• Home
  • News
  • બાંગ્લાદેશમાં બળાત્કાર સામે કડક કાયદો:રાષ્ટ્રપતિએ બળાત્કારના કેસમાં સજા સંબંધિત વટહુકમ પર હસ્તાક્ષર કર્યા, હવે બળાત્કારના કેસના દોષિતોને થશે મોતની સજા
post

વડાપ્રધાન શેખ હસીનાની આગેવાનીમાં મંત્રીમંડળે બે દિવસ પહેલા મહિલાઓ અને બાળકોની સુરક્ષા સાથે જોડાયેલા કાયદામાં બદલાવને મંજૂરી આપી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-15 12:05:14

જો બાંગ્લાદેશમાં બળાત્કારના કેસમાં દોષિત ઠેરવવામાં આવે તો હવે તેને મોતની સજા હશે. રાષ્ટ્રપતિ મોહમ્મદ અબ્દુલ હમીદે મંગળવારે એક વટહુકમ પર હસ્તાક્ષર કર્યા. અગાઉ આ કેસમાં મહત્તમ ઉમરકેદની સજાની જોગવાઈ હતી. સોમવારે વડાપ્રધાન શેખ હસીનાના નેતૃત્વ હેઠળના મંત્રીમંડળે મહિલાઓ અને બાળકોના સંરક્ષણ સંબંધિત કાયદામાં ફેરફારને મંજૂરી આપી હતી. ત્યારબાદ આ કાયદો રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવ્યો હતો. બાંગ્લાદેશના કાયદાપ્રધાન અનિસુલ હકે કહ્યું- આ કાયદો ચોક્કસપણે બળાત્કારના કેસોની સંખ્યામાં ઘટાડો કરશે. આ સાથે, અમે પુરા પ્રયાસો કરીશું કે આવા કેસોની સુનાવણી કોર્ટમાં યોગ્ય રીતે પૂર્ણ થાય. મહિલાઓ અને બાળકો સાથેના ગુનાના મામલે સરકાર કોઈ પણ પ્રકારનું નરમ વલણ દાખવશે નહીં.

દેશમાં બળાત્કારની ઘટનાઓ સામે પ્રદર્શન થયા હતા
દેશમાં ગત દિવસોમાં એક મહિલાની સાથે બળાત્કારનો વિડીયો વાયરલ થયો હતો. જેમાં કેટલાક લોકો મહિલા પર હૂમલો અને તેની સાથે બળાત્કાર કરતાં નજરે પડી રહ્યા હતા. ત્યાર બાદ સમગ્ર દેશમાં અનેક જગ્યાઓ પર વિરોધ કરતાં પ્રદર્શન થયા હતા. લોકોએ બળાત્કારના આરોપીઓને કડકમાં કડક સજા આપનાવી માંગ સરકાર સમક્ષ કરી હતી. અનેક માનવાધિકાર સંગઠનોએ સરકાર પર મહિલાઓની સાથે થઈ રહેલા ગુનાઓને ગંભીરતાથી નહીં લેવાના આરોપ લગાવ્યા હતા. ત્યાર બાદ સરકારે કડક સજાની જોગવાઈ કરવાનો વિશ્વાસ આપ્યો હતો.

છેલ્લા 16 વર્ષમાં બળાત્કારના ફક્ત 60 કેસમાં જ દોષિતોને સજા અપાઈ
છેલ્લા 16 વર્ષમાં બાંગ્લાદેશમાં બળાત્કારની 4541 ઘટનાઓ બની છે. તેમાંથી માત્ર 60 કેસોમાં દોષિતોને સજા મળી છે. દેશમાં રાઇટ્સ ગ્રૂપ એન ઓ સાલિશ સેન્ટર અનુસાર આ વર્ષે જાન્યુઆરીથી ઓગસ્ટની વચ્ચે 899 મહિલાઓ પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે.આ દરમિયાન 192 યુવતીઓ પર બળાત્કારનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાંથી 9 યુવતીએ આત્મહત્યા કરી હતી. મહિલાઓના હક માટે કામ કરતા એકટિવિસ્ટના જણાવ્યા અનુસાર, ઘણા કેસોમાં વિક્ટિમ ફરિયાદ પણ કરતા નથી. આવી સ્થિતિમાં બળાત્કારના વાસ્તવિક આંકડા વધારે હોઈ શકે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post