• Home
  • News
  • મોટી ઈન્ડસ્ટ્રીઝ નહિ, હવે સ્ટાર્ટઅપ્સ આપે છે વધુ નોકરીઓ, કોરોનાકાળમાં 2 લાખથી વધુ લોકોને રોજગારી આપી
post

ટેક-સ્ટાર્ટઅપ્સ જોબ માર્કેટમાં નોંધપાત્ર પ્રમાણમાં સક્રિય બન્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-28 09:11:59

કોરોનાના સમયમાં જ્યાં એક તરફ મોટી કંપનીઓ લોકોને નોકારીઓમાંથી કાઢી રહી હતી તેનાથી વિપરીત સ્ટાર્ટઅપ્સ ધીમી ગતિએ નવી નોકરીઓનું સર્જન કરી રહ્યા હતા. ભારતના કોમર્સ મંત્રાલયના સ્ટાર્ટઅપ ઇન્ડિયાના રિપોર્ટ મુજબ 2020માં સ્ટાર્ટઅપ્સે સપ્ટેમ્બર સુધીમાં 1.70 લાખ લોકોને રોજગારી આપી છે. ઇન્ડસ્ટ્રી ડેટા મુજબ આ આંકડો 2.25 લાખથી વધુનો છે. દેશમાં અત્યારે આશરે 40,000 સ્ટાર્ટઅપ નોંધાયેલા છે અને 2016થી અત્યાર સુધીમાં તેમના દ્વારા લગભગ 4.7 લાખથી વધુ લોકોને રોજગારી ઉભી કરવામાં આવી છે. સ્ટાર્ટઅપ સેક્ટરના જાણકાર અને પ્લેસમેન્ટ એજન્સીના જણાવ્યા પ્રમાણે દિવાળી પછી ઘણા સ્ટાર્ટઅપ્સને ફંડિંગ મળતું થયું છે અને તેમના કામમાં પણ વધારો થયો છે. આ જ કારણોસર તેઓ નવા લોકોને હાયર કરી રહ્યા છે. ઘણા કિસ્સાઓમાં તો સ્ટાર્ટઅપ તેમની એમ્પ્લોયમેન્ટ સ્ટ્રેન્થ ડબલ કરી રહ્યા છે.

કોરોનાથી ટેક-સ્ટાર્ટઅપનો ગ્રોથ થયો છે
ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI) ગુજરાતના કો-ચેર સુનિલ પારેખે જણાવ્યું કે, કોરોનામાં ટેકનોલોજી અને તેને આધારિત જેટલા પણ સ્ટાર્ટઅપ્સ હતા તેમને ઘણો ફાયદો થયો છે. કોરોના અને લોકડાઉનના કારણે ઓનલાઈનનો ટ્રેન્ડ વધ્યો છે જેનો આવા સ્ટાર્ટઅપ્સને લાભ થયો છે. સપ્ટેમ્બર બાદથી ફંડિંગ પણ આવી રહ્યું છે તેથી તેઓ નવેસરથી વિસ્તરણ કરી રહ્યા છે એટલે તેમના તરફથી હાયરિંગ પણ વધ્યું છે અને આવનારા સમયમાં પણ તે ચાલુ રહેશે. નાના ઉદ્યોગો પણ ધીમે ધીમે ટેકનોલોજી તરફ વળ્યા છે અને તેના કારણે ટેક-સ્ટાર્ટઅપનું કામ વધ્યું છે.

સ્ટાર્ટઅપ્સ તરફથી ઇન્ક્વાયરીમાં અમે 30% જેવો વધારો
રિક્રુટમેન્ટ એજન્સી પોસ્ટ અ રીઝયુમના ફાઉન્ડ અને બિઝનેસ હેડ વિપુલ માળીએ જણાવ્યું કે, સ્ટાર્ટઅપ્સ તરફથી અમને જે ઇન્ક્વાયરી આવે છે તેમાં અમે 30% જેવો વધારો થતો જોયો છે. કોરોના બાદ લોકડાઉન અને ત્યારપછીની સ્થિતિમાં ખાસ કરીને ટેક-સ્ટાર્ટઅપના કામ વધ્ય છે અને તેઓ નોંધપાત્ર રીતે નવી નોકરીઓ ઉભી કરી રહ્યા છે. સ્ટાર્ટઅપ્સને ફંડિંગ મળવાના શરુ થયા છે અને તેથી તેઓ પોતાની સ્ટ્રેન્થ વધારી રહ્યા છે. એક રિપોર્ટ મુજબ 2025 સુધીમાં ભારતમાં 1 લાખથી વધુ સ્ટાર્ટઅપ હશે અને તેમના દ્વારા 30 લાખથી વધુનું જોબ ક્રિએશન થવાની ધારણા છે.

ફંડિંગ આવતા એકસ્પાન્શન મોડમાં છે સ્ટાર્ટઅપ્સ
અમદાવાદના વર્ચ્યુઅલ ઇવેન્ટ ટેકનોલોજી સ્ટાર્ટઅપ હુબિલોએ છેલ્લા 6 મહિનામાં 130 લોકોને નોકરી આપી છે. ઓક્ટોબર 2020માં હુબિલોએ અંદાજે રૂ. 33 કરોડનું ફંડ રેઈઝ કર્યું હતું. ત્યારબાદથી તે દેશ અને વિદેશમાં એકસ્પાન્શન કરી રહ્યું છે. હુબિલોના ફાઉન્ડર અને CEO વૈભવ જૈને જણાવ્યું કે, 2021માં અમે વધુ 100 લોકોને હાયર કરવાનું વિચારીએ છીએ. એક સમય એવો આવ્યો કે તાકી રહેવા માટે અમારે કર્મચારીઓના પગાર કાપવાની સ્થિતિ ઉભી થઇ હતી. પરંતુ હવે અમે એવી સ્થિતિમાં છીએ કે વધુ લોકોને નોકરીએ રાખી શકીએ. અમે ભારતમાં અને વિદેશ યુરોપ અને મિડલ ઇસ્ટમાં પણ વિસ્તરણ કરી રહ્યા છીએ એટલે અમારે સ્કીલ મેનપાવરની જરૂર રહેશે.

કામ વધતા ટીમની સંખ્યા ડબલ કરશે
ડેટા સાયંસનું કામ કરતા ગાંધીનગરના સ્ટાર્ટઅપ એરોકોમ આઈટી સોલ્યુશન્સના ડિરેક્ટર કૌશલ માંડલિયાએ જણાવ્યું કે, ગત વર્ષે માર્ચ-એપ્રિલના ગાળામાં અમે અમારી તમામ પ્રકારની રિક્રુટમેન્ટને અટકાવી દીધી હતી કેમ કે આગળ કેવી પરિસ્થિતિ હશે તેનો અંધજ બંધાવો મુશ્કેલ હતો. ઓક્ટોબર બાદ પરિસ્થિતિ થોડી સ્પષ્ટ થઇ હતી અને હવે તેના આધારે અમે જોબ માર્કેટમાં આવ્યા છીએ. હાલમાં અમે 14 લોકો છીએ અને નવા 12 લોકોને હાયર કરવાનો પ્લાન છે. અમારી પાસે ધીમે ધીમે કામ વધી રહ્યું છે એટલે નવા લોકોને હાયર કરવાની કામગીરી શરુ કરી છે. અમે ટેકનિકલ સ્ટાફ સાથે સાથે એડમિનિસ્ટ્રેશન અને સપોર્ટ માટે પણ હાયરિંગ કરીશું.

લોકડાઉન પછી ડિજિટાઇઝેશને બિઝનેસ બુસ્ટ કર્યો
અમદાવાદના સ્ટાર્ટઅપ લિગલવિઝ (Legalwiz.in)ના ફાઉન્ડર શ્રીજય શેઠે જણાવ્યું કે, લોકડાઉન બાદ ઘણી નાની કંપનીઓ ડિજિટાઇઝેશન તરફ વળી છે જેનો ફાયદો અમારા જેવા સ્ટાર્ટઅપ્સને થયો છે જે ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી, કંપની રજીસ્ટ્રેશન જેવા કામ કરે છે. ગત જાન્યુઆરીની સરખામણીએ અમારી પાસે અત્યારે 20% વધુ કામ છે. અનલોક બાદ અમે 7 લોકોને હાયર કર્યા છે અને આગામી એક વર્ષમાં 40 લોકોને રિક્રુટ કરવાનો પ્લાન છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post