• Home
  • News
  • નવા વર્ષમાં 100 કેન્દ્રો પરથી ખનીજોનો જથ્થો બહાર લાવવાની તૈયારી, ડિસેમ્બરના અંત સુધીમાં ઓક્શન શરૂ થવાની સંભાવના
post

ગ્રેફાઈટનો મોટો જથ્થો પૂર્વીય ભારતમાં તથા ખાસ કરીને ઝારખંડ, ઓરિસ્સા, બિહારની જમીનના પેટાળમાં છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-11-14 17:37:34

વિતેલા વર્ષમાં મિનરલ્સ તથા મેટલ્સ-ધાતુઓ અને ખનિજોની બજાર તથા ઉદ્યોગ જગતમાં તેમ જ માઈન્સ ક્ષેત્રે પ્રવાહો ઝડપથી પલ્ટાતા જોવા મળ્યા છે અને નવા વર્ષમાં આ ક્ષેત્રે ચહલ પહલ વધુ વેગ પકડે એવી શક્યતા જાણકારો હાલ બતાવતા થયા છે. ભારતના વિવિધ રાજ્યોમાં જમીનના પેટાળમાં હજી ઘણા ખનીજો (Critical Minerals)નો જથ્થો પુષ્કળ માત્રામાં પડ્યો છે અને આ જથ્થાને બહાર લાવવામાં આવે તો અર્થતંત્ર પર તેની પુષ્કળ પોઝીટીવ અસર પડી શકે તેમ છે એવું મિનરલ્સ તથા મેટલ્સ બજારના જાણકારો જણાવી રહ્યા હતા.

નવા વર્ષમાં બ્લોકસનું ઓકશન ક૨વામાં આવે એવી શક્યતા

દિલ્હીથી માઈન્સ મિનિસ્ટ્રી ખાણ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ નવા વર્ષમાં વિવિધ ક્રિટીકલ મિનરલ્સનો જથ્થો ધરાવતા વિસ્તારો- બ્લોકસનું ઓકશન ક૨વામાં આવે એવી શક્યતા જણાઈ રહી છે આના પગલે આવા ખનીજોની આયાત ઘટશે તથા ઈમ્પોર્ટ બિલમાં રાહત થશે એવી ગણતરી બતાવાઈ રહી છે. આવો જથ્થો ધરાવતા વિસ્તારોને માઈનિંગ ક્ષેત્રમાં બ્લોકસ તરીકે ઓળખવામાં આવે છે તથા નવા વર્ષમાં પ્રથમ તબક્કે આવા ૧૦૦ જેટલા વિવિધ બ્લોકસનું ઓક્શન હાથ ધરવામાં આવનાર છે. 

પ્રથમ તબક ગ્રેફાઈટસ, નિકલ સહિતના ખનીજોના બ્લોકસનું ઓક્શન

પ્રથમ તબક્કે જમીનના પેટાળમાં રહેલા ગ્રેફાઈટસ (Graphites), નિકલ (Nickel), ક્રોમિયમ (Chromium), મોલીબ્ડેનમ (Molybdenum) સહિતના ખનીજોના બ્લોકસનું ઓક્શન કરવામાં આવે એવી શક્યતા છે. આવા ઓક્શનો માટે સરકારે આ વર્ષે ઓગસ્ટ મહિનામાં જ લીલીઝંડી બતાવી દીધી હતી. આ પછી ટ્રાન્ઝેકશન એડવાઈઝર્સ તરીકે બેન્કર્સના નામ પણ નક્કી કરી દેવામાં આવ્યા હતા. હવે આ વિશે તન્નો ગોઠવાઈ ગયો છે તથા નવા વર્ષમાં ટૂંક સમયમાં દિશામાં સારા સમાચાર મળશે એવી આશા બજારના સૂત્રો બતાવી રહ્યા હતા. ડિસેમ્બર અંત સુધીમાં આવા ઓક્શનો શરૂ થઈ જવાની આશા છે. જો કે આની તારીખો હવે પછી ટૂંકમાં નક્કી થશે એવી ગણતરી દિલ્હીના જાણકારો બતાવી રહ્યા હતા.

