• Home
  • News
  • નાસાએ ચંદ્ર પર જનારા ક્રૂની જાહેરાત કરી:પહેલીવાર મહિલા અને અશ્વેત એસ્ટ્રોનોટ્સને સિલેક્ટ કરવામાં આવ્યાં, આવતા વર્ષે લોન્ચ થશે ઓર્ટેમિસ-2 મિશન
post

નાસાએ પહેલીવાર પોતાના મૂન મિશન માટે એક મહિલા અને એક બ્લેક એસ્ટ્રોનોટને પસંદ કર્યા છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-04 18:29:18

કેલિફોર્નિયા: નાસા 50 વર્ષ પછી ચંદ્ર પર એસ્ટ્રોનોટ્સને મોકલશે. આર્ટેમિસ-2 મિશન હેઠળ આવતા વર્ષે ચાર એસ્ટ્રોનોટ્સ ચંદ્રની આસપાસ પરિક્રમા કરીને પૃથ્વી પર પાછા આવશે. આ ક્રૂમાં પહેલીવાર એક મહિલા અને આફ્રિકન-અમેરિકન(અશ્વેત) એસ્ટ્રોનોટ્સ પણ સામેલ હશે. અપોલો મિશનના 50 વર્ષથી વધુ સમય પછી કોઈ માણસ ચંદ્ર સુધી જશે.

ક્રિસ્ટીના હેમોક કોચને આ 10 દિવસના ચંદ્ર મિશન માટે નિષ્ણાત તરીકે પસંદ કરવામાં આવ્યાં છે. આ પહેલાં ક્રિસ્ટિનાએ સૌથી વધુ સમય અંતરિક્ષમાં રહેવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેમના સિવાય અમેરિકન નેવીના વિક્ટર ગ્લોવરને પણ પાઇલટ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેઓ ચંદ્ર મિશન પર અવકાશમાં જનાર પહેલા અશ્વેત અવકાશયાત્રી હશે.

એસ્ટ્રોનોટ્સ 2025માં ચંદ્ર પર ઊતરશે
મિશન માટે પસંદ કરાયેલા 4માંથી 3 એસ્ટ્રોનોટ્સ અમેરિકાના છે જ્યારે એક કેનેડિયન છે. હ્યુસ્ટનના જોન્સન સ્પેસ સેન્ટરમાંથી આ નામોની જાહેરાત કરવામાં આવી. મૂન મિશન દરમિયાન અવકાશયાત્રીઓ ચંદ્ર પર પગ નહીં મૂકે. આ એક ફ્લાયબાય મિશન છે જેના હેઠળ અવકાશયાત્રીઓ ચંદ્રની પરિક્રમા કરીને પાછા આવશે. જોકે, જો આ મિશન સફળ રહેશે તો 2025માં આર્ટેમિસ-3 મિશન મોકલવામાં આવશે, જેમાં અવકાશયાત્રીઓ ચંદ્ર પર પગ મૂકશે.

22 લાખ કિલોમીટરની યાત્રાનો ટાર્ગેટ
આર્ટેમિસ-2 મિશન દરમિયાન લગભગ 22 લાખ કિલોમીટરની મુસાફરી કરશે. તેનો હેતુ એ તપાસવાનો છે કે ઓરિઅન સ્પેસશિપના તમામ લાઇફ-સપોર્ટ સિસ્ટમ યોગ્ય રીતે ડિઝાઇન કરેલાં છે. જેથી એસ્ટ્રોનોટ્સને ડીપ સ્પેસમાં જવાથી અને 2025માં મૂન લેન્ડિંગ દરમિયાન પરેશાની થાય નહીં. પરત ફરતા પહેલાં ચંદ્રની ડાર્ક સાઇડથી લગભગ 10,300 કિલોમીટર દૂર સુધી જશે.

નાસાએ 15 નવેમ્બર, 2022ના રોજ ત્રીજી કોશિશ હેઠળ આર્ટેમિસ-1 મિશન લોન્ચ કર્યું હતું. તે 25 દિવસ પછી 14 લાખ માઈલની સફર પૂર્ણ કરીને 10 ડિસેમ્બરે પૃથ્વી પર પરત ફર્યું હતું. અગાઉ ડિસેમ્બર 1972માં એપોલો-17 મિશન ચંદ્રની આટલી નજીક પહોંચ્યું હતું.

