• Home
  • News
  • મોદી સરકારમાં નામ બદલાવવાનો સિલસિલો યથાવત્, 2014 બાદથી ગાંધી-નેહરુ પરિવારનાં નામે ચાલતી 5 યોજનાનાં નામ બદલાયાં
post

કેન્દ્ર સરકારે ભાજપના અનેક દિવંગત નેતાઓનાં નામે કેટલીક સંસ્થાઓનાં નામ રાખ્યાં છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-08-07 15:29:20

શેક્સપિયરે કહ્યું છે કે નામમાં શું રાખ્યું છે. જોકે એ વાત પણ સત્ય છે કે આ વાત લખ્યા બાદ નીચે સિગ્નેચર કરતી વખતે તેને પોતાનું જ નામ લખ્યું હતું. જોકે હાલની મોદી સરકારે શેક્સપિયરની વાત કંઈક વધુપડતી સિરિયસ લઈ લીધી હોય એવું લાગી રહ્યું છે અને એને કારણે જ મોદી સરકાર માર્ગ, શહેર, રેલવે, સ્ટેશન, એરપોર્ટ, સ્પોર્ટ્સ સ્ટેડિયમ અને સરકારી યોજનાઓનાં નામ ચેન્જ કરી રહી છે.

સરકાર બદલાવવાની સાથે યોજનાઓનાં નામમાં ફેરફારનું ચલણ જૂનું છે. 2014માં સત્તામાં આવ્યા બાદથી મોદી સરકાર સતત અનેક યોજનાઓનાં નામ બદલી રહી છે. આ ક્રમમાં કેન્દ્ર સરકારે રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારનું નામ બદલાવી નાખ્યું છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી કહ્યું છે કે ભારતના નાગરિકો તરફથી ખેલ રત્ન પુરસ્કારનું નામ મેજર ધ્યાનચંદના નામ પર રાખવાની અનેક રજૂઆત આવી હતી, ત્યારે તેમની ભાવનાનું સન્માન કરતાં ખેલ રત્ન પુરસ્કારને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર નામ આપવામાં આવ્યું છે.

કોંગ્રેસે રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારનું નામ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર કરવાના નિર્ણયનું સ્વાગત કર્યું છે. જોકે સાથે જ વડાપ્રધાન મોદીએ હોકીના ખેલાડીના નામનો ઉપયોગ પોતાના રાજકીય ઉદ્દેશ માટે કર્યો હોવાનો આરોપ થઈ રહ્યા છે અને સાથે જ માગ કરી કે સરકારે હવે અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને દિલ્હીનું અરુણ જેટલી સ્ટેડિયમનું પણ નામ બદલી નાખવું જોઈએ.

મોટા ભાગે નેહરુ-ગાંધી પરિવારની યોજનાઓનાં નામ બદલાયાં
વર્ષ 2014માં કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર બન્યા બાદ અનેક યોજનાઓનાં નામ બદલાવવામાં આવ્યાં, જેમાં મોટા ભાગે નેહરુ-ગાંધી પરિવારનાં નામ હતાં. આ ઉપરાંત જ્યાં-જ્યાં ભાજપની સરકાર છે ત્યાંની સરકારોએ અનેક શહેર, સંસ્થાઓ, સ્ટેશન અને પોર્ટનાં નામ બદલી નાખ્યાં.

કઈ કઈ યોજનાઓનાં નામ બદલવામાં આવ્યાં

યોજનાનું પહેલાં શું નામ હતું?

