• Home
  • News
  • રાજકીય વનવાસ ખતમ થવાના આરે, 21 ઓક્ટોબરે પાકિસ્તાન પાછા ફરશે નવાઝ શરીફ
post

નવાઝના ભાઈ અને પૂર્વ પીએમ શાહબાઝ શરીફ પહેલા જ કહી ચુકયા છે કે, જો પાકિસ્તાનમાં અમારી પાર્ટી ચૂંટણી જીતશે તો નવાઝ શરીફ પીએમ બનશે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-13 15:25:08

પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન તેમજ પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ(PML-N)ના પ્રમુખ નવાઝ શરીફનો રાજકીય વનવાસ ખતમ થવાના આરે છે. તેઓ 21 ઓક્ટોબરે લંડનથી પાકિસ્તાન પાછા ફરશે અને પાકિસ્તાનમાં યોજાનારી આગામી ચૂંટણીમાં પોતાની પાર્ટીનુ નેતૃત્વ કરશે. આ જાણકારી તેમના નાના ભાઈ અને પૂર્વ પીએમ શાહબાઝ શરીફે આપી હતી. 

નવાઝ શરીફ 2019થી લંડનમાં રહે છે. ચાર વર્ષ બાદ તેમની વતન વાપસી થઈ રહી છે. શાહબાઝ શરીફ પોતે લંડનમાં છે. તેમણે એક નિવેદનમાં કહ્યુ હતુ કે, નવાઝ શરીફની પાકિસ્તાન વાપસી વખતે તેમનુ ભવ્ય સ્વાગત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, લાહોર હાઈકોર્ટમાંથી સારવાર માટે ચાર સપ્તાહ માટે વિદેશ જવાની પરવાનગી મેળવ્યા બાદ 73 વર્ષીય નવાઝ શરીફ લંડન જતા રહ્યા હતા અ્ને તે પછી તેઓ પાકિસ્તાન પાછા ફર્યા નહોતા. તેમને 2018માં ભ્રષ્ટાચારના એક મામલામાં દોષી જાહેર કરાયા હતા. તેમને સાત વર્ષની સજા થઈ હતી. સારવાર માટે જતા પહેલા તેઓ લખપત જેલમાં હતા. 

નવાઝના ભાઈ અને પૂર્વ પીએમ શાહબાઝ શરીફ પહેલા જ કહી ચુકયા છે કે, જો પાકિસ્તાનમાં અમારી પાર્ટી ચૂંટણી જીતશે તો નવાઝ શરીફ પીએમ બનશે. 

ભારતમાં યોજાયેલી જી-20 સમિટ અંગે નવાઝ શરીફે બે દિવસ પહેલા જ કહ્યુ હતુ કે, પાકિસ્તાનમાં પણ જી-20 બેઠક આયોજીત કરવાની ક્ષમતા છે પણ તેના માટે રાજકીય સ્થિરતા જરૂરી છે. પાકિસ્તાનમાં જો 2017 જેવી રાજકીય સ્થિતિ અત્યારે હોત તો જી-20ની અધ્યક્ષતા પાકિસ્તાન કરી રહ્યુ હોત. 

મીડિયાએ નવાઝને સવાલ કર્યો હતો કે, પાકિસ્તાન જી-20માં  ભાગ કેમ નથી લઈ રહ્યુ ત્યારે તેમણે કહ્યુ હતુ કે, જો મારી સરકારે અપનાવેલી નીતિઓ પાકિસ્તાને આગળ ધપાવી હોત તો પાકિસ્તાન જ આ સમિટનુ યજમાન હોત. 

 

adv

Related News

post
post
post
post
post
post
post