• Home
  • News
  • કેનેડામાંથી 700 ભારતીય વિદ્યાર્થીને કાઢી મૂકવાની તૈયારી:વિદ્યાર્થીઓ પાસે નકલી દસ્તાવેજો મળ્યા, જયશંકરે કહ્યું- વિદ્યાર્થીઓ નિર્દોષ છે, દોષિતો સામે કાર્યવાહી થાય
post

વિદેશી વિદ્યાર્થીઓમાં લગભગ 40 ટકા ભારતીયો છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-06-08 19:05:41

ઓટાવા: કેનેડાની બોર્ડર સર્વિસ એજન્સી CBSA700 ભારતીય વિદ્યાર્થી માટે ડિપોર્ટેશન, એટલે કે દેશમાંથી કાઢી મૂકવાનો પત્ર જાહેર કર્યો છે. CBSA અનુસાર, આ વિદ્યાર્થીઓએ ખોટા એડમિશન લેટર્સ બનાવ્યા હતા, જેના દ્વારા તેમણે વિવિધ યુનિવર્સિટીઓમાં એડમિશન લીધાં હતાં. ધ કેનેડિયન પ્રેસ અનુસાર, કેનેડામાં પીએમ જસ્ટિન ટ્રુડોની સરકારે વિદ્યાર્થીઓને ભારત પરત મોકલવાનો નિર્ણય લીધો છે. આ તરફ ડિપોર્ટ કરવાના ભયને કારણે આ વિદ્યાર્થીઓ દેશભરમાં વિરોધ કરી રહ્યા છે.

વિદ્યાર્થીઓનો આરોપ છે કે જે એજન્ટો દ્વારા તેઓ કેનેડા આવ્યા હતા તેમણે તેમની સાથે છેતરપિંડી કરી છે. આ એજન્ટો પહેલાં પૈસા લે છે અને પછી વિદ્યાર્થીઓને નકલી દસ્તાવેજો આપે છે. આ પછી યુનિવર્સિટીમાં સીટો ફુલ હોવાના બહાને વિદ્યાર્થીઓને અન્ય યુનિવર્સિટીમાં એડમિશન અપાવી દે છે. ડિગ્રી પૂર્ણ કર્યા પછી વિદ્યાર્થીઓએ જ્યારે નાગરિકતા માટે અરજી કરી ત્યારે તેમને ખબર પડી કે તેમના દસ્તાવેજો ખોટા છે.

કેનેડા સરકારની જાહેરાત બાદ ભારતમાંથી લગભગ 700 વિદ્યાર્થી CBSA હેડક્વાર્ટરની બહાર અને મિસીસૌગા એરપોર્ટ નજીક ધરણાં પર બેઠા છે. આમાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓ પંજાબના છે.

વિદેશમંત્રીએ કહ્યું- વિદ્યાર્થીઓ નિર્દોષ છે, કેનેડાએ સાચા ગુનેગારો સામે કાર્યવાહી કરવી જોઈએ
આ મામલે વિદેશમંત્રી એસ. જયશંકરે કહ્યું- વિદ્યાર્થીઓનો આ મામલો થોડા સમયથી આવી રહ્યો છે. કેનેડિયનો કહે છે કે તેઓ જે કોલેજમાં હાજરી આપવી જોઈએ ત્યાં ભણ્યા નહોતા અને જ્યારે તેમણે વર્ક પરમિટ માટે અરજી કરી ત્યારે તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. શરૂઆતથી જ અમે આ બાબતને ઉઠાવી છે અને અમે કહીએ છીએ કે વિદ્યાર્થીઓએ સારા ઈરાદાથી અભ્યાસ કર્યો છે.

જયશંકરે વધુમાં કહ્યું- જો તેમને ગેરમાર્ગે દોરનારા લોકો છે તો દોષિતો સામે કાર્યવાહી કરવી જોઈએ. સારા ઈરાદા સાથે ભણતા વિદ્યાર્થીને સજા કરવી ખોટું છે. મને લાગે છે કે કેનેડા પણ માને છે કે જો વિદ્યાર્થીએ કંઈ ખોટું ન કર્યું હોય તો તેમને સજા કરવી ખોટું હશે.