હવે શું નામ છે

ઈન્દિરા આવાસ યોજના

વડાપ્રધાન આવાસ યોજના (ગ્રામીણ)

ઈન્દિરા ગાંધી માતૃત્વ સહયોગ યોજના

વડાપ્રધાન માતૃ વંદના યોજના

રાજીવ ગ્રામીણ વિદ્યુતીકરણ યોજના

દીન દયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના

રાજીવ આવાસ યોજના

સરદાર પટેલ રાષ્ટ્રીય શહેરી આવાસ મિશન

જવાહરલાલ નેહરુ રાષ્ટ્રીય શહેરી નવીનીકરણ મિશન

વડાપ્રધાન આવાસ યોજના (શહેરી)

કોંગ્રેસનો આરોપ, જૂની યોજનાઓનાં નવાં નામ
અનેક યોજનાઓનાં નામ બદલવામાં આવ્યાં બાદ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે અનેક યોજનાઓ UPA સરકારના સમયની છે, પરંતુ મોદી સરકાર માત્ર તેનું નામ બદલીને એને નવો દેખાડવાનો પ્રયાસ કરી રહી છે. 15 જૂન, 2017ના રોજ કોંગ્રેસનેતા શશિ થરુરે દાવો કર્યો હતો કે ભાજપના નેતૃત્વવાળી સરકાર UPA સરકારની અનેક યોજનાઓનાં માત્ર નામ બદલીને 23 નવા કાર્યક્રમો ચલાવે છે. દરેક વખતે નામ બદલવાના મોદી સરકારના નિર્ણયનો વિરોધ કરનારા કોંગ્રેસે પણ આ મુદ્દાને જોર-શોરથી ઉઠાવવાનું મન બનાવી લીધું છે.

જનસંઘના સંસ્થાપકના નામે મોટા ભાગની યોજનાઓ
મોદી સરકારે વિવિધ સરકારી યોજનાઓ સહિત શહેર, એરપોર્ટ, પોર્ટ, સંસ્થાઓનાં નામ કોંગ્રેસમુક્ત કર્યા બાદ સૌથી વધુ જનસંઘના સંસ્થાપક અને ભાજપની વિચારધારાના સૂત્રધાર દીન દયાળ ઉપાધ્યાયનું નામ વટાવવામાં આવ્યું. દીન દયાળ અંત્યોદય યોજના, દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય અને યોજના, દીન દયાળ ઉપાધ્યાય શ્રમવે જયતે કાર્યક્રમ સહિત અનેક કેન્દ્રીય યોજનાઓ ચાલી રહી છે. આ ઉપરાંત રાજ્યોમાં પણ દીન દયાળ ઉપાધ્યાયના નામે અનેક યોજનાઓ છે.

ગાંધી પરિવારના નામ પર શું-શું?
2015
ના એક અંદાજ મુજબ નહેરુ-ગાંધી પરિવારના નામે દેશમાં લગભગ 600 સરકારી યોજનાઓનાં નામ રાખવામાં આવ્યાં હતાં. 2012માં સૂચના અધિકાર કાયદા અંતર્ગત 2012માં આ જાણકારી સામે આવી હતી કે 12 કેન્દ્રીય અને 52 જેટલી રાજ્ય યોજનાઓ, 28 ખેલ ટૂર્નામેન્ટ અને ટ્રોફીઓ, 19 સ્ટેડિયમ, પાંચ એરપોર્ટ અને પોર્ટ, 98 શૈક્ષેણિક સંસ્થા, 51 પુરસ્કાર, 15 ફેલોશિપ, 15 રાષ્ટ્રીય અભયારણ્ય અને પાર્ક, 39 હોસ્પિટલ અને ચિકિત્સા સંસ્થા, 37 સંસ્થા, 74 રસ્તા, બિલ્ડિંગ અને સ્થાનોનાં નામ કોંગ્રેસના પ્રથમ પરિવાર- એવા નેહરુ-ગાંધી પરિવારના નામે રાખવામાં આવ્યામ હતામ.

