• Home
  • News
  • દેશમાં 100 કરોડથી વધુ વેક્સિન ડોઝ, શું માસ્ક ફ્રી હશે આપણી દિવાળી? જાણો બધુ
post

કયા જિલ્લાઓમાં સૌથી વધુ અને ક્યાં સૌથી ઓછું વેક્સિનેશન થયું છે?

Written By newsonline | Ahmedabad | Published: 2021-10-20 10:08:01

દેશમાં આજે વેક્સિનના 100 કરોડ ડોઝ લાગી શકે છે. મંગળવાર સુધી 99 કરોડથી વધુ વેક્સિન ડોઝ લગાવી દેવાયા હતા. જે દેશોમાં ઝડપથી વેક્સિનેશન થયું છે તેમાંથી કેટલાક માસ્ક ફ્રી થઈ ગયા છે. એવામાં હવે સવાલ છે કે 100 કરોડ ડોઝ પછી શું આપણી દિવાળી પણ માસ્ક ફ્રી થવાની છે? સરકારે ઓગસ્ટમાં ડિસેમ્બર સુધી 216 કરોડ વેક્સિન ડોઝ લાવવાની વાત કહી હતી. હાલની ઝડપે શું આવું સંભવ બનશેઆવો સમજીએ...

અત્યાર સુધી કેવી રહી વેક્સિનેશનની ઝડપ?
દેશમાં 16 જાન્યુઆરીથી વેક્સિનેશન અભિયાનની શરૂઆત કરવામાં આવી. શરૂઆતના 20 કરોડ વેક્સિન ડોઝ 131 દિવસમાં લાગ્યા. આગામી 20 કરોડ ડોઝ 52 દિવસમાં આપવામાં આવ્યા. 40થી 60 કરોડ ડોઝ આપવામાં 39 દિવસ લાગ્યા. 60 કરોડથી 80 કરોડ ડોઝ આપવામાં સૌથી ઓછા માત્ર 24 દિવસ લાગ્યા.

અત્યારે 80 કરોડથી 100 કરોડ થવામાં 31 દિવસ લાગી રહ્યા છે. એટલે કે હવે ઝડપ ઓછી થઈ છે. જો આ ઝડપથી વેક્સિનેશન ચાલતું રહેશે તો દેશમાં 216 કરોડ વેક્સિને ડોઝ લાગવામાં લગભગ 175 દિવસ વધુ લાગશે. એટલે કે, 5 એપ્રિલ 2022 આસપાસ આ આંકડો આપણે પાર કરી શકીએ છીએ.

કયા દેશોના લોકોને મળી માસ્કથી આઝાદી?
બ્રિટન, અમેરિકા, સ્વીડન, ચીન, ન્યૂઝીલેન્ડ, હંગેરી, ઈટાલી પછી હાલમાં જ સાઉદી અરેબિયાએ સંપૂર્ણપણે વેક્સિનેટેડ લોકો માટે માસ્ક મેન્ડેટરી રાખ્યા નથી.

ઈઝરાયેલ દુનિયાનો પ્રથમ દેશ હતો જ્યાં સંપૂર્ણપણે વેક્સિનેટેડ લોકોને માસ્ક ન પહેરવાની છૂટ આપવામાં આવી. જો કે, ડેલ્ટા વેરિએન્ટના કારણે કેસ ફરી વધતા માસ્ક લગાવવાનું ફરી ફરજિયાત કરી દેવાયું.

જે દેશઓમાં સંપૂર્ણપણે વેક્સિનેટેડ લોકોને માસ્કથી છૂટ મળી છે ત્યાં 50%થી વધુ વસતી સંપૂર્ણપણે વેક્સિનેટ થઈ ચૂકી છે. અમેરિકાએ માત્ર 37% વસતી સંપૂર્ણપણે વેક્સિનેટ થયા પછી વેક્સિનેટેડ લોકોને માસ્ક ન પહેરવા છૂટ આપી દીધી હતી.

તો શું આપણી દિવાળી પણ માસ્ક ફ્રી થઈ શકે છે?

આપણે ભલે 100 કરોડ ડોઝ લગાવી લીધા હોય પણ દેસની માત્ર 20% વસતી જ સંપૂર્ણપણે વેક્સિનેટ થઈ છે. 29% વસતીને વેક્સિનનો એક ડોઝ આપી દેવાયો છે. એવામાં માસ્ક ફ્રી થવા માટે આપણે હજુ રાહ જોવી પડશે.

મહામારી એક્સપર્ટ ડોક્ટર ચંદ્રકાંત લહારિયા કહે છે કે જ્યાં સુધી 85% વસતી સંપૂર્ણપણે વેક્સિનેટ ન થઈ જાય ત્યાં સુધી એમ કરવું ખતરનાક હોઈ શકે છે. જે દેશોમાં તેની છૂટ આપવામાં આવી છે ત્યાં જનસંખ્યાની ગીચતા ભારતની તુલનામાં ઘણી ઓછી છે. તેઓ કહે છે કે આપણે આપણી જરૂરિયાતોના હિસાબે જ નિર્ણયો લેવા જોઈએ.