​​​​​​ઓરિયન સ્પેસ કેપ્સ્યુલ માટે બનાવવામાં આવેલું વિશ્વનું સૌથી શક્તિશાળી રોકેટ SLS
નાસાએ 1972માં ચંદ્ર પર એપોલો મિશન મોકલ્યું હતું. 50 વર્ષ બાદ મૂન મિશન લોન્ચ કરવામાં આવી રહ્યું છે. આ વખતે સ્પેસક્રાફ્ટ ઓરિયનને અવકાશમાં લઈ જવા માટે નાસાએ વિશ્વનું સૌથી શક્તિશાળી રોકેટ SLS બનાવ્યું છે.

આર્ટેમિસ મિશન શું છે?

·         અમેરિકા 53 વર્ષ બાદ ફરી એકવાર આર્ટેમિસ મિશન દ્વારા ચંદ્ર પર માનવ મોકલવાની તૈયારી કરી રહ્યું છે. તે ત્રણ ભાગોમાં વહેંચાયેલું છે. આર્ટેમિસ-1, 2 અને 3. આર્ટેમિસ-1એ ચંદ્રની પરિક્રમા કરી, કેટલાક નાના ઉપગ્રહો છોડ્યા અને ચંદ્રના ઘણા મહત્ત્વપૂર્ણ ફોટા અને વીડિયો મેળવી આપ્યા.

·         આર્ટેમિસ-2 2024ની આસપાસ લોન્ચ થશે. કેટલાક અવકાશયાત્રીઓ પણ આમાં જશે, પરંતુ તેઓ ચંદ્ર પર પગ નહીં મૂકે. તેઓ ચંદ્રની ભ્રમણકક્ષામાં ફર્યા પછી જ પાછા આવશે. આ મિશનનો સમયગાળો વધુ લાંબો રહેશે.

·         તે પછી, અંતિમ મિશન આર્ટેમિસ-3 રવાના કરવામાં આવશે. આમાં જતા અવકાશયાત્રીઓ ચંદ્ર પર ઊતરશે. આ મિશન 2025 કે 2026માં લોન્ચ થઈ શકે છે. પહેલીવાર મહિલા પણ હ્યુમન મૂન મિશનનો ભાગ બનશે. આમાં પર્સન ઓફ કલર (શ્વેત કરતાં અલગ જાતિની વ્યક્તિ) પણ ક્રૂ મેમ્બર હશે. અવકાશયાત્રીઓ ચંદ્રના દક્ષિણ ધ્રુવમાં રહેલ પાણી અને બરફ અંગે સંશોધન કરશે.

 

આર્ટેમિસ મિશનનો ખર્ચ રૂ. 7,434 અબજ હતો
નાસા ઑફિસ ઑફ ધ ઇન્સ્પેક્ટર જનરલના ઑડિટના જણાવ્યા પ્રમાણે, 2012 થી 2025 સુધી, પ્રોજેક્ટનો ખર્ચ $93 બિલિયન એટલે કે 7,434 બિલિયન રૂપિયા થશે. તે જ સમયે દરેક ફ્લાઇટનો ખર્ચ 4.1 અબજ ડોલર એટલે કે 327 અબજ રૂપિયા થશે. આ પ્રોજેક્ટમાં અત્યાર સુધીમાં 37 બિલિયન ડોલર એટલે કે 2,949 બિલિયન રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે.

 

આર્ટેમિસ 50 વર્ષ જૂના એપોલો મિશનથી અલગ છે
અપોલો મિશનની છેલ્લી અને 17મી ફ્લાઇટે 1972માં ઉડાન ભરી હતી. આ મિશનની પરિકલ્પના અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જે એફ કેનેડીએ સોવિયત સંઘને માત આપવા માટે કરી હતી. તેમનું લક્ષ્ય અમેરિકાને સાયન્સ એન્ડ ટેક્નોલોજીના ફિલ્ડમાં દુનિયામાં પહેલા સ્થાને સ્થાપિત કરવાનું હતું. જોકે, લગભગ 50 વર્ષ પછી સ્થિતિ અલગ છે. હવે અમેરિકા આર્ટેમિસ મિશન દ્વારા રશિયા કે ચીનને માત આપવા ઇચ્છતું નથી. નાસાનો ધ્યેય પૃથ્વીની બહાર રહેલી વસ્તુઓને યોગ્ય રીતે એક્સપ્લોર કરવાનું છે. ચંદ્ર ઉપર જઇને વૈજ્ઞાનિક ત્યાંના બરફ અને માટીમાંથી ઈંધણ, ખોરાક અને બિલ્ડિંગ બનાવવાની કોશિશ કરવા ઇચ્છે છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post