• Home
  • News
  • ચીનના લોકોને માલદીવ ફરવા મોકલવા રાષ્ટ્રપતિ મુઈજ્જુની કાકલૂદી, ભારતનો વિકલ્પ બની શકે છે ચીનના પ્રવાસીઓ
post

અત્યારના ટ્રેન્ડ પ્રમાણે ચીનના લોકો નજીકના પાડોશી દેશોમાં ફરવાનુ વધારે પસંદ કરી રહ્યા છે.

Written By newsonline | Ahmedabad | Published: 2024-01-10 14:57:27

ભારત સામે બાંયો ચઢાવનારા માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુના કારણે ભારત અને માલદીવના સબંધોમાં અગાઉ ક્યારેય ના જોવા મળી હોય તેવી કડવાશ ભળી છે.  ભારતીયો દ્વારા માલદીવના બોયકોટના અપાઈ રહેલા એલાન વચ્ચે મુઈજ્જુએ હવે ચીનને પોતાના પ્રવાસીઓને માલદીવ મોકલવા માટે કાકલૂદી કરી છે. જો મુઈજ્જુની અપીલ પર ચીન ધ્યાન આપે અને ચીનના પ્રવાસીઓ ફરી માલદીવ જતા થાય તો ભારતના બોયકોટના કારણે થનારૂ નુકસાન ભરપાઈ થશે તેવી માલદીવની સરકારને આશા છે. 

જેની પાછળ નક્કર કારણ છે. અન્ય દેશોમાં ફરવા જતા ચીનના પ્રવાસીઓ ચીનની સરકાર માટે હથિયારનુ કામ કરે છે. જે દેશો ચીનની વિરૂધ્ધમાં હોય છે ત્યાં પોતાના લોકોને ફરવા જવા પર ચીન પ્રતિબંધ મુકી દેતુ હોય છે. જે દેશો સાથે સારા સબંધ હોય તે દેશોમાં જવા માટે ચીન પોતાના નાગરિકોને ઉત્તેજન આપે છે. 2017માં દક્ષિણ કોરિયાએ અમેરિકાની મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ પોતાના દેશમાં તૈનાત કરી ત્યારે ચીને પોતાના લોકોને દક્ષિણ કોરિયા જવા માટે રોકી લીધા હતા. જેના કારણે સાઉથ કોરિયાના પર્યટનને ભારે ફટકો પડ્યો હતો. 2020માં તાઈવાન સામે પણ ચીને આ હથિયારનો ઉપયોગ કરીને તાઈવાનની ઈકોનોમીને ભારે નુકસાન પહોંચાડ્યુ હતુ. 

બીજી તરફ કોરોના પહેલા દુનિયામાં વિદેશ ફરવા જનારા લોકોમાં સૌથી વધારે ચીનના નાગરિકો હતા. કોરોના પછી સ્થિતિ બદલાઈ ગઈ હતી અને ચીનની સરકારે પોતાનો લોકો પર વિદેશ જવા માટે જાત જાતના પ્રતિબંધ મુકી દીધા હતા. જેથી ચીનના લોકો દેશમાં જ ફરે અને ઈકોનોમીને મદદરૂપ બને. 

જાણકારોનુ માનવુ છે કે, 2024માં ફરી ચીની નાગરિકો વિદેશની સફરે મોટી સંખ્યામાં જાય તેવી શક્યતા છે અને તેના કારણે દુનિયાભરના પર્યટન સ્થળો ચીનના પ્રવાસીઓને આવકારવા માટે તૈયારીઓ કરી રહ્યા છે. 

એક આંકડા અનુસાર કોરોના પહેલા 2019માં ચીનના 15 કરોડ લોકો દુનિયામાં ફરવા ગયા હતા. 2023ના પહેલા 6 મહિનામાં આ આંકડો ચાર કરોડનો રહ્યો છે અને એ પછી ચીનના લોકોના વિદેશ પ્રવાસમાં વધારો થઈ રહ્યો છે. 2024માં ચીનના લોકો મોટી સંખ્યામાં બહાર જઈ શકે છે. 

ચીનના લોકો જ્યાં પણ ફરવા જાય છે તે દેશને કરોડોની આવક થાય છે. જેમ કે 2019માં 1.10 કરોડ ચીની લોકો થાઈલેન્ડ ગયા હતા અને થાઈલેન્ડને ચીનના લોકો થકી 15 અબજ ડોલરની આવક થઈ હતી. જે દેશની ટુરિઝમની કુલ આવકના 27 ટકા થવા જતી હતી. 

માલદીવની વાત કરવામાં આવે તો 2023માં સૌથી વધારે 2.09 લાખ પ્રવાસીઓ ભારતથી આવ્યા હતા અને 1.87 લાખ પ્રવાસીઓ ચીનથી આવ્યા હતા. 2022માં પણ ભારતીયો ટોપ પર હતા. પણ જો કોરોના પહેલાની વાત કરવામાં આવે તો 2019માં ચીનના સૌથી વધારે 2.80 લાખ પ્રવાસીઓ માલદીવ ફરવા માટે ગયા હતા અને તેના કારણે જ મુઈજ્જુ હવે ચીનની સરકાર સમક્ષ કરગરી રહ્યા છે કે, તમારા લોકોને અમારે ત્યાં ફરવા માટે મોકલો. જેથી માલદીવની આવકમાં વધારો થાય અને ભારત પરની નિર્ભરતા ખતમ કરી શકાય. 

જોકે માલદીવે વિનંતી તો કરી છે પણ 2019ના મુકાબલે ચીનની ઈકોનોમી નબળી પડેલી છે. આ સંજોગોમાં ચીનના કેટલા લોકો પોતાના દેશથી દૂર આવેલા માલદીવ સુધી ફરવા જશે તે એક સવાલ છે. અત્યારના ટ્રેન્ડ પ્રમાણે ચીનના લોકો નજીકના પાડોશી દેશોમાં ફરવાનુ વધારે પસંદ કરી રહ્યા છે. 

adv

Related News

post
post
post
post
post
post
post