• Home
  • News
  • ઇમરાન સરકારની કાર્યવાહી:પાકિસ્તાને અમેરિકન બ્લોગર સિંથિયા રિચીને 15 દિવસમાં દેશ છોડવાનો આદેશ આપ્યો, રિચીએ પૂર્વ વડાપ્રધાન અને ગૃહમંત્રી પર ગેરવર્તન કરવાનો આરોપ લગાવ્યો હતો
post

સિંથિયા ડી રિચી પોતાને ટ્રાવેલ બ્લોગર જણાવે છે, તેઓ લગભગ 11 વર્ષથી પાકિસ્તાનમાં રહે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-03 12:08:32

પાકિસ્તાનની સરકારે અમેરિકન બ્લોગર સિંથિયા રિચીને 15 દિવસમાં દેશ છોડવાનો આદેશ આપ્યો છે. રિચીએ જૂનમાં પૂર્વ ગૃહમંત્રી રહેમાન મલિક પર દુષ્કર્મ અને પૂર્વ વડાપ્રધાન યૂસુફ રઝા ગિલાની પર ગેરવર્તન કરવાનો આરોપ લગાવ્યો હતો. હેરાન કરનારી વાત એ છે કે મંગળવારે જ રિચીના વિઝા વધારવાની અરજી પર ઇસ્લામાબાદ હાઇકોર્ટમાં સુનાવણી શરુ થઇ હતી. હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટને આ કેસની સુનાવણી જલ્દી કરવા જણાવ્યું હતું.

રિચી 11 વર્ષથી પાકિસ્તાનમાં છે. બેનઝિર ભુટ્ટો અને ત્યારબાદની સરકારોમાં તેમનો નોંધપાત્ર પ્રભાવ હોવાનું મનાય છે. વર્ષ 2011 થી 2014 સુધી રિચી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ભવનમાં જ રહેતી હતી.

દબાણ હેઠળ લેવામાં આવેલ નિર્ણય

પાકિસ્તાનના ગૃહમંત્રાલયે આ મામલો કોર્ટમાં હોવા છતાં બુધવારે સાંજે આદેશ આપતા રિચીને 15 દિવસમાં દેશ છોડવા જણાવ્યું હતું. તેના વિઝા એક્સ્ટેંશનની માંગ નકારી દીધી હતી. 10 જુલાઈએ ઇસ્લામાબાદ હાઇકોર્ટે માન્યું હતું કે રિચી પર લગાવવામાં આવી રહેલા આરોપ રાજકારણથી પ્રેરિત લાગે છે. રિચીના કિસ્સામાં ઇમરાન સરકાર અને વિરોધી પક્ષ પીપીપી એક સાથે જોવા મળી રહી છે. બંને પાર્ટીઓના નેતાઓએ રિચીને અમેરિકા મોકલવા માટેની માંગ કરી છે.

ગૃહ સચિવને નિયમોની જાણકારી નહીં

સોમવારે ઇસ્લામાબાદ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અથહર મિનલ્લાહે રિચીની અરજી પર સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, આશ્ચર્યની વાત એ છે કે સરકાર અને અધિકારીઓ વિઝા નિયમો અંગે સ્પષ્ટતા રજૂ કરવામાં અસમર્થ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગૃહ સચિવને જ આ બાબતની જાણકારી નથી. જો સરકારને વિઝા વધારવામાં કોઈ તકલીફ હોય તો તેનું કારણ આપવું પડશે. ત્યારબાદ આ કેસને નીચલી અદાલતમાં રિફર કરવામાં આવ્યો હતો.

રિચીએ શું કહ્યું

પાકિસ્તાન છોડવાનો આદેશ મળ્યા બાદ રિચીએ જણાવ્યું હતું કે, કોઇ તો એ જણાવે કે મેં કયા નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. આ રાજકીય દબાણમાં લેવામાં આવેલો નિર્ણય છે. મારી પાસે વર્ક વિઝા છે. રિચીએ વધુમાં જણાવ્યું હતું કે હું આ આદેશને કોર્ટમાં પડકારીશ.

કેમ ચર્ચામાં રિચી

જૂનમાં રીચીએ ટ્વિટર પર એક નિવેદન જાહેર કર્યું હતું. જેનાથી પાકિસ્તાનના રાજકારણમાં ભૂકંપ આવી ગયો હતો. રિચીએ પૂર્વ ગૃહમંત્રી રહેમાન મલિક સામે દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. તેમજ પૂર્વ વડાપ્રધાન યૂસુફ રઝા ગિલાની પર ગેરવર્તન કરવાનો આરોપ લગાવ્યો હતો. કેટલાક લોકો તેને યુએસની ગુપ્તચર એજન્સી સીઆઈએની એજન્ટ જણાવે છે. રિચીનો દરજ્જો એટલો ઉંચો છે કે આજે પણ તે પાકિસ્તાનના દરેક ભાગોમાં અને મંત્રાલયોમાં કોઈજ અડચણ વગર જઈ શકે છે.

ગિલાનીએ રિચીને નોટિસ આપીને 10 કરોડની માંગ કરી

ગેરવર્તન કરવાના આરોપ બાદ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન યૂસુફ રઝા ગિલાનીએ 10 જૂનના રોજ રિચીને નોટિસ ફટકારી હતી. નોટિસ આપતા તેમણે 10 કરોડ રૂપિયાની માંગ કરી હતી. પૂર્વ ગૃહમંત્રી રહેમાન મલિકે પણ કાયદેસરની નોટિસ મોકલવાની વાત કરી હતી.

સિંથિયા ઇમરાનની સોશિયલ મીડિયા ટીમમાં હતી

સિંથિયા રિચી જૂન સુધી વડાપ્રધાન ઇમરાનખાનની સોશિયલ મીડિયા ટીમમા હતી. તેમને ત્યાંથી હટાવવાનો સત્તાવાર આદેશ ક્યારેય પણ આપવામાં આવ્યો ન હતો. ઇમરાનખાન અને રિચીના સંબંધ વર્ષ 2009થી જોડાયેલા છે. ત્યારે તેઓ વિદેશી મીડિયામાં ઈમરાનના સમર્થનમાં આર્ટિકલ પણ લખતી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post