• Home
  • News
  • મોદી સરકારની નવી નીતિ : ચાઈનીઝ કંપનીઓ રૂ. 12,000થી સસ્તા સ્માર્ટફોન નહિ વેચી શકે
post

કેન્દ્ર સરકાર જો આ નવી પોલિસી લાગુ કરશે તો પણ Apple Inc અને Samsung Electronicsને કોઈ અસર થશે નહીં

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-08 18:25:28

નવી દિલ્હી: વિશ્વના સૌથી ઝડપથી વધી રહેલ સ્માર્ટફોન માર્કેટ, ભારતમાં હવે ચાઈનીઝ કંપનીઓ પર સકંજો કસવા અને દેશમાં સ્થાનિક કંપનીઓને પ્રોત્સાહન અને બજાર મોકળાશ મળી રહે તે માટે મોદી સરકાર એક નવી નીતિ લાગુ કરવા જઈ રહી છે. અહેવાલ અનુસાર કેન્દ્ર હવે રૂ. 12,000થી સસ્તા ચાઈનીઝ સ્માર્ટફોન ભારતમાં વેચવા પર પ્રતિબંધ મુકી શકે છે.

જોકે સરકારની આ પોલિસીની વિરૂદ્ધમાં શરૂઆતથી જ સૂર ઉઠી રહ્યો છે. મેક ઈન્ડિયાના નામે અનેક પ્રકારની લ્હાણી અને છૂટ મળતી હોવા છતા સ્થાનિક સ્માર્ટફોન માર્કેટ પર ભારતીય દેશી કંપનીઓ કબ્જો નથી જમાવી શકી. ચાઈનીઝ કંપનીઓ તરફથી મળતી તીવ્ર સ્પર્ધાને કારણે અનેક ભારતીય કંપનીઓને અસ્તિત્વ ટકાવવું ભારે પડી રહ્યું છે તેથી હવે સ્માર્ટફોન માર્કેટમાં મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપવા રૂ. 12,000થી સસ્તા ચાઈનીઝ ફોન પર પ્રતિબંધ લાગી શકે છે.

અહેવાલ અનુસાર ભારત ચાઇનીઝ સ્માર્ટફોન ઉત્પાદકોને 150 યુએસ ડોલર એટલેકે રૂ. 12,000 કરતાં સસ્તા મોડલ વેચવા પર પ્રતિબંધ મૂકવા માટે નીતિ ઘડી રહ્યું છે. રસપ્રદ વાત એ છે કે આ ચાઈનીઝ કંપનીઓની યાદીમાં Xiaomi કોર્પ સહિતની બ્રાન્ડ્સનો પણ સમાવેશ થઈ શકે છે,જે અમુક હદે ભારતમાં ઉત્પાદન પણ કરે છે.

ચાઈનીઝ કંપનીઓનું પ્રભુત્વ : 

સરકારની આ યોજના વિશ્વના બીજા સૌથી મોટા મોબાઈલ માર્કેટના સસ્તા અને લો બજેટ સેગમેન્ટમાંથી ચાઈનીઝ જાયન્ટ્સને બહાર લાવવાનો છે. માર્કેટ ટ્રેકર કાઉન્ટરપોઇન્ટના તાજેતરના રિપોર્ટ અનુસાર જૂન 2022 સુધીના ત્રિમાસિક ગાળામાં 150 ડોલરથી ઓછી કિંમતના સ્માર્ટફોને ભારતના કુલ સ્માર્ટફોન માર્કેટના વેચાણ વોલ્યુમમાં ત્રીજા ભાગનો ફાળો આપ્યો હતો અને તેમાં ચીનની કંપનીઓનો હિસ્સો 80% જેટલો હતો. શાઓમી, Realme, Transsion, ઓપ્પો જેવી હાઈ-વોલ્યુમ બ્રાન્ડ્સની ચિંતા મોદી સરકારની આ નીતિ સાથે વધી શકે છે.

જો સરકાર આ પ્રતિબંધ લાગુ કરે તો Xiaomiના સ્માર્ટફોન શિપમેન્ટમાં વર્ષે 11-14% એટલેકે 2થી 2.5 કરોડ યુનિટનો ઘટાડો થઈ શકે છે, વેચાણમાં 4-5%નો ઘટાડો થઈ શકે છે. ભારતના સ્માર્ટફોન માર્કેટમાં 25% હિસ્સો ધરાવતા Xiaomiનું સૌથી મહત્વપૂર્ણ વિદેશી બજાર ભારત છે, જેમાં તેના 66% સ્માર્ટફોનની કિંમત 150 ડોલરથી ઓછી છે. કેન્દ્ર સરકાર જો આ નવી પોલિસી લાગુ કરશે તો પણ Apple Inc અને Samsung Electronicsને કોઈ અસર થશે નહીં કારણકે તેમના ફોનની કિંમત આ નિર્ધારિત બજેટ કરતા વધારે છે. 

ટેક્સ ચોરી પર પણ નજર :

આ સિવાય ચાઈનીઝ કંપનીઓ કથિર ટેક્સ ચોરીના આરોપોસર ભારત સરકારની નજરમાં છે. દેશમાં કારોબાર કરતી ચાઈનીઝ કંપનીઓ Xiaomi અને પ્રતિસ્પર્ધીઓ Oppo અને Vivoએ રોયલ્ટી અને અન્ય નામે મની લોન્ડરિંગ કર્યાના આરોપો લાગ્યા છે. સરકારે અગાઉ Huawei Technologies Co. અને ZTE Corp. ટેલિકોમ ઈક્વિપમેન્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો.

અંતે ડામ તો જનતાને :

મોદી સરકારની આ નીતિ એકંદરે દેશ અને સ્થાનિક કંપનીઓ માટે સારી જ છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી સતત પ્રયાસ કરવા, છૂટછાટ આપવા છતા પણ સ્થાનિક કંપનીઓ બજારમાં ટકી રહેવા માટે, ચાઈનીઝ કંપનીઓની ટક્કર ઝીલવા માટે સક્ષમ ન બની શકે તો એમાં જનતાનો વાંક શું છે ? સસ્તા દરે આયાત થતા ફોન પર ઉંચો ટેક્સ લાદીને હાલ સરકાર તો કમાણી કરી જ રહી છે પરંતુ જો આ ચાઈનીઝ ફોન પર પ્રતિબંધો લાદશે તો અંતે ડામ તો જનતાને જ પડશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post