જુલાઈમાં માઈન્સ એન્ડ મિનરલ્સ એક્ટમાં સુધારા કરાયા હતા

આ વર્ષે જુલાઈ મહિનામાં માઈન્સ એન્ડ મિનરલ્સ (ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન્સ) એક્ટમાં સરકારે વ્યાપક ફેરફારો કર્યા હતા. આના પગલે ચોક્કસ ક્રિટીકલ મિનરલ્સ (ખનીજો)ના એક્સપ્લોરેશનમાં ખાનગી ક્ષેત્રનું ઈન્વેસ્ટમેન્ટ રોકાણ સરળતાથી લાવી શકાશે એવો તખ્તો જુલાઈ મહિનાથી ગોઠવાયો હતો. આવા મિનરલ્સમાં લીથીયમનો પણ સમાવેશ થાય છે. 

સરકારે મહત્ત્વના ૩૦ મિનરલ્સ શોર્ટ લીસ્ટ કર્યા

દેશમાં પ્રદૂષણ ઘટાડવાની યોજના સરકારે બનાવી છે તથા આ યોજના માટે લીથીયમ મહત્ત્વનું મિનરલ સાબીત થાય તેમ છે. ઈલેક્ટ્રિક વાહનોની બેટરીમાં મુખ્યત્વે લીથીયમનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત કોબાલ્ટ તથા કોપરની ગણના પણ મહત્ત્વના મિનરલ્સ તરીકે કરવામાં આવે છે. સરકારે આવા મહત્ત્વના ૩૦ મિનરલ્સ શોર્ટ લીસ્ટ કર્યા છે. જેમાં ૨૨ અર્થ કેટેગરીમાં આશરે ૧૭ ખનીજો તથા પ્લેટીનમ કેટેગરીમાં આશરે ૬ ખનીજો અલગ તારવવામાં આવ્યા છે. આમાં એન્ટીમનીનો પણ સમાવેશ થાય છે. દરમિયાન, ખનીજ બજારના સૂત્રોના જણાવ્યા મુજબ ગ્રેફાઈટનો મોટો જથ્થો પૂર્વીય ભારતમાં તથા ખાસ કરીને ઝારખંડ (Jharkhand), ઓરિસ્સા (Orissa) તથા બિહાર (Bihar)ની જમીનના પેટાળમાં રહેલો છે. રાઈટીંગ ઈન્સ્ટ્રુમેન્ટસ, લુબ્રીકસ, બેટરીઝ, રિફ્રેકટરીઝ, ન્યુક્લીયર રિએકટર્સ, ગ્રાફીન શીટસ વિગેરે ક્ષેત્રે ગ્રેફાઈટનો વપરાશ થતો હોય છે. આ ઉપરાંત ઓરિસ્સાના જમીન વિસ્તારમાં નિકલનો જથ્થો પણ વિશેષ પ્રમાણમાં રહ્યો છે.

તામિલનાડુમાં મોલીબ્ડેનમ ખનીજનો જથ્થો

કાર પ્રતિરોધક તરીકે નિકલનો ઉયોગ વિશેષ પ્રમાણમાં કોટીંગ માટે કરવામાં આવે છે. આ ઉપરાંત કોઈન્સ, બેટરીઝ તથા કેમિકલ રિએક્શનમાં કેટાલીસ્ટ તરીકે નિકલનો ઉપયોગ થતો હોય છે. દેશમાં ક્રોમિયમનો જથ્થો પણ પૂર્વીય ભારતમાં વિશેષ પ્રમાણમાં હોવાનું અનુમાન તજજ્ઞો બતાવી રહ્યા છે. આયર્ન ઓરની માઈન્સના વિસ્તારમાં આવો ક્રોમિયમનો જથ્થો વધુ મળે એવી શક્યતા ચર્ચાઈ રહી છે. સ્ટેનલેસ સ્ટીલના ઉત્પાદનમાં ફેરો ક્રોમિયમનો વપરાશ થતો હોય છે. મોલીબ્ડેનમ ખનીજનો જથ્થો દક્ષિણ ભારતમાં તામિલનાડુ (Tamil Nadu) રાજ્યમાં જણાયો છે. આ ખનીજનો ઉપયોગ સ્ટીલ એલોય બનાવવામાં થાય છે. વિશ્વ બજારમાં ચીલી તથા બોલીવીયા દેશોમાં લીથીયમનો વ્યાપક જથ્થો રહેલો છે તથા આ જથ્થાને બહાર લાવવા ભારતે આ બન્ને દેશો સાથે વાતચીત શરૂ કર્યાના વાવડ પણ મળ્યા હતા. આર્જેન્ટીના સાથે પણ આવી વાટાઘાટો શરૂ કરાઈ છે.