• Home
  • News
  • 'બાપુ'એ સરદાર પટેલને આપેલી પ્રેરણાથી સોમનાથ ટ્રસ્ટનો ઉદ્દભવ, સોમનાથ સાથે જોડાયેલા મહાત્માનાં સંસ્મરણો
post

નૂતન સોમનાથ મંદિર નિર્માણ થયા પછી તે ન સરદાર જોઇ શક્યા કે ન રાષ્ટ્રપિતા ગાંધીજી

Written By newsonline | Ahmedabad | Published: 2023-10-02 19:19:37

Origin of Somnath Trust from Bapu's inspiration to Sardar Patel: પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથની ભૂમિ સાથે પણ ગાંધીજીની યાદો જોડાયેલી છે. આઝાદી પછી સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિર જઇ મંદિર નવનિર્માણ સંકલ્પ કર્યો, જે પ્રસંગે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સરદારને સલાહ આપી કે પ્રજા પોતે જ આ કાર્ય અંગેનો ખર્ચ વહન કરે તે વાજબી ગણાશે. સરદારને તે વાત વ્યાજબી લાગી અને સોમનાથ ટ્રસ્ટનો ઉદ્દભવ થયો હતો.

સોમનાથના ત્રિવેણી સંગમમાં પણ બાપુનું અસ્થિ વિસર્જન

ખાસ ટ્રેન દ્વારા 'બાપુ'નાં અસ્થિ ભસ્મનો કુંભ જૂનાગઢ લવાયો હતો, સોમનાથના ત્રિવેણી સંગમમાં પણ અસ્થિ વિસર્જન કરાયું હતું

ગાંધીજીની દીર્ઘદ્રષ્ટા વાત સ્વીકારી 23 જાન્યુઆરી 1949નાં રોજ જામનગર ખાતે સોમનાથ ટ્રસ્ટની રચનાની રૂપરેખા વિચારાઇ અને 18 ઓક્ટો. 1949નાં રોજ ટ્રસ્ટી મંડળની પ્રથમ નિમણૂક બેઠક થઇ જે આજપર્યંત સોમનાથ ટ્રસ્ટના નામે કાર્યરત છે. જો કે નૂતન સોમનાથ મંદિર નિર્માણ થયા પછી તે ન સરદાર જોઇ શક્યા કે ન રાષ્ટ્રપિતા ગાંધીજી.

'વૈષ્ણવ જન તો તેને કહીયે રે...' ભજનને મળ્યો રાષ્ટ્રીય દરજજો

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને કહીયે રે...' આ ભૂમિના એટલે કે સોરઠના ભક્તકવિ નરસિંહ મહેતા રચિત આ ભજન બાપુના આશ્રમમાં દરરોજ પ્રાર્થનામાં નિત્ય ગાન કરાતાં. રાષ્ટ્રીય-વિશ્વ ફલક પર વૈષ્ણવ જન છવાઈ ગયું. આમ, બાપુએ આ ભૂમિના ભજનને પસંદ કરી રાષ્ટ્રીય દરજજો આપવા જેવું સન્માન અપાવ્યું.

આ રીતે બાપુના અસ્થિ વિસર્જન કરાયા 

ગાંધીજીના અવસાનના સમાચાર પ્રભાસમાં લોકોએ રેડિયો દ્વારા સાંભળ્યા હતાં. ગામ સાવ નાનકડું હતું. લોકો આ સમાચાર જાણવા પ્રભાસની હરજીવનભાઈ જીમુલીયાની દુકાનમાં મોટો રેડિયો હતો તેની આસપાસ વ્યથિત નિરાશ ચહેરે એકઠા થયા હતાં. રાષ્ટ્રપિતાનાં દુઃખદ અવસાન પછી તેના અસ્થિ 'હરે રામ હરે કૃષ્ણ...' રામધૂન સાથે પ્રભાસમાં લાવવામાં આવ્યાં અને વેરાવળ-માર્ગ પરથી પસાર થતી એ ધૂનનો અવાજ માઇક ન હોવા છતાં પ્રચંડ માનવમેદનીને કારણે માઇલો સુધી સંભળાતો હતો. આ અસ્થિ કુંભો બ્રહ્મપુરી ખાતે દર્શનમાં રખાયા અને સવારે સોમનાથના પવિત્ર ત્રિવેણી સંગમમાં વેદમંત્રોચ્ચાર સાથે અસ્થિ વિસર્જન કરાયું હતું. 

