• Home
  • News
  • બ્રિક્સ સમિટ માટે મોદી સાઉથ આફ્રિકા જવા રવાના:જિનપિંગ સાથે મુલાકાત અંગે સસ્પેન્સ; સંગઠનના સભ્ય બનવાની રેસમાં પાક-સાઉદી સહિત 40 દેશ
post

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ બ્રિક્સની બેઠકમાં હાજરી આપી રહ્યા છે. તેમ છતાં બંને દેશોમાં સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે એવું માની શકાય નહીં કે તેઓ સાથે કોઈ બેઠક કરશે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-08-22 18:27:53

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે મંગળવારે 15મી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે રવાના થઈ ગયા છે. તેઓ ભારતીય સમય અનુસાર સાંજે લગભગ 5.15 કલાકે સાઉથ આફ્રિકા પહોંચશે. પીએમ મોદી 24 ઓગસ્ટ સુધી સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગ શહેરમાં રહેશે. આ દરમિયાન તેઓ કેટલાક સભ્ય દેશો સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરશે.

પીએમ મોદી સાથે એક બિઝનેસ ડેલિગેશન પણ જઈ રહ્યું છે. વિદેશ મંત્રાલયે 21 ઓગસ્ટે આ માહિતી આપી હતી. આ પહેલાં પીએમ મોદી જુલાઈ 2018માં દક્ષિણ આફ્રિકા ગયા હતા.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ બ્રિક્સ સમિટમાં ભાગ લેશે. આવી સ્થિતિમાં પીએમ મોદીની તેમની સાથે મુલાકાત થઈ શકે છે. ખરેખરમાં, ભારત સિવાય બ્રિક્સ ગ્રૂપમાં ચીન, રશિયા, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલ પણ સામેલ છે. ત્યારબાદ પીએમ મોદી 25 ઓગસ્ટે ગ્રીસના પ્રવાસે જશે.

 

બ્રિક્સના સભ્ય બનવાની રેસમાં 40 દેશો
14
વર્ષ પહેલાં 2009માં બનેલા સમૂહ BRICSની બેઠક આ વખતે ઘણી મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તેનું એકમાત્ર કારણ આ સંસ્થાના સભ્ય બનવાની સ્પર્ધા છે. લગભગ 40 દેશોએ સંગઠનમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

જેમાં સાઉદી અરેબિયા, તુર્કી, પાકિસ્તાન અને ઈરાનનો સમાવેશ થાય છે. આ બેઠકનું કેન્દ્ર બિંદુ ગ્રૂપનું વિસ્તરણ હશે. જો કે, તેના પાંચ સભ્ય દેશો વચ્ચે આ મુદ્દે કોઈ સહમતી નથી.

 

સમાચાર એજન્સી 'ANI'ના રિપોર્ટ અનુસાર, આ બેઠકમાં 45 મહેમાન દેશો ભાગ લઈ શકે છે. આ સમિટમાં આફ્રિકા આઉટરીચ અને બ્રિક્સ પ્લસ ડાયલોગ કરવામાં આવશે. તેમાં દક્ષિણ આફ્રિકા દ્વારા આમંત્રિત અન્ય દેશોનો સમાવેશ થશે. વિદેશ મંત્રાલયના સચિવ વિનય ક્વાત્રાના જણાવ્યા અનુસાર બ્રિક્સ સમિટમાં ગ્લોબલ ઈકોનોમિક રિકવરી, જિયો પોલિટિકલ ચેલેન્જ અને કાઉન્ટર ટેરરિઝમ પર ચર્ચા થશે.

સાઉથ આફ્રિકામાં શા માટે બેઠક થઈ રહી છે
બ્રિક્સ સંગઠનમાં 5 સભ્ય દેશો છે. જેમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને સાઉથ આફ્રિકાનો સમાવેશ થાય છે. બ્રિક્સ દેશો વચ્ચે દર વર્ષે એક સમિટ થાય છે, જેમાં તમામ દેશોના નેતાઓ એકઠા થાય છે. આ માટે, 5 દેશો વચ્ચે દર વર્ષે પ્રેસિડેન્સી અને યજમાની બદલાતી રહે છે.

