• Home
  • News
  • કોરોના સામેની લડાઈ:રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની જાહેરાતઃ રશિયા સપ્ટેમ્બર સુધીમાં કોરોનાની બીજી વેક્સીન માર્કેટમાં રજૂ કરશે
post

રશિયાની પહેલી વેક્સીનનું નામ Sputnik-V છે અને બીજી વેક્સીનનું EpiVacCorona નામ અપાયુ છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-28 10:01:25

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતીને આજે જાહેરાત કરતા કહ્યું છે કે કોરોનાની બીજી વેક્સીન સપ્ટેમ્બર સુધીમાં તૈયાર થઈ જશે.રશિયા કોરોના સામે લડવા માટે વધુ એક વેક્સીન તૈયાર કરી લેશે. આ વેક્સીન નોવોસિબિર્સ્કની અગ્રણી સંસ્થા વેક્ટર ઈન્સ્ટિટ્યુટ દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે.

કોરોના વાઈરસની 13 વેક્સીન તૈયાર કરવા કામ થઈ રહ્યુ છે
વ્લાદિમીર પુતિને કહ્યું કે બન્ને વેક્સીનમાં હવે સ્પર્ધા થશે. અમને આશા છે કે બીજી વેક્સીન પણ અગાઉની વેક્સીન જેટલી જ અસરકારક હશે. અત્રે ઉલ્લેખનીય છે કે સોવિયત બાયોલોજિકલ વેપન્સ રિસર્ચ પ્લાન્ટ અને વેક્ટર રિસર્ચ સેન્ટર સાથે મળીને કોરોના વાઈરસની 13 જેટલી વેક્સીન તૈયાર કરવા પર કામ કરી રહ્યા છે. આ વેક્સીનનું પશુઓ પર ટેસ્ટીંગ થઈ ચુક્યુ છે. વેક્ટર રિસર્ચ સેન્ટર સાથે મળી ઔદ્યોગિક સ્તર પર શીતળા રોગની રસી બનાવતી હતી. છેલ્લા કેટલાક વર્ષોથી આ સંસ્થા સાથે મળી રશિયાના બ્યૂબોનિક પ્લેગ, ઈબોલા, હિપેટાઈટીસ-બી, એચઆઈવી, સાર્સ તથા કેન્સરના એન્ટીડોઝ તૈયાર કર્યા હતા.

બીજી વેક્સીનનું નામ EpiVacCorona રાખવામાં આવ્યુ છે
રશિયાનું કહેવું છે કે પહેલી વેક્સીનમાં જે કેટલીક આડઅસરો સામે આવી હતી તે નવી વેક્સીન લગાવવાથી નહી થાય. રશિયાની પહેલી વેક્સીનનું નામ Sputnik-V છે અને બીજી વેક્સીનનું EpiVacCorona નામ આપવામાં આવ્યુ છે. આ અગાઉ રશિયાના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો હતો કે EpiVacCorona વેક્સીન ક્લિનિકલ ટ્રાયલ સપ્ટેમ્બરમાં પૂરો કરી લેશે, જોકે જે 57 વોલેન્ટીયર્સને વેક્સીન આપવામાં આવી છે તે પૈકી કોઈને પણ આડઅસર થઈ નથી. એટલે કે તમામ વોલેન્ટીયર તંદુરસ્ત છે અને સારો અહેસાસ કરી રહ્યા છે.