત્યા જેવું પગલું ભરવા અંગે પણ વિચાર્યું હતું. સેલિબ્રિટી ટોક શો હોસ્ટ ઓપરા વિનફ્રેને આપેલા ઈન્ટરવ્યુમાં મેગન માર્કેલ અને પ્રિન્સ હેરીએ શાહી પરિવાર સાથે જોડાયેલા અનેક રહસ્યો પરથી પડદો ઉઠાવ્યો. 

Phone ઉઠાવતા નહતા પિતા
ઈન્ટરવ્યુ દરમિયાન મેગન માર્કેલે કહ્યું કે શાહી પરિવારના લોકો તેમના પુત્રને રાજકુમાર તરીકે જોવા માંગતા નહતા, કારણ કે તેમને લાગતું હતું કે આર્ચીનો રંગ કાળો છે. જો કે મેગને કોઈનું નામ ન લીધુ. પ્રિન્સ હેરીએ જણાવ્યું કે તેમના પિતા પ્રિન્સ ચાર્લ્સ, જે બ્રિટિશ સિંહાસનના ઉત્તરાધિકારી હતી, તેમણે તેમનો ફોન ઉઠાવવાનો બંધ  કરી દીધો હતો અને તેમને આર્થિક રીતે કોઈ પણ પ્રકારની સહાયતા કરી નહતી. 

Queen Elizabeth માટે કરી આ વાત
મેગને (Meghan Markle)ઓપરા વિનફ્રેને જણાવ્યું કે મહેલમાં તેમના વિશે થતી વાતોથી તે ખુબ જ દુખી હતી. ત્યાં તેમને પોતાનાપણું લાગતું નહતું. આથી તેમણે અને પ્રિન્સ હેરીએ શાહી પરિવાર  છોડવાનો નિર્ણય લીધો. આ બાજુ પ્રિન્સ હેરીએ કહ્યું કે તેઓ પોતાના દાદી મહારાણી એલિઝાબેથનું ખુબ જ સન્માન કરે છે. તેમણે કહ્યું કે જ્યારે પિતાએ મારો ફોન ઉઠાવવાનો બંધ કરી દીધો તો મે મારા દાદી સાથે ત્રણવાર વાત કરી. તેમણે હંમેશા મારી હિંમત વધારી. 

ભાવુક થયા હતા માર્કેલ
ઈન્ટરવ્યુ દરમિયાન મેગન માર્કેલ ખુબ ભાવુક થઈ ગયા હતા. એક સવાલના જવાબમાં તેમની આંખોમાંથી આંસુ આવી ગયા હતા. મેગને કહ્યું કે શાહી પરિવારનો માહોલ તેમના માટે અનુકૂળ નહતો. ત્યાં બધા મારાથી અલગ અલગ રહેતા હતા. મારા બાળકને લઈને કોમેન્ટ કરતા હતા. એક સમય એવો આવ્યો કે જ્યારે મે મારો જીવ આપી દેવાનું વિચાર્યું પરંતુ હેરીએ મને યોગ્ય સમયે સંભાળી લીધી. તેમણે વધુમાં કહ્યું કે મહેલમાં તેમનું ધ્યાન કોઈ રાખતું નહતું. તેમણે પોતાના પતિના ભાઈ પ્રિન્સ વિલિયમના પત્ની કેટ ઉપર પણ રડાવવાનો આરોપ લગાવ્યો. 

માતા ડાયનાને કર્યા યાદ
મેગન માર્કલે કહ્યું કે શાહી પરિવારમાં થનારા રંગભેદ વિરુદ્ધ અવાજ ઉઠાવવાની તેમણે અનેકવાર કોશિશ કરી. પરંતુ દર વખતે તેમને ચૂપ કરાવી દેવાતા હતા. અત્રે જણાવવાનું કે જાન્યુઆરી 2020માં પ્રિન્સ હેરી અને મેગને શાહી કુટુંબથી અલગ થવાની જાહેરાત કરી હતી. પોતાના આ નિર્ણય અંગે જણાવતા હેરીએ કહ્યું હતું કે અમારા માટે આ નિર્ણય લેવો સરળ નહતો. પરંતુ શાહી પરિવારમાં જે પ્રકારનો માહોલ હતો તેમાં રહેવું ખુબ મુશ્કેલ થઈ ગયું હતું. તેમણે માતા ડાયનાને યાદ કરતા કહ્યું કે હું નથી ઈચ્છતો કે ઈતિહાસ પોતાને ફરીથી દોહરાવે. ત્યાં અમને સમજનારું કોઈ નહતું. આથી અમે શાહી પરિવારથી નાતો તોડવો જ યોગ્ય સમજ્યું.

 

adv

Related News

post
post
post
post
post
post
post