• Home
  • News
  • પાકે. પુલવામાનો ગુનો કબૂલ્યો:ઈમરાન ખાન સરકારના મંત્રી ફવાદ ચૌધરીએ કહ્યું- પુલવામા હુમલો ઈમરાન ખાનની મોટી ઉપલબ્ધિ
post

પાકિસ્તાને અંતે પુલવામા હુમલાના 20 મહિના બાદ કબૂલ્યું છે કે પુલવામા આતંકી હુમલામાં તેમનો જ હાથ હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-30 10:49:38

પાકિસ્તાને અંતે પુલવામા હુમલાના 20 મહિના બાદ કબૂલ્યું છે કે પુલવામા આતંકી હુમલામાં તેમનો જ હાથ હતો. પુલવામા હુમલો થયા બાદથી ભારત પાસે પૂરતાં પુરાવા છે કે આ આતંકી હુમલામાં પાકિસ્તાનનો હાથ છે. પરંતુ હવે પાકિસ્તાનના મંત્રી જ આ વાત કબૂલી રહ્યાં છે. ઈમરાન સરકારના મંત્રી ફવાદ ચૌધરીએ સંસદમાં કહ્યું કે પુલવામા હુમલો ઈમરાન ખાન સરકારની મોટી સફળતા છે. ફવાદ ચૌધરીએ પુલવામા હુમલાનો શ્રેય ઈમરાન ખાન અને તેમની પાર્ટી PTIને આપ્યો છે. તેઓએ આ હુમલાને ઈમરાન ખાનની એક મોટી ઉપલબ્ધિ ગણાવી છે.

ફવાદ ચૌધરી પાકિસ્તાન મુસ્લિમ લીગ-એન (PML-N)ના નેતા અયાઝ સાદિકના તે નિવેદન પર જવાબ આપી રહ્યાં હતા, જેમાં સાદિકે કહ્યું હતું કે ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદનની જ્યારે અટકાયત કરી હતી ત્યારે એક મીટિંગમાં વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશી ડરેલા હતા. અને આર્મી ચીફ કમર જાવેદ બાજવાના પગ થરથર કાંપી રહ્યાં હતા.

હું કહું છું કે આપણે હિંદુસ્તાનના ઘરમાં ઘૂસીને માર્યા છેઃ ચૌધરી

ફવાદ ચૌધરીએ કહ્યું કે- સાદિક કહી રહ્યાં હતા તેઓ થરથર કાંપી રહ્યાં હતા. હું કહું છું કે આપણે હિંદુસ્તાનના ઘરમાં ઘૂસીને તેઓને માર્યા છે. પુલવામામાં જે સફળતા મળી છે, તે ઈમરાન ખાનની આગેવાનીમાં કોમની સફળતા છે. તે સફળતાના ભાગીદાર તમે લોકો છો અને અમે લોકો છીએ. આ આપણાં માટે ફખ્રનો મોકો છે.

પાકિસ્તાની સંસદમાં જ આપ્યું હતું PML-Nના નેતા સાદિકનું અભિનંદન પર નિવેદન

PML-Nના નેતા સાદિકે બુધવારે પાકિસ્તાની સંસદમાં કહ્યું હતું કે- અભિનંદનના મુદ્દાને લઈને કુરૈશીએ PPP, PML-N અને સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા સહિત બીજા નેતાઓની સાથે બેઠક કરી હતી. મને યાદ છે કે મીટિંગ દરમિયાન આર્મી ચીફ બાજવા રૂમમાં આવ્યા, તે સમયે તેમના પગ થરથર કાંપી રહ્યાં હતા અને તેઓ પરસેવે રેબઝેબ હતા.

પુલવામા હુમલામાં 44 જવાન શહીદ થયા હતા

·         ગત વર્ષે 14 ફેબ્રુઆરીનાં રોજ CRPFના કાફલા પર વિસ્ફોટક ભરેલી ગાડી વડે આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં દેશના 44 જવાન શહીદ થઈ ગયા હતા. ગોરીપુરા ગામની નજીક થયેલા આ હુમલામાં 44 જવાન શહીદ થયા હતા.

·         ફિદાયીન આતંકીઓએ 350 કિલો વિસ્ફોટકથી ભરેલી ગાડી CRPF જવાનોને લઈ જઈ રહેલી બસ સાથે અથડાવી દીધી હતી.

·         હુમલાની જવાબદારી આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી હતી. આ હુમલો કાશ્મીરમાં 30 વર્ષનો સૌથી મોટો આતંકી હુમલો હતો.