બ્રોકરેજ ફર્મ યશ સિક્યુરિટીઝના એક રિપોર્ટ અનુસાર જાન્યુઆરી સુધી દેશની 60થી 70% વસતી સંપૂર્ણપણે વેક્સિનેટેડ થઈ જશે. આ સમય સુધી ભારત હર્ડ ઈમ્યુનિટી અચિવ કરી લેશે. તેના પછી લોકોને માસ્ક નહીં લગાવવાની સંપૂર્ણ છૂટ મળી શકે છે. બધુ મળીને એમ કહી શકાય કે માસ્કથી સંપૂર્ણપણે આઝાદી માટે આપણે હજુ ઓછામાં 6થી 8 મહિના વધુ રાહ જોવી પડશે.

કયા રાજ્યોમાં સૌથી ઓછી વસતી વેક્સિનેટ થઈ?

વસતીના હિસાબે સૌથી ઓછું વેક્સિનેશન ઉત્તરપ્રદેશ, બિહાર અને ઝારખંડમાં થયું છે. આ ત્રણેય રાજ્યોની માત્ર 12% વસતી સંપૂર્ણપણે વેક્સિનેટ થઈ છે. ઝારખંડની 36% વસતી એવી છે કે જેને વેક્સિનનો એક ડોઝ આપી દેવાયો છે. તો બિહારની 37% વસતીને વેક્સિનનો એક ડોઝ આપી દેવાયો છે. જ્યારે યુપીની 40% વસતીને વેક્સિનનો એક ડોઝ અપાયો છે.

જો કે, દેશમાં સૌથી વધુ વેક્સિન ડોઝ પણ ઉત્તરપ્રદેશમાં લગાવાયા છે. આમ છતાં 23 કરોડ વસતીવાળા રાજ્યના હિસાબે એ ખૂબ ઓછા છે. વસતીના હિસાબે વેક્સિન લગાવવામાં મહારાષ્ટ્રને છોડી દઈએ તો મોટા રાજ્યો પાછળ રહ્યા છે. સૌની પાછળ યુપી છે. ત્યાં દેશની 17.4 % વસતી છે, જ્યારે ત્યાં કુલ વેક્સિનમાંથી 11.9% લાગી છે.

વસતીના હિસાબે વેક્સિનેશનનો અંદાજ કરીએ તો યુપીની સ્થિતિ સૌથી ખરાબ નજરે પડે છે. ત્યાંના મોટાભાગના જિલ્લાઓમાં 15%થી વધુ વસતીને બંને ડોઝ લાગી શક્યા નથી. સૌથી ઓછા વેક્સિનેશનવાળા 100 જિલ્લામાં 47 યુપી-બિહારના છે. સૌથી સારી ઝડપવાળા ટોપ-8 જિલ્લાઓમાં પણ યુપીનું નોઈડા સામેલ છે.

દેશના કયા રાજ્યોમાં સૌથી વધુ વસતી સંપૂર્ણપણે વેક્સિનેટ થઈ?
અત્યાર સુધી માત્ર બે રાજ્ય અને બે કેન્દ્રશાસિત પ્રદેશ છે જ્યાં 50%થી વધુ વસતી સંપૂર્ણપણે વેક્સિનેટ થઈ ચૂકી છે. સૌથી વધુ નોર્થ ઈસ્ટના રાજ્ય સિક્કિમની 64% વસતીને વેક્સિનના બંને ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે ગોવાની પણ લગભગ 55% વસતી સંપૂર્ણપણે વેક્સિનેટ થઈ ચૂકી છે. બે કેન્દ્રશાસિત પ્રદેશો લક્ષદ્વિપ અને દાદરા નગર હવેલીમાં પણ મોટાભાગની વસતી સંપૂર્ણપણે વેક્સિનેટ થઈ ચૂકી છે. લક્ષદ્વિપમાં તો 65%થી વધુ વસતી સંપૂર્ણપણે વેક્સિનેટ થઈ ચૂકી છે.

કયા જિલ્લાઓમાં સૌથી વધુ અને ક્યાં સૌથી ઓછું વેક્સિનેશન થયું છે?
જિલ્લાઓમાં સૌથી વધુ વેક્સિનેશન હરિયાણાના ગુડગાંવમાં થયું છે. અહીંની 83%થી વધુ વસતી સંપૂર્ણપણે વેક્સિનેટ થઈ ચૂકી છે. બીજા નંબર પર હિમાચલનું કિન્નૌર છે જ્યાંની 74% વસતીને વેક્સિનના બંને ડોઝ આપી દેવાયા છે. ત્રીજા નંબર પર પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા છે. જ્યાં 60%થી વધુ વસતી સંપૂર્ણપણે વેક્સિનેટ છે.

સૌથી ઓછા વેક્સિનેટ જિલ્લાઓની વાત કરીએ તો ટોપ પર પંજાબનું ફિરોઝપુર છે. જ્યાં અત્યાર સુધી માત્ર 6% વસતી સંપૂર્ણપણે વેક્સિનેટ છે. તેના પછી સૌથી ઓછા વેક્સિનેટ સાત જિલ્લા ઉત્તરપ્રદેશના છે. તેમાં સોનિયા ગાંધીનો મતવિસ્તાર રાયબરેલી પણ સામેલ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post