• Home
  • News
  • માર્ચ મહિનાથી બંધ લોકલ ટ્રેન ચાલુ ન કરાતાં અપડાઉન કરતા 50 હજારથી વધુ નોકરિયાતો મુશ્કેલીમાં
post

અન્ય રાજ્યોની માફક ગુજરાતમાં લોકલ ટ્રેન ચાલુ કરવામાં આવે એવી માગણી પ્રબળ બની

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-15 11:08:16

કોરોના અટકાવવા માટે લોકજાગૃતિ કેળવતી સરકાર છાશ પણ ફૂંકી ફૂંકીને પી રહી હોય એવી સ્થિતિથી અનેક લોકો પરેશાન થઈ રહ્યા છે. અમદાવાદમાં રોજીરોટી મેળવવા આવતા લોકોની લાઈફલાઈન એવી લોકલ ટ્રેનો ચાલુ કરવામાં ન આવતાં દરરોજ અપડાઉન કરતા 50 હજાર લોકો પરેશાનીને સામનો કરી રહ્યા છે. આસપાસનાં નાના શહેરો, ગામમાંથી 10-15 હજાર રૂપિયાની કમાણી કરવા અમદાવાદ અપડાઉન કરતા લોકો 900, 1000 રૂપિયાનો ટ્રેન પાસ મેળવતા હોય છે. કોરોના હવે કન્ટ્રોલમાં આવી રહ્યો છે ત્યારે ગુજરાત સરકારને લોકોની રોજીરોટી અને ઉદ્યોગ-ધંધાને ધમધમતા કરવા માટે યોગ્ય નિર્ણય લે એવી રજૂઆતો કરવામાં આવી રહી છે.

અન્ય રાજ્યોમાં લોકલ ટ્રેનો ચાલુ કરાઈ છે
મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતની સરકારે લોકોની આજીવિકાને ધ્યાને લઈને લોકલ ટ્રેનો ચાલુ કરી છે. ગુજરાત સરકાર પણ આ બાબતે વિચારી મંજૂરી આપે તો રેલવેતંત્ર લોકલ ટ્રેનો ચાલુ કરી શકે છે એવી રજૂઆતો કરવામાં આવી છે. સલામતી જળવાઈ રહે એ રીતે નિર્ણય લેવામાં આવે તો લોકોને રોજગારી મળવા સાથે અમદાવાદના ધંધાઉદ્યોગ ધમધમતા થશે એવો આશાવાદ વ્યક્ત થઈ રહ્યો છે. અમદાવાદમાં દરરોજ હજારો લોકો આસપાસના 100 કિલોમીટર વિસ્તારમાંથી રોજીરોટી રળવા માટે આવે છે. કારખાનાં, ફેક્ટરી અને ઓફિસોમાં આસપાસનાં ગામ, ટાઉન, નાનાં શહેરોમાંથી આવવા અને જવા માટે ટ્રેન શ્રેષ્ઠ પર્યાય બની રહે છે.

50 હજાર લોકો ટ્રેન મારફત અમદાવાદ અપડાઉન કરતા હોય છે
અંદાજે 50 હજાર લોકો ટ્રેન મારફત અમદાવાદ અપડાઉન કરતા હોય છે, પરંતુ કોરોના પછી માર્ચ મહિનાથી લોકલ, મેમુ-ડેમુ અને ઈન્ટરસિટી બંધ કરી દેવામાં આવી છે. ગુજરાત સરકાર મંજૂરી આપે તો લોકલ ટ્રેન ચાલુ થઈ શકે તેમ છે. અન્ય રાજ્યોની માફક ગુજરાતમાં લોકલ ટ્રેન ચાલુ કરવામાં આવે તેવી માગણી પ્રબળ બની રહી છે. અમદાવાદમાં સાણંદ, વિરમગામ અને સુરેન્દ્રનગર, મહેસાણા-કલોલ, પાલનપુર અને વડોદરા, અંકલેશ્વર તેમજ આસપાસનાં નાનાં-મોટાં ગામ, શહેરમાંથી રોજીરોટી મેળવવા માટે અંદાજે 50 હજાર લોકો અપડાઉન કરે છે.

લોકલ ટ્રેનો બંધ થવાથી અનેક લોકોએ રોજગારી ગુમાવવી પડે છે
પશ્ચિમ રેલવેના અમદાવાદ-વડોદરા, સુરત-વડોદરા, રાજકોટ- અમદાવાદ અને મહેસાણા, આબુ રોડ- અમદાવાદ રેલવે રૂટ પર દરરોજ એક લાખ નોકરિયાતો અપડાઉન કરે છે. વીતેલા 160 દિવસથી વધુ સમયથી કોરોનાને કારણે અપડાઉનમાં ઉપયોગી લોકલ ટ્રેન બંધ કરી દેવામાં આવી છે. આ ટ્રેન બંધ થવાથી અપડાઉન કરતા પૈકીના અનેક લોકોએ રોજીરોટી ગુમાવવી પડી છે.

નોકરિયાતો ઈન્ટરસિટી, મેમુ-ડેમુ અને લોકલ ટ્રેનનો ઉપયોગ કરતા હતા
અપડાઉન કરનારા નોકરિયાતો ઈન્ટરસિટી, મેમુ-ડેમુ અને લોકલ ટ્રેનનો ઉપયોગ કરતા હતા. દેશમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન રાજ્યમાં લોકલ ટ્રેન ઉપરાંત મુંબઈમાં સબર્બન ટ્રેન અને દિલ્હીમાં મેટ્રો ટ્રેન અંશત: શરૂ કરી દેવામાં આવી છે. લોકલ ટ્રેન ચાલુ કરવા માટે રાજ્ય સરકારની મંજૂરી આવશ્યક છે. દેશનાં અન્ય રાજ્યોની માફક જ ગુજરાત સરકાર પણ કોરોનાને કારણે બંધ કરાયેલી લોકલ ટ્રેન ફરી ચાલુ કરવા મંજૂરી આપે એ જરૂરી બન્યું છે. ઈન્ટરસિટી, મેમુ-ડેમુ અને લોકલ ટ્રેનો ચાલુ થાય તો નજીકનાં ગામથી આવતા લોકોને રોજીરોજી મળશે, સાથે જ કર્મચારીઓ, શ્રમિકો મળવાથી અમદાવાદના ધંધાઉદ્યોગ પણ ગતિવંત બની શકે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post