• Home
  • News
  • અમદાવાદમાં હવે રાત્રે સોસાયટીઓમાં ટોળે વળતાં લોકો પર નાઇટ વિઝન ડ્રોનથી નજર
post

અત્યાર સુધીમાં 607 ગુનામાં 1595 લોકોની ધરપકડ, મંગળવારે 92 લોકો સામે ગુનો નોંધાયો

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-30 10:15:09

અમદાવાદ: અમદાવાદ શહેર પોલીસ અત્યાર સુધી દિવસે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી લૉકડાઉન અને જાહેરનામાનો ભંગ કરતા લોકોની સામે પગલાં લેતી હતી, પણ હવે પોલીસ રાતના સમયે પણ નાઇટ વિઝન ડ્રોન કેમેરાનો ઉપયોગ કરીને લૉકડાઉનનો ભંગ કરનારા લોકો સામે કાર્યવાહી કરશે. જેની શરૂઆત શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારથી કરવામાં આવી છે.


આ અંગે માહિતી આપતા અમદાવાદ શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં ડ્રોન કેમેરાનો દિવસમાં જ ઉપયોગ થયો છે. હવે પોલીસે નાઇટ વિઝન ડ્રોનનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે જેના ભાગરૂપે મંગળવારે શાહપુર વિસ્તારમાં નાઇટ વિઝન ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હવેથી શહેરના અન્ય વિસ્તારોમાં પણ તેની શરૂઆત કરવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શહેર પોલીસ પાસે અત્યારે 28 ડ્રોન કેમેરા છે, જેના માધ્યમથી અત્યાર સુધીમાં 607 ગુના દાખલ કરી 1595 લોકોની ધરપકડ કરવામાં આવી છે. મંગળવારે ડ્રોનના માધ્યમથી 69 ગુના દાખલ કરી 92 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત સીસીટીવી કેમેરા અને પીસીઆર વાન દ્વારા પણ 75 ગુના નોંધી ધરપકડ કરવામાં આવી હતી.


પોલીસોને રી-યુઝ PPE કિટ અપાશે
પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, ચેકપોસ્ટ પર ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને હવે ફેસ શિલ્ડ તેમજ રી-યુઝ પીપીઈ કિટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેથી કરીને તેમને કોરોનાથી રક્ષણ મળે. નોંધનીય છે કે, હાલના તબક્કે 41 પોલીસ કર્મચારી કોરોનાની સારવાર હેઠળ છે. જ્યારે 12થી વધુને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.


કોટ વિસ્તારોમાં ઘોડેસવાર પોલીસનું નાઇટ પેટ્રોલિંગ શરૂ
કોરોના વાઇરસના હોટ સ્પોટ એવા કોટ વિસ્તારમાં હવે ઘોડા પોલીસ દ્વારા પેટ્રોલિંગની શરૂઆત કરાઈ છે. જમાલપુર, દરિયાપુર,ખાડિયા, કાલુપુર અને શાહપુરમાં 22 ઘોડેસવાર પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, શહેરના કોટ વિસ્તારમાં મંગળવારે 12 ઘોડેસવાર પોલીસનું પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું હતું, જે વધારીને હવે 22 ઘોડેસવાર પોલીસ કોટ વિસ્તારમાં પેટ્રોલિંગ કરશે.

adv

Related News

post
post
post
post
post
post
post