મંત્રી કુલદીપ ધાલીવાલે વિદેશમંત્રી પાસે હસ્તક્ષેપની માગ કરી હતી
આ પહેલાં પંજાબના એનઆરઆઈ બાબતોના મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલે આ મામલે વિદેશમંત્રી એસ. જયશંકરની દરમિયાનગીરીની માગ કરી હતી. તેમણે કહ્યું- આ વિદ્યાર્થીઓને છેતરવામાં આવ્યા છે. તેમણે વિદેશમાં ભણવા માટે લાખો રૂપિયા ખર્ચ્યા છે. ઘણા લોકોએ પોતાનાં મકાનો પણ ગીરવી મૂકી દીધા છે. અમે ભારતીય વિદેશમંત્રીને મળીને સમગ્ર મામલો ભારત સરકારના ધ્યાન પર લાવવા માગીએ છીએ, જેથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં ન મુકાય.

PM ટ્રુડોએ કહ્યું- પીડિતોને તેમનો પક્ષ રજૂ કરવાની તક મળશે
કેનેડાની સંસદમાં ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીના નેતા જગમીત સિંહે આ મામલે PM ટ્રુડો પાસેથી જવાબ માગ્યો હતો. PM ટ્રુડોએ સંસદમાં કહ્યું- અમે ગુનેગારોને ઓળખવા અને તેમને સજા કરવા માગીએ છીએ. કોઈપણ પીડિત સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. અમે તેમને તેનો કેસ અને એના સંબંધિત પુરાવા રજૂ કરવાની પૂરી તક આપીશું. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ આપણા દેશની મૂડી છે. તેઓ કેનેડાના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. લવપ્રીત સિંહને 13 જૂન સુધીમાં દેશ છોડવાની નોટિસ આપવામાં આવી છે

આ વિદ્યાર્થીઓમાંથી એક લવપ્રીત સિંહ છે, જે સપ્ટેમ્બર 2017માં મિસિસૌગામાં લેમ્બટન કોલેજમાં મેનેજમેન્ટ કરવા ગયો હતો. હવે તેને ત્યાંથી પરત મોકલવા માટે 13 જૂને ડિપોર્ટેશન લેટર આપવામાં આવ્યો છે. લવપ્રીતે ટ્વીટ કરીને લખ્યું - ઘણા ટ્રાવેલ એજન્ટ ભારતીય વિદ્યાર્થીઓને છેતરીને તેમના નકલી દસ્તાવેજો બનાવી રહ્યા છે.

લવપ્રીતે કહ્યું- મારી સાથે છેતરપિંડી થઈ છે. એક એજન્ટે મને જે કોલેજમાં એડમિશન આપવામાં આવ્યું હતું એનો સંપર્ક ન કરવાનું કહ્યું હતું અને પછીથી મને બીજી કોલેજમાં શિફ્ટ થવાનું કહેવામાં આવ્યું. હવે મને ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. મારા ઈમિગ્રેશન પત્રો પણ નકલી હતા.

ઑન્ટારિયોની કૉલેજમાં નિયમો બદલાશે
વિદેશી વિદ્યાર્થીઓના છેતરપિંડીના અહેવાલો પ્રાપ્ત થયા પછી ઓન્ટારિયોની સરકારી કોલેજો નવા નિયમો બનાવવા જઈ રહી છે. એનો હેતુ અભ્યાસ અને સારી કારકિર્દીની શોધમાં ભારત અને અન્ય દેશોમાં નોંધાયેલા વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્ચિત કરવાનો છે. આ નિયમો વિદ્યાર્થીઓને સાચી માહિતી આપવા અને કોલેજોની માર્કેટિંગ-પ્રવેશપ્રક્રિયા માટે લાગુ પડશે. નવા નિયમો જૂન 2024 સુધીમાં લાગુ કરવાની યોજના છે.

વિદેશી વિદ્યાર્થીઓમાં લગભગ 40 ટકા ભારતીયો છે
કેનેડિયન બ્યૂરો ફોર ઇન્ટરનેશનલ એજ્યુકેશન અનુસાર, ગયા વર્ષે કેનેડામાં 8,07,750 વિદેશી વિદ્યાર્થી હતા. આ 5 વર્ષ પહેલાં કરતા 43% વધુ છે. આમાંથી 40% ભારતીયો છે. આ પછી 12% ચાઈનીઝ વિદ્યાર્થી છે. આમાંથી અડધાથી વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ઑન્ટારિયોમાં અભ્યાસ કરે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post