ભાજપના દિવંગત નેતાઓના નામે હાલ અનેક સંસ્થાઓ
સરકારી યોજનાઓનાં નામ બદલવાની સાથે સાથે કેન્દ્ર સરકારે ભાજપના અનેક દિવંગત નેતાઓનામ નામે કેટલીક સંસ્થાઓનાં નામ રાખ્યાં છે, જેમકે 2020માં મોદી સરકારે ઈન્સ્ટિટ્યૂટ ફોર ડિફેન્સ સ્ટડીઝ એન્ડ એનાલિસિસનું નામ બદલીને મનોહર પર્રિકર ઈન્સ્ટિટ્યૂટ ફોર ડિફેન્સ સ્ટડીઝ એન્ડ એનાલિસિસ કરી દીધું છે. આ નામકરણ સમયે સરકારે કહ્યું હતું કે આ નિર્ણય દિવંગત રક્ષામંત્રી પર્રિકરની પ્રતિબદ્ધતા અને વિરાસતનું સન્માન કરવા માટે કરાયું છે.

આ રીતે પ્રવાસી ભારતીય કેન્દ્રને પણ પૂર્વ વિદેશમંત્રી સુષમા સ્વરાજનું નામ આપવામાં આવ્યું છે. આ એક સાંસ્કૃતિક કેન્દ્ર છે, જે પ્રવાસી ભારતીયોની સાથે ભારતીયોને જોડે છે. નવોદિત રાજનાયકોને પ્રશિક્ષિત કરનારી વિદેશ સેવા સંસ્થાનું નામ પણ બદલીને સુષમા સ્વરાજ ભવન કરી દેવાયું છે.

રાષ્ટ્રીય નાણાકીય પ્રબંધન સંસ્થાનું નામ બદલીને પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીના નામે 'અરુણ જેટલી રાષ્ટ્રીય નાણાકીય પ્રબંધન સંસ્થા' કરી દેવાયું છે. તો દિલ્હીનું ફિરોઝશાહ કોટલા મેદાન સ્ટેડિયમનું નામ પણ હવે અરુણ જેટલી સ્ટડિયમ કરી દેવાયું છે.

PM મોદીના નામે પણ સ્ટેડિયમ
આ વર્ષે જ ફેબ્રુઆરીમાં અમદાવાદમાં તૈયાર થયેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે રાખવામાં આવ્યું છે. મોટેરાના નામથી પ્રખ્યાત આ સ્ટેડિયમને અત્યારસુધી સરદાર પટેલ સ્ટેડિયમના નામથી ઓળખવામાં આવતું હતું. જોકે આ આખું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પરિસર હજુ પણ સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તરીકે જ ઓળખાશે. આ રીતે જ નામ બદલાવાનો વિવાદ લખનઉના ઈકાના સ્ટેડિયમના નામ બદલાવા પર પણ થયો હતો, કેમ કે ઈકાના ભગવાન વિષ્ણુનું જ એક નામ છે. ત્યારે આ મામલે વિવાદ વધતાં સરકાર વચલો રસ્તો કાઢતાં ભગવાન વિષ્ણુને અટલ જી પછી એડજસ્ટ કરીને સ્ટેડિયમનું નામ ભારત રત્ન અટલ બિહારી વાજપેયી ઈકાના સ્ટેડિયમ રાખવામાં આવ્યું.

અનેક જગ્યાઓનાં નામ પણ બદલવામાં આવ્યાં
જે રાજ્યોમાં ભાજપની સરકાર બન્યા બાદ અનેક શહેરોનાં નામ પણ બદલવામાં આવ્યાં છે. 2018માં યોગી સરકારે મુગલસરાય જંકશનનું નામ બદલીને દીન દયાળ ઉપાધ્યાય જંકશન કરી દીધું. આ રીતે અલાહાબાદને પ્રયાગરાજ અને ફૈઝાબાદને અયોધ્યા નામ આપવામાં આવ્યાં છે. હરિયાણામાં મનોહરલાલ ખટ્ટર સરકારે ગુડગાંવને ગુરુગ્રામ કરી દીધું. આ ઉપરાંત વડાપ્રધાનના નિવાસસ્થાનના રેસકોર્સ રોડનું નામ પણ બદલાવીને લોક કલ્યાણ માર્ગ અને ઔરંગઝેબ રોડનું નામ APJ અબ્દુલ કલામ રોડ કરી દીધું છે. 2017માં ગુજરાતના કંડલા પોર્ટનું નામ પણ દીન દયાળ પોર્ટ રાખવામાં આવ્યું છે.

