• Home
  • News
  • શિયાળાની વિદાય વચ્ચે વરસાદ દસ્તક દેશે:માર્ચ મહિનાની શરૂઆતના 3 દિવસમાં જ ઉ. ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની આગાહી, અરબી સમુદ્રમાં ઊંચાં મોજાં ઊછળશે
post

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યભરમાં સૌથી લઘુતમ તાપમાન 16 ડિગ્રી કેશોદમાં નોંધાયું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2024-02-28 16:52:42

હવામાન વિભાગ દ્વારા 1થી 3 માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અપ્રોચ કરી રહ્યું છે આથી ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયા વાતાવરણ સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા છે. રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થવાથી શિયાળાએ વિદાય લીધી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ વરસાદ દસ્તક દેશે. તેમજ અરબી સમુદ્રમાં ઊંચાં મોજાં ઊછળશે.

અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે, આગામી 1થી 3 માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક ભાગમાં છૂટાછવાયા હળવા વરસાદની આગાહી છે. આ ઉપરાંત અમદાવાદ સહિતના આસપાસના વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વાદળછાયું વાતાવરણ રહેશે. હવામાન વિભાગ અનુસાર 1 માર્ચ રોજ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં હળવા વરસાદની શક્યતા છે. જેમાં ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, પાટણ સહિત સૌરાષ્ટ્રના કચ્છ, દેવભૂમિ દ્વારકા, અને ગીર સોમનાથમાં હળવા વરસાદની શક્યતા છે.

ગઈકાલ સુધી સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી નહોતી
ઉલ્લેખનીય છે કે ગઈકાલે હવામાન વિભાગની આગાહીમાં કચ્છ અને દેવભૂમિ દ્વારકાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો. જ્યારે આજરોજ હવામાન વિભાગની આગાહીમાં સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હજુ પણ આગામી 24 કલાક બાદ અન્ય કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી છે તે અંગે ચોક્કસ માહિતી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવશે.

2 માર્ચે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી હતી પણ...
ચોથા દિવસે એટલે કે 2 માર્ચના રોજ અગાઉ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી હતી. પરંતુ આજે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના કોઈપણ જિલ્લામાં વરસાદની આગાહી કરી નથી. પરંતુ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે.

48 કલાક રાજ્યભરમાં વાતાવરણ સૂકું રહેશે
આગામી 48 કલાક રાજ્યભરમાં વાતાવરણ સૂકું રહેશે. અમદાવાદ સહિતના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે. ઠંડીની અસર પણ ઓછી થઈ હોય તેઓ માહોલ સર્જાયો છે. કારણ કે, છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીએ પહોચ્યું હતું. આગામી 24 કલાક દરમિયાન પણ અમદાવાદ જિલ્લાનું લઘુત્તમ તાપમાન 21 ડિગ્રીએ પહોંચે તેવી શક્યતા છે.

સૌથી લઘુતમ તાપમાન 16 ડિગ્રી કેશોદમાં નોંધાયું
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યભરમાં સૌથી લઘુતમ તાપમાન 16 ડિગ્રી કેશોદમાં નોંધાયું હતું. આગામી 24 કલાક રાજ્યના મોટાભાગનાં શહેરોમાં લઘુતમ તાપમાનમાં વધારો થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી હતી. આજે પણ અરબી સમુદ્રમાં તોફાની મોજાં ઊછળવાની શક્યતાઓને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હાલમાં દરિયાકાંઠાના વિસ્તારમાં પવનની ગતિ ઉત્તરપૂર્વ દિશા તરફથી છે. જ્યારે પવનની ઝડપ 25-35 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. આ ઉપરાંત રાજ્યના બાકીના વિસ્તારમાં પણ પવનની દિશા ઉત્તર-પૂર્વીય રહેશે અને પવનની ઝડપ 5-10 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.


adv

Related News

post
post
post
post
post
post
post