• Home
  • News
  • વાંચો વિશ્વની સૌથી ઊંડી, સૌથી લાંબી અને સૌથી મોટી ગુફા સુધી ફોટો પાડવા પહોંચેલા વિશ્વના એકમાત્ર ફોટોગ્રાફરને
post

ગુફાઓમાં ચઢતાં-ઉતરતાં શીખવા માટે ઊંચી ઇમારતો પર દોરડા વડે લટકીને 12 વર્ષ સુધી મજૂરી કરી: રૉબી શૉન

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-07 12:03:18

હું રૉબી શૉન છું. 1999માં પેઇન્ટર બનવાનું સપનું મને શેફીલ્ડ (ઇંગ્લેન્ડ)ની ફાઇન આર્ટ્સ કોલેજમાં લઇ ગયું. ત્યાં મેં કેવિંગ ટીમ જોઇન કરી. મને પહેલાં એવું લાગતું હતું કે અંધારામાં કોઇને ખુશી કેવી રીતે મળી શકે પણ પહેલી વાર પહોંચ્યો તો અહેસાસ થયો કે મારે પેઇન્ટિંગ નહીં, ગુફાઓની ફોટોગ્રાફી કરવી જોઇએ. અહીંથી જ મારી જર્ની શરૂ થઇ.

વીકેન્ડમાં ગુફાઓની ફોટોગ્રાફી કરતો હતો
તે સમયે ડિજિટલ કેમેરા પણ નહોતા કે ગુફાઓની ફોટોગ્રાફીનું કોઇ માર્કેટ પણ નહોતું. આ મોંઘો શોખ પણ હતો, કેમ કે એક ગુફાની ફોટોગ્રાફીમાં 36 રીલ ખતમ થઇ જતી અને અંધારાના કારણે એક પણ ફોટો બરાબર નહોતો આવતો. આ કામમાં બીજો પડકાર એ હતો કે ઊંડી ગુફાઓમાં જવા અને બહાર નીકળવા દોરડા વડે ચઢતાં-ઉતરતાં આવડતું હોવું