રોડ-રસ્તા, ગામ અને રેલવે સ્ટેશનનાં નામ બદલાવવામાં આવ્યાં ત્યારે એરપોર્ટ કઈ રીતે બાકાત રહી શકે? આ સૂચિમાં જ આગળ વધીએ તો અગરતાલા એરપોર્ટનું નામ મહારાજ વીર વિક્રમ એરપોર્ટ અને મુંબઈના છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટનું નામ સુધારીને છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ કરી દેવાયું.

નામ બદલવાની હોડ મોદી શાસનમાં જ નહીં, UPA શાસનમાં પણ જોવા મળી
એવું નથી કે નામ બદલવાની કળા માત્ર નરેન્દ્ર મોદી અને ભાજપવાળાઓને જ આવડે છે. UPA સરકાર હતી એ દરમિયાન પણ ઘણી જગ્યાઓનાં નામ બદલાવામાં આવ્યાં. લખનઉનું અમૌસી એરપોર્ટ 2008માં ચૌધરી ચરણસિંહ એરપોર્ટ બની ગયું અને અમૃતસરનું રાજાસાંસી ઈન્ટરનેશનલ એરપોર્ટ હવે શ્રીગુરુ રામ દાસજી ઈન્ટરનેશનલ એરપોર્ટ તરીકે ઓળખાય છે.

સ્વતંત્ર ભારતમાં વર્ષ 1950માં સૌથી પહેલા પૂર્વ પંજાબનું નામ પંજાબ રાખવામાં આવ્યું. એ બાદ 1956માં હૈદરાબાદથી આંધ્રપ્રદેશ, 1959માં મધ્યભારતનું નામકરણ મધ્યપ્રદેશ થયું. આ પ્રથા અહીં જ ન અટકી, 1969માં મદ્રાસને તામિલનાડુ, 1973માં મૈસૂરને કર્ણાટક, જે બાદ પુડુચેરી, ઉત્તરાંચલથી ઉત્તરાખંડ, 2011માં ઉડીસાથી ઓડિશા નામ પાડવામાં આવ્યું. આ યાદી અહીં જ પૂરી નથી થતી, પરંતુ મુંબઈ, ચેન્નઈ, કોલકાતા, શિમલા, કાનપુર, જલપુર સહિત લગભગ 15 શહેરનાં નામ બદલવામાં આવ્યાં. આ યાદીમાં અમદાવાદ પણ છે, જેનું નામ કર્ણાવતી રાખવાની માગ ઘણા સમયથી ચાલી રહી છે.

નામ બદલાવવાની અનેક માગ હજુ લિસ્ટમાં
ભાજપના રાજ્યસભાના સાંસદ સુબ્રહ્મણ્યમ સ્વામીએ માગ કરી છે કે જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલય (JNU)નું નામ બદલીને સુભાષચંદ્ર બોઝ વિશ્વવિદ્યાલય કરવામાં આવે. જ્યારે અન્ય એક સંગઠન હિંદુ મહાસભાએ પણ ગત વર્ષે માગ કરી હતી કે દિલ્હી વિશ્વવિદ્યાલયનું નામ બદલીને વીર સાવરકર વિશ્વવિદ્યાલય કરવામાં આવે. ત્યારે આ માગને જોતાં હાલ તો એટલું જ કહી શકાય.. .પિકચર અભી બાકી હૈ મેરે દોસ્ત...

 

adv

Related News

post
post
post
post
post
post
post