આઝાદ ચોકથી કાળવા ચોક સુધીના માર્ગનું નામકરણ 

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના અસ્થિ ભસ્મ કુંભ દેશભરના ધાર્મિક સ્થળોએ વિસર્જિત કરવામાં આવ્યા હતાં, જેમાં 12 ફેબુ્રઆરી 1948ના રોજ જૂનાગઢના સુપ્રસિધ્ધ દામોદર કુંડમાં પણ શામળદાસ ગાંધીના હસ્તે વિસર્જન કરવામાં આવેલ. ખાસ ટ્રેન દ્વારા અસ્થિ ભસ્મનો કુંભ જૂનાગઢ રેલવે સ્ટેશન લાવવામાં આવ્યો હતો. રેલવે સ્ટેશને શામળદાસ ગાંધી, એડમિનિસ્ટ્રેટર શિવેશ્વરકર દ્વારા આ કુંભ સ્વીકારાયો હતો. ઇતિહાસવિદ પરિમલ રૃપાણીની નોંધ અનુસાર, આ અસ્થિ કુંભને સમગ્ર શહેરમાં ફેરવવામાં આવ્યો હતો. ત્યારબાદ કાળવા ચોકમાં આવેલ બાલભવન પાસેનાં સ્મારકમાં આ ભસ્મ કુંભ પ્રજા દર્શનાર્થે રખાયો હતો.   ચાંદીની બગીમાં આ ભસ્મ કુંભને રાખી શામળદાસ ગાંધીની સાથે સમગ્ર પોલીસ દળ તેમજ જૂનાગઢના આગેવાનો રતુભાઈ અદાણી, જેઠાલાલભાઈ, દયાશંકર દવે, ચિતરંજન રાજા, દરબાર ગોપાલદાસ, માધવલાલ વલ્લભજી તેમજ પ્રજાજનોની હાજરીમાં દામોદર કુંડ ખાતે લાવવામાં આવ્યો હતો. ત્યાં ગાંધીજીના ભત્રીજા શામળદાસ ગાંધીના હસ્તે પોલીસ દળની સલામી સાથે બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે ભસ્મ કુંભનું દામોદર કુંડમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. તે જ દિવસે જૂનાગઢના આઝાદ ચોકથી કાળવા ચોક સુધીનો માર્ગ જે નવાબી સમયમાં કિંગ્સ રોડ તરીકે ઓળખાતો હતો તેનું મહાત્મા ગાંધી રોડ તરીકે નામકરણ કરવામાં આવ્યું હતું. આ જાહેરસભામાં જેઠાલાલ રૃપાણીએ લાયબ્રેરી ચોકને આઝાદ ચોક નામાભિધાન જાહેર કર્યું હતું.

વેરાવળના કલાકાર ગીતની રેકર્ડ બનાવી બાપુને મળ્યા, પણ અંગ્રેજોએ એ ગીત પર પ્રતિબંધ લગાવ્યો હતો

વેરાવળના માસ્ટર વસંતે બાપુની લડતને સાથ આપવા 'મેરી માતા કે સરપે તાજ રહેગા' ગીત રેકોર્ડ પોતાના કંઠે બનાવી હતી અને ગાંધીજીને મળ્યા પણ હતા. જો કે અંગ્રેજોએ આ ગીત ઉપર પ્રતિબંધ લગાવેલો. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું પ્રિય ચલચિત્ર હતું 'રામ રાજ્ય'. જે તે કાળમાં વેરાવળના સિંગલ સ્ક્રીન છબીઘરમાં રજૂ થયું હતું. તેનું સુપ્રસિધ્ધ ગીત 'ભારત કી એક સન્નારી કી હંમ્, કથા સુનાતે હૈ' જે આજે ય લોકો ગણગણે છે. વેરાવળના સિનેમાઘરોમાં પિકચરનો આરંભ થાય તે પહેલાં કાચની સ્લાઇડ જેમાં મહાત્મા ગાંધીજીનો ફોટો હોય તે દર્શાવાતી અને તે જોઇ દર્શકો તાલીઓના ગડગડાટ કરી પ્રેમ વરસાવતા હતા. ' દે દી હમે આઝાદી બીના ખડગ બીના ઢાલ' ગીતવાળાં 'જાગૃતિ' ફિલ્મે છબીઘરમાં ધૂમ મચાવી હતી અને સાબરમતી કે સંત તૂને કર દીયા કમાલ શબ્દો જ્યારે આવતા ત્યારે લોકો સાથે ગણગણતા અને અહોભાવ ભાવમય બનતા.


adv

Related News

post
post
post
post
post
post
post