• Home
  • News
  • 750 વર્ષ પહેલા સંત પર પ્રસન્ન થઈને લક્ષ્મીજી માણાવદરથી સુપેડી સુધી આવ્યા અને પછી નિર્માણ પામ્યું ઐતિહાસિક મુરલી મનોહર મંદિર
post

ધોરાજી તાલુકાના સુપેડી ગામે ઉતાવળી નદીના કાંઠે છે 750 વર્ષ કરતા જૂનું પૌરાણિક મંદિર, આ વિરાસતથી સૌરાષ્ટ્રવાસીઓ અજાણ

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-12 10:35:18

રાજકોટ: રાજકોટના ધોરાજી તાલુકાના સુપેડી ગામમાં ઉતાવળી નદીના કિનારે એક પૌરાણિક મંદિર આવેલું છે. મંદિરની કોતરણી તેનું બાંધકામ તેમજ તેના મંડપ જોઈને જ સૈકા જૂના સ્મારકો યાદ આવી જાય. આવા મંદિરો જોવા માટે લોકો દૂર દૂર જાય છે પણ સુપેડીની આ ઐતિહાસિક ધરોહર સમા મુરલી મનોહર મંદિરથી સૌરાષ્ટ્રના લોકો જ અજાણ છે.

મંદિર 700 વર્ષ જૂનું હોય તેવું પુરાતત્વખાતાનું માનવું
મુરલી મનોહર મંદિરમાં જેની પાંચમી પેઢી સેવા કરી રહી છે તે પરિવારમાંથી આવતા રવિદાસ બાપુએ પણ પિતા બાદ મહંત તરીકે મંદિરની સેવા કરી રહ્યા છે. તેઓ જણાવે છે કે, માણાવદરના ગામ પાસે એક સંતની આરાધનાથી લક્ષ્મીજી કૂવામાંથી પ્રગટ થયા, આ અખૂટ ધનનો ભંડાર સંતે બે ભાઈઓને આપી મંદિર બનાવવા કહ્યું અને આ પૌરાણિક મંદિરની રચના કરાયાની લોકવાયકા છે. મંદિર હજારો વર્ષ જૂનું છે પણ પુરાતત્ત્વ ખાતું પથ્થરો જોઈને 700 વર્ષનો અંદાજ લગાવી રહ્યા છે અને નાગર શૈલીનું બાંધકામ કહે છે. સામાન્ય રીતે મંદિરના દ્વાર ઉગમણી દિશામાં હોય છે. દ્વારકા અને ડાકોરના મંદિરના દ્વાર પશ્ચિમ દિશામાં છે અને તેવી જ રીતે આ મુરલી મનોહર મંદિરના દ્વાર પણ પશ્ચિમમાં ખૂલતા હોવાથી દ્વારકા અને ડાકોરના સમયમાં નિર્માણ પામ્યા હોય તો પણ નવાઈ નહીં.

પૌરાણિક સ્થળને લોકો જાણે એ માટે પ્રયાસ : ટ્રસ્ટી
મંદિરના ટ્રસ્ટી બિપીનભાઈ જણાવે છે કે, રાજકોટમાં જ આવું ઐતિહાસિક સ્થળ છે જેનો ઈતિહાસ પણ અજાણ્યો છે તેવી જ રીતે લોકો પણ અજાણ છે. આ મંદિર સૈકાઓથી આ જ સ્થિતિમાં છે. છેલ્લા 3 વર્ષથી મંદિર માટે પ્રયત્નશીલ થતા પુરાતત્ત્વ વિભાગની હસ્તક આવ્યું છે અને પુરાતત્ત્વ વિભાગે કલેક્ટરને સોંપ્યું તેમણે મામલતદાર કચેરી અને મામલતદારે ગ્રામપંચાયત કચેરીને વહીવટ સોંપ્યો હતો. જેમાં મંદિરનું સમારકામ તો દૂર મહંતનો પગાર પણ ન નીકળતો એટલે એક વર્ષ પહેલા ટ્રસ્ટની સ્થાપના કરી ધ્વજારોહણ કાર્યક્રમ આરંભ્યો ત્યારથી દર પૂનમે ધાર્મિક કાર્યક્રમ કરીએ છીએ.

સંત પર લક્ષ્મીજી પ્રસન્ન થયા, સુપેડી સુધી આવ્યા અને બન્યું મંદિર
લોકવાયકા મુજબ માણાવદર પાસેના એક ગામના કૂવામાંથી લક્ષ્મીજી અવતરિત થયા હતા. કૂવામાંથી અખૂટ ધનનો ભંડાર હતો પણ સંત તો સંત હોય છે તેઓ ત્યાંથી નીકળી ગયા. લક્ષ્મીજી પણ તેમની પાછળ પાછળ સુપેડી આવ્યા. લક્ષ્મીજી હોવાથી સંતે ગામના બે ભાઈઓને મંદિર બનાવવા કહ્યું. આ બંને ભાઈઓએ એક સાથે મંદિરનું નિર્માણ કર્યું અને બંનેએ વચ્ચે પડદો રાખી અલગ અલગ મંદિર બનાવ્યા જ્યારે પડદો હટ્યો તો બંને મંદિર એકસરખા જ બન્યા અને પછી એ જોડીને મુખ્યમંદિર બનાવાયું છે.

પાંડવોએ પાંચ શિવલિંગની કરી સ્થાપના
મહાભારતના સમયમાં પાંડવો વનવાસ સમયે સુપેડીથી નીકળ્યા હતા અને ઉતાવળી નદીના કિનારે રહીને તેમણે પાંચ શિવલિંગની સ્થાપના કરી હતી. જે આજે પણ હયાત હોવાનું કહેવાય છે. તેમની સાથે શ્રીકૃષ્ણ પણ સુપેડી આવતા મુખ્ય મંદિર મુરલી મનોહરનું છે.

મંદિરમાં મુરલી મનોહર, બાળ ગોપાલ અને શક્તિ સ્વરૂપ
મુખ્ય મંદિર શ્રીકૃષ્ણ એટલે મુરલી મનોહરનું છે અને તેમાં તેમનું બાળ સ્વરૂપ એટલે બાળગોપાલ પણ છે. તેમની સાથે શક્તિ સ્વરૂપ કે જેને ગ્રામવાસીઓ રાધા પણ માને છે અને રુક્મિણી પણ માને છે એમ ત્રણેય વસે છે અને નીજમંદિરમાં જ મુરલી મનોહરના વાહન ગરુડ દેવ પણ છે. શિવજી, શ્રીરામ, હનુમાન સહિત 10 દેવ અને દૈવી શક્તિના મંદિરો છે.

ફળના સંકલ્પમાં માને છે ગ્રામજનો
રવિદાસ બાપુ કહે છે કે, પુષ્ટિ સંપ્રદાયની પરંપરાથી આ મંદિર ચાલે છે. વૈષ્ણવો અહીં આવીને જે ઝાંખી કરે છે ત્યારે અલૌકિક અનુભવ કરે છે. મનોકામના પૂરી કરવા માટે માત્ર ફળ સંકલ્પ કરાય છે એટલે કે જ્યારે પણ શ્રદ્ધાળુઓની મનોકામના પૂરી થાય ત્યારે તેઓ કોઈપણ ફળ લાવીને મુરલી મનોહરના ચરણોમાં ધરી દે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post