• Home
  • News
  • નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી:પાલનપુરના આરટીઓ સર્કલ પાસે બની રહેલા ફ્લાયઓવરનો સ્લેબ તૂટી પડતા રિક્ષા અને ટ્રેક્ટર દટાયાં
post

બ્રિજનો વચ્ચેનો જ સ્લેબ ધરાશાયી થયા બાદ લાંબા સમય આ સ્લેબનું કામ બંધ રખાયું હતું ત્યારબાદ ફરી નવો સ્લેબ બનાવી બ્રિજનો ઉપયોગ શરૂ કરી દેવામાં આવ્યો હતો.

Written By newsonline | Ahmedabad | Published: 2023-10-23 17:16:32

ગુજરાતમાં નવા જ બની રહેલા અથવા નવા બની રહેલા બ્રિજનો ભાગ ધરાશાયી થવાની ઘટનાઓ હવે નવી નથી રહી. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં નિર્માણાધીન ફ્લાયઓવર બ્રિજના સ્લેબનો એક ભાગ ધરાશાયી થતાં નીચે ઊભેલાં રિક્ષા અને ટ્રેક્ટર દબાઈ ગયાં હતાં. સદનીસબે નીચે કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી જાનહાનિ ટળી હતી. જો કે, આ બ્રિજનો ઉપયોગ શરૂ થાય તે પહેલાં જ જમીનદોસ્ત થતાં કામગીરીને લઈ સવાલો ઊઠ્યા છે.

કલેક્ટર અને પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો
પાલનપુરના આરટીઓ સર્કલ પાસે નિર્માણાધીન ઓવરબ્રિજના સ્લેબનો ભાગ ધરાશાયી થયાની જાણ થતાં જ બનાસકાંઠા કલેક્ટર અને ASP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો છે. બીજી તરફ ફાયરબ્રિગેડની ટીમે પણ ઘટનાસ્થળ પર પહોંચી કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરી છે.

કોઈ દટાયું હોવાની માહિતી નથી- SP
બ્રિજનો સ્લેબ ધરાશાયી થવાની ઘટનાના પગલે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા ઘટનાસ્થલ પર પહોંચ્યા હતા અને કહ્યું હતું કે, જે જગ્યાએ બ્રિજનો સ્લેબ ધરાશાયી થયો છે તેની આસપાસના વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કાટમાળ નીચે એક રિક્ષા દેખાઈ રહી છે. અત્યાર સુધી કોઈ વ્યકિત દટાયું હોવાની માહિતી મળી નથી તેમ છતા અમે કાટમાળ ખસેડી તપાસ કરી રહ્યા છીએ.

આઠ મહિના પહેલા રાજુલા પાસે નિર્માણાધીન બ્રિજ ધરાશાયી થયો હતો
અમરેલી જિલ્લામાંથી પસાર થઈ રહેલા ભાવનગર-સોમનાથ હાઈવે પર રાજુલાના દાતરડી ગામ પાસે બ્રિજનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે બ્રિજ સંપૂર્ણ બને તે પહેલાં જ સ્લેબ ધરાશાયી થતા કામની ગુણવત્તાને લઈ સવાલ ઊઠ્યા હતા. જે તે સમયે આ બ્રિજ ધરાશાયી થયા બાદ એજન્સી દ્વારા કાટમાળ પણ ખસેડી લેવામાં આવ્યો હતો.

બે વર્ષ પહેલા અમદાવાદમાં પણ આવી જ ઘટના બની હતી
અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ પર બોપલથી શાંતીપુરા તરફના રોડ પર નિર્માણાધીન બ્રિજનો વચ્ચેનો ભાગ બે વર્ષ પહેલા ધરાશાયી થયો હતો. બ્રિજનો સ્લેબ પડતા બનેલી ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. બ્રિજનો વચ્ચેનો જ સ્લેબ ધરાશાયી થયા બાદ લાંબા સમય આ સ્લેબનું કામ બંધ રખાયું હતું ત્યારબાદ ફરી નવો સ્લેબ બનાવી બ્રિજનો ઉપયોગ શરૂ કરી દેવામાં આવ્યો હતો.



adv

Related News

post
post
post
post
post
post
post