આ વર્ષે જાન્યુઆરીમાં સંગઠનની યજમાની દક્ષિણ આફ્રિકા પહોંચી હતી. તેથી, 22-24 ઓગસ્ટ વચ્ચે સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગમાં BRICS સમિટ યોજાશે. આ પછી, રશિયા 2024માં બ્રિક્સ સમિટનું આયોજન કરશે.

પુતિન સમિટ માટે સાઉથ આફ્રિકા કેમ નથી જઈ રહ્યા
રોઇટર્સના અહેવાલ મુજબ, ઈન્ટરન્શનલ ક્રિમિનલ કોર્ટ (ICC) માં પુતિન વિરુદ્ધ યુદ્ધ અપરાધોને લઈને કેસ નોંધવામાં આવ્યો છે અને ધરપકડ વોરંટ પણ જારી કરવામાં આવ્યું છે. આ મુજબ, જે પણ દેશો ICCના સભ્ય છે, તેમની ફરજ છે કે તેના આદેશોનું પાલન કરે. સાઉથ આફ્રિકા આઈસીસીના સભ્યોમાંથી એક છે. આવી સ્થિતિમાં, જો પુતિન જોહાનિસબર્ગ આવ્યા હોત તો સાઉથ આફ્રિકાની સરકારે સભ્ય દેશ હોવાને કારણે પુતિનની ધરપકડ કરવી પડી હોત.

તેથી, બંને દેશોએ પરસ્પર સંમતિથી નિર્ણય લીધો છે કે પુતિન બ્રિક્સ સમિટમાં ભાગ લેવા જોહાનિસબર્ગ નહીં જાય. જો કે, તેઓ વર્ચ્યુઅલ રીતે ભાગ લઈ શકે છે. ખરેખરમાં ICCએ આ વર્ષે માર્ચમાં પુતિન વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું. તેના પર યુક્રેનના આક્રમણ દરમિયાન યુક્રેનિયન બાળકોને ગેરકાયદેસર રીતે રશિયા મોકલવાનો આરોપ છે. બીજી તરફ, રશિયાનો દાવો છે કે તે ICCનું સભ્ય નથી, તો પુતિન વિરુદ્ધનું વોરંટ પણ ગેરકાયદે માનવામાં આવશે.

વડાપ્રધાન મોદી અને શી જિનપિંગની મુલાકાત પર સસ્પેન્સ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ બ્રિક્સની બેઠકમાં હાજરી આપી રહ્યા છે. તેમ છતાં બંને દેશોમાં સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે એવું માની શકાય નહીં કે તેઓ સાથે કોઈ બેઠક કરશે.

દક્ષિણ આફ્રિકામાં ચીનના રાજદૂત ચેન શિયાઓડાંગે કહ્યું છે કે મને ખાતરી છે કે બંને રાષ્ટ્રોના વડાઓ વચ્ચે સીધી વાતચીત અને બેઠકો થશે. જો કે, ભારતના વિદેશ મંત્રાલય તરફથી આવો કોઈ સંકેત મળ્યો નથી.

ભારત માટે શા માટે મહત્ત્વપૂર્ણ છે BRICS...
ભારતની વિદેશ નીતિ વિશ્વ પર કોઈ એક દેશના વર્ચસ્વની વિરુદ્ધ છે. ભારત એક મલ્ટિપોલર વિશ્વને સમર્થન આપે છે. આવી સ્થિતિમાં બ્રિક્સ ભારત માટે જરૂરી છે. તેનું મોટું કારણ એ પણ છે કે તેના મંચ પરથી ભારત પશ્ચિમી દેશોના વર્ચસ્વ સામે ખૂલીને બોલી શકે છે અને તેને અન્ય સભ્ય દેશોનું સમર્થન પણ મળે છે. આ સંગઠનમાં જોડાઈને ભારત વિશ્વ વેપાર સંગઠન, વિશ્વ બેંક અને આઈએમએફ જેવી ઘણી મોટી સંસ્થાઓમાં વિકસિત દેશોના વર્ચસ્વને ખુલ્લી રીતે પડકારે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post