• Home
  • News
  • ‘નર્સ આપણી નવી સુપરહીરો’:અમેરિકામાંથી 100થી વધુ નર્સ નોકરી-પરિવાર છોડી ભારત આવશે, ઓછી સુવિધાવાળી હોસ્પિટલોમાં સેવા આપશે; ખિસ્સાખર્ચ પણ પોતે ઉઠાવશે
post

આ પોસ્ટથી પ્રેરિત થઈને કોરોનાકાળમાં ભારતની મદદ કરવા આવી રહી છે નર્સો

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-17 11:16:35

જેવી રીતે કોરોનાથી સમગ્ર દેશમાં સામૂહિક અંતિમ સંસ્કારના સમાચાર આવ્યા, અહીંની નર્સોના એક જૂથે ભારતની મદદ કરવાનો સંકલ્પ કર્યો. હવે 100થી વધુ નર્સ નોકરી અને પરિવાર છોડીને ભારત આવી રહી છે. હાલ તેઓ ભારત સરકાર સાથે વિઝા અને બીજી જરૂરી મંજૂરી મુદ્દે વાત ચાલે છે. આ નર્સો ઈચ્છે છે કે, જૂનના પહેલા અઠવાડિયા સુધી તેઓ ભારત પહોંચી જાય. આ જૂથને અમેરિકન નર્સ ઓન એ મિશનનામ અપાયું છે. આ આઈડિયા વૉશિંગ્ટનમાં નર્સ ચેલ્સિયા વૉલ્શનો છે. તેમણે ટ્રાવેલિંગ નર્સનામના સોશિયલ મીડિયા ગ્રૂપમાં ભારતની હોસ્પિટલો અને સામૂહિક અંતિમ સંસ્કારની તસવીરો શેર કરીને લખ્યું છે કે, ‘આ બધું જોઈને અમે દુ:ખી છીએ. અમે ભારત જવાની તૈયારી કરી લીધી છે.

નર્સો એ કહ્યું - અમને બધું જ મંજૂર છે
વૉલ્શ અગાઉ ભારતમાં એક અનાથાલયમાં સેવા આપી ચૂક્યા છે. તેઓ કહે છે કે, ‘આ પોસ્ટ પછી છેલ્લા થોડા દિવસથી મારો ફોન સતત રણકી રહ્યો છે. થોડા જ દિવસમાં ભારતની મદદ માટે આખા અમેરિકાની નર્સોએ સંપર્ક કર્યો છે. મુશ્કેલીના સમયમાં ભારતના મેડિકલ પ્રોફેશનલ્સને અમારી જરૂર છે. અમે કોઈ ચમત્કાર ના કરી શકીએ, પરંતુ અમારું બધું દાવ પર લગાવવા અમે તૈયાર છીએ.વૉલ્શ મિશન ઈન્ડિયાઅભિયાન સાથે જોડાવવા ઈચ્છુક નર્સોને પહેલા ચેતવણી આપે છે અને કામ કરવામાં પડનારી સંભવિત મુશ્કેલીઓથી વાકેફ પણ કરે છે. આ અંગે મોટા ભાગની નર્સ કહે છે કે, અમને બધું જ મંજૂર છે.

સંશાધનો ન હોય તેવી હોસ્પિટલમાં સેવા આપશે
એક ગ્રૂપ બનાવ્યા પછી આ નર્સોની ટીમ ટર્ન યોર કન્સર્ન ઈન ટુ એક્શન ફાઉન્ડેશનસાથે જોડાઈ છે, જે ભારતમાં તેમના રહેવાની વ્યવસ્થા કરશે. ભારત આવી ગયેલા નર્સ મોર્ગન ક્રેન કહે છે કે, ‘અમેરિકામાં કોરોનાથી થયેલા અનેક મોતે મને બદલી નાંખી છે. આ કેટલું પડકારજનક છે, તેનો અંદાજ પણ ના લગાવી શકાય. ભારતીયો માટે આ મુશ્કેલીભર્યા દિવસો છે. અમે નોકરી, પરિવાર છોડીને દિલ્હી જઈ રહ્યા છીએ. અમે હંગામી ધોરણે ઊભી કરાઈ હોય એવી નાની કોવિડ હોસ્પિટલોમાં કામ કરીશું. અમારું પ્રાથમિક ધ્યાન એવી હોસ્પિટલો પર છે, જેમની પાસે સંસાધનો નથી.

નિવૃત કર્મચારીઓ પણ કામ કરવા માટે તૈયાર
આ ટીમમાં હીથર હોર્ટોહર પણ છે. તેઓ કહે છે કે, ‘મારા દોસ્તોએ મને નહીં જવાની સલાહ આપી છે. તેઓ કહે છે કે, દાન અને મેડિકલ ઉપકરણો મોકલીને પણ મદદ કરી શકાય. પરંતુ મારું માનવું છે કે, એ તો બધા કરે છે. પરંતુ કોઈ ત્યાં જવા તૈયાર નથી.હીથર બે વર્ષ પહેલા નિવૃત્ત થયા હતા, પરંતુ અમેરિકામાં મહામારી ફેલાતા તેઓ ફરી ફરજ પર હાજર થઈ ગયા. તેઓ અમેરિકામાં એવા સ્થળે કામ કરે છે, જ્યાં નર્સોની અછત છે. આ પહેલા તેઓ બીજા કોઈ દેશમાં નથી ગયા. ફ્લોરિડાના નર્સ જેનિફર પકેટ બાળ ચિકિત્સા અને નવજાત શિશુના આઈસીયુમાં નિષ્ણાત છે. તેઓ કહે છે કે, ‘મારી પાસે ખાસ સ્કિલ છે, અમે હાથ પર હાથ મૂકીને બેસી ના શકીએ. આ સ્કિલની અત્યારે બીજાને જરૂર છે.તેઓ લાંબા સમય પછી ઘરે પરત ફર્યાને હજુ એક અઠવાડિયું જ થયું છે અને હવે તેઓ ભારત આવવાના છે. તેઓ કહે છે કે, ‘ભારતને મારી જરૂર છે.

ટિકિટ અને મેડિકલ ઉપકરણ માટે રૂ. 12 લાખ ભેગા કર્યા
આ ટીમ નિ:શુલ્ક સેવા આપશે અને ખિસ્સાખર્ચ પણ પોતે જ ઉઠાવશે. કેટલીક નર્સો મોટા ખર્ચ જેમ કે ભારત આવવાની રાઉન્ડ ટ્રિપના રૂ. 6 લાખનો ખર્ચ કરી શકે એમ નથી. એટલે તેમણે ક્રાઉડ ફંડિંગ ગોફંડમીમાં અમેરિકન નર્સીસ ઓન એ મિશન ટુ ઈન્ડિયા નામની અરજી કરી છે. તેમનું લક્ષ્ય 50 હજાર ડોલર એટલે કે આશરે રૂ. 36 લાખ ભેગા કરવાનું છે. આ ટીમ રવિવાર સુધી રૂ. 12 લાખ ભેગા કરી ચૂકી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post