• Home
  • News
  • ઇન્જેક્શનના નામે રાજનીતિ:સુરતમાં ખાનગી હોસ્પિટલને આપવા રેમડેસિવિર નથી ને ભાજપે 1000 ઇન્જેક્શનનું વિતરણ શરૂ કર્યું, લાઇનો લાગી
post

મોટી સંખ્યામાં લોકો ભાજપ કાર્યાલય ખાતે ઇન્જેક્શન લેવા માટે ઊમટી પડ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-10 13:21:58

રાજકીય પાર્ટી રાજકારણ ખેલવામાં કેટલી હદે જઈ શકે છે એનો પુરાવો સુરતના ઉધનામાં આવેલા ભાજપ કાર્યાલય ખાતે જોવા મળ્યો છે. જિલ્લા કલેકટર દ્વારા ખાનગી હોસ્પિટલમાં રેમડેસિવિર ઈન્જેક્શન ફાળવવામાં આવશે નહીં એવી જાહેરાત કરી છે, જ્યારે બીજી તરફ ભાજપે 1000 ઈન્જેક્શન લોકોને આપવાની જાહેરાત કરી અને ઉધના કાર્યાલય ખાતે વિતરણ શરૂ કર્યું છે. જો ખાનગી હોસ્પિટલો અને જિલ્લા કલેકટર તરફથી ફાળવવા માટે ઈન્જેકશન ન હોય તો ભારતીય જનતા પાર્ટી પાસે ઈન્જેક્શન ક્યાંથી આવ્યાં એ એક મોટો પ્રશ્ન છે.

ભાજપ પાસે ઈન્જેક્શનો કેવી રીતે આવ્યાં એ તપાસનો વિષય
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર, પાટીલ દ્વારા ઉધના ભાજપ કાર્યાલય ખાતેથી 1000 જેટલાં ઈન્જેક્શનો દર્દીને આપવા માટેની જાહેરાત કરતાંની સાથે જ મોટી સંખ્યામાં લોકો ભાજપ કાર્યાલય ખાતે ઈન્જેક્શન લેવા માટે ઊમટી પડ્યા છે. લોકો પોતાના સંબંધી કે જે હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહ્યા છે તેમના માટે ઈન્જેક્શન લેવા માટે પહોંચી ગયા છે. જોકે સૌથી મહત્ત્વની વાત એ છે કે ભાજપ પાસે આ ઈન્જેક્શનો કેવી રીતે આવ્યાં છે. ઈન્જેક્શનનો આટલો મોટો જથ્થો ભારતીય જનતા પાર્ટીએ કોની પાસેથી મગાવ્યો છે અને કોણે ફાળવ્યાં છે એ તપાસનો વિષય બની જાય છે.

ભાજપના નેતાઓ કાર્યાલય પર લોકોને બોલાવીને ઈન્જેક્શન આપે છે
ભાજપ ઈન્જેક્શન લઇને રાજકારણ રમતો હોય એવું જણાઈ રહ્યું છે. કલેક્ટર પોતે ઈન્જેક્શનો પૂરતો જથ્થો વહીવટી તંત્ર પાસે ન હોવાનું સત્તાવાર રીતે જણાવતા હોય ત્યારે ભાજપના નેતાઓ પાસે આટલા મોટા પ્રમાણમાં ઈન્જેક્શનો કેવી રીતે આવ્યાં છે, એને લઈને શહેરમાં અનેક તર્ક-વિતર્કો થઇ રહ્યા છે. શું ભાજપના નેતાઓ માત્ર રાજકારણ ખેલવા માટે જરૂરિયાતમંદ દર્દીના સંબંધીઓને પોતાના કાર્યાલય સુધી લાવી રહ્યા છે. આજે મહદંશે કોરોનાગ્રસ્ત દર્દીઓને રેમડેસિવિર ઈન્જેક્શનની જરૂરિયાત છે. ત્યારે લોકોની જરૂરિયાત અને લાચારીનો લાભ લેતા હોય તેમ ભાજપના નેતાઓ ભાજપ કાર્યાલય પર બોલાવીને ઈન્જેક્શન આપી રહ્યા છે.

લોકોની જરૂરિયાતનો લાભ ઉઠાવવાના પ્રયાસની ચર્ચા
રાજકીય નેતાઓ અને રાજકીય પક્ષો કેટલી હદે રાજકારણ રમવામાં નીચે ઊતરી શકે છે અને લોકોની જરૂરિયાતનો કેવી રીતે લાભ ઉઠાવી શકે છે એ અહીં જોવા મળી રહ્યું છે. હોસ્પિટલમાં જે ઈન્જેક્શનો પૂરતા પ્રમાણમાં હોવાં જોઈએ એ હોસ્પિટલમાં ન હોવાને બદલે ભાજપ કાર્યાલયમાં પહોંચી ગયાં છે.

કલેક્ટરે ખાનગીમાં ઈન્જેક્શન ન આપવાની જાહેરાત કરી હતી
જિલ્લા કલેકટર ધવલ પટેલે પહેલાં નિવેદન આપ્યું કે તમામ ખાનગી હોસ્પિટલના દર્દીઓને ઈન્જેક્શન ફાળવવામાં આવશે અને બીજે જ દિવસે તેમણે લેખિતમાં જણાવ્યું કે ઈન્જેક્શનો પૂરતો જથ્થો ન હોવાને કારણે ખાનગી હોસ્પિટલને હવે અમારા તરફથી ઈન્જેક્શન નહીં મળશે, જે ખરેખર દુઃખદ બાબત છે. જિલ્લા કલેકટર કોના દરબારમાં પોતાના નિર્ણય પરથી આ રીતે એકાએક ફરી ગયા છે, એને લઈને લોકો ચર્ચા કરી રહ્યા છે. જિલ્લા કલેક્ટર ડો.ધવલ પટેલ પણ રાજકીય નેતાઓના ઇશારે નિર્ણય લેતા હોય તેવું લાગે છે.

આખી પ્રક્રિયા શંકાના દાયરામાં આવીઃ વિરોધ પક્ષના નેતા
વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ સીધો આક્ષેપ કર્યો કે જે ઈન્જેક્શનો વહીવટી તંત્ર દ્વારા સરકારી અને ખાનગી હોસ્પિટલને ફાળવવા જોઈતા હતા એને બદલે હવે જાણે વહીવટી તંત્રનું કામ પણ રાજકીય લાભ લેવા માટે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. ઈન્જેક્શનનો આટલો મોટો જથ્થો વહીવટી તંત્ર પાસે ન હોય અને ભાજપ કાર્યાલય પર પહોંચી જાય તો સ્વાભાવિક રીતે જ આખી પ્રક્રિયા શંકાના દાયરામાં આવી રહી છે. ભાજપ જે રાજકીય ખેલ ખેલી રહ્યું છે એ ખૂબ જ દુઃખદ છે. આવા સમયે પણ રાજકીય લાભ લેવા માટે ભારતીય જનતા પાર્ટી આવા દાવપેચ કરી રહી છે.અને જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ પણ તેમના ઈશારે કામ કરી રહ્યા છે.

adv

Related News

post
post
post
post
post
post
post