• Home
  • News
  • પાકિસ્તાનની નાદારીનો ખતરો ટળ્યો:સરકાર અને IMF વચ્ચે 3 અબજ ડોલરની ડીલ થઈ, જુલાઈમાં મંજૂર થઈ શકે છે
post

શાહબાઝ સરકારનો પ્લાન બી તૈયાર હતો

Written By newsonline | Ahmedabad | Published: 2023-06-30 19:10:39

પાકિસ્તાન ફરી એકવાર નાદારીથી બચી ગયું છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)એ સ્ટાફ લેવલ એગ્રીમેન્ટ હેઠળ પાકિસ્તાનને 3 બિલિયન ડોલરની લોન આપવાનો નિર્ણય કર્યો છે. IMF અને પાકિસ્તાન સરકાર વચ્ચે 9 મહિનાની સ્ટેન્ડબાય વ્યવસ્થા છે. જોકે, તેને IMFના એક્ઝિક્યુટિવ બોર્ડની મંજૂરી મળવાની બાકી છે.

પાકિસ્તાન માટે IMF મિશન ચીફ નાથન પોર્ટરે કહ્યું- મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે IMF9 મહિનાના સ્ટેન્ડબાય અરેન્જમેન્ટ હેઠળ તેના IMF ક્વોટાના 111% અથવા 3 અબજ ડોલર માટે પાકિસ્તાની ઓથોરિટી સાથે સ્ટાફ-લેવલની વ્યવસ્થા પર હસ્તાક્ષર કર્યા છે.

વાસ્તવમાં, 2019માં પાકિસ્તાન અને IMF વચ્ચે 6.5 અબજ ડોલરની લોન પર સહમતિ થઈ હતી. પાકિસ્તાનને તેના બે હપ્તા મળ્યા છે. 30 જૂન એટલે કે ત્રીજા હપ્તાની મંજૂરી માટે આજે છેલ્લો દિવસ હતો. જો આજે પણ IMF સાથે કરાર ન થયો હોત તો આ કાર્યક્રમ સમાપ્ત થઈ ગયો હોત.

પાકિસ્તાન માટે અપેક્ષા કરતાં વધુ રાહત પેકેજ
જિયો ન્યૂઝ અનુસાર, પાકિસ્તાનને 3 બિલિયન ડોલરનું રાહત પેકેજ તેની અપેક્ષા કરતાં વધુ છે. 2019માં થયેલા કરારના આધારે, તે $ 2.5 બિલિયન મેળવવાની રાહ જોઈ રહ્યું હતું. IMF બોર્ડ જુલાઈના મધ્યમાં ડીલ અંગે નિર્ણય લે તેવી અપેક્ષા છે. આ ડીલ થયા બાદ પાકિસ્તાનના નાણા મંત્રી ઈશાક ડારે ટ્વીટ કરીને અલ્હમદુલિલ્લાહ કર્યું.

9 જૂને બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, IMF તેનાથી નારાજ હતું
અગાઉ 9 જૂને પાકિસ્તાન સરકારે $50.45 બિલિયનનું બજેટ રજૂ કર્યું હતું. પાકિસ્તાન સરકારે નાણાકીય વર્ષ 2024 માટે કુલ ખર્ચ 13.32 લાખ કરોડ રૂપિયા રાખ્યો હતો. આમાંથી 55% લોન અને તેના વ્યાજની ચુકવણી પર ખર્ચવામાં આવશે. એટલે કે લોનની ચુકવણીમાં લગભગ 7.3 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

સરકારે આગામી વર્ષ માટે મોંઘવારી દરને 21 ટકાથી નીચે રાખવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. મંત્રી ઈશાક ડારે કહ્યું હતું કે નવા બજેટમાં કોઈ નવો ટેક્સ લાદવામાં આવ્યો નથી. જો કે સરકારના આ નિર્ણયથી IMF નારાજ છે.

શાહબાઝ સરકારનો પ્લાન બી તૈયાર હતો
શાહબાઝ સરકારે IMF તરફથી હપ્તાની મંજૂરીમાં સતત વિલંબને ધ્યાનમાં રાખીને પ્લાન B પણ તૈયાર કર્યો હતો. પાકિસ્તાનના નાણાપ્રધાન ઈશાક ડારે ગયા મહિને કહ્યું હતું - જો IMF અમને લોનના હપ્તા આપવાનું શરૂ ન કરે અથવા અમારા જૂના પ્રોગ્રામને પુનઃસ્થાપિત ન કરે તો અમારી પાસે પ્લાન B તૈયાર છે.

એવું માનવામાં આવતું હતું કે 3થી 4 અબજ ડોલર મેળવવા માટે પાકિસ્તાન તેના મિત્ર દેશોની મદદ લઈ શકે છે. સાઉદી અરેબિયાએ ફેબ્રુઆરીમાં પાકિસ્તાનને 3 અબજ ડોલરનું વચન પણ આપ્યું હતું. જો કે, તેને હજુ સુધી આ ભંડોળ મળ્યું નથી.

જૂનના પ્રથમ સપ્તાહમાં પાકિસ્તાનમાં મોંઘવારી

·         ટામેટાના ભાવમાં 1.11%નો વધારો

·         ચિકનના ભાવમાં 2.87%નો વધારો

·         ડુંગળીના ભાવમાં 7.31%નો વધારો

·         ચાના ભાવમાં 1.56%નો વધારો

·         મીઠાના ભાવમાં 1.08%નો વધારો

·         લોટના ભાવમાં 4.06%નો વધારો

·         LPGના ભાવમાં 4.46%નો વધારો

 

adv

Related News

post
post
post
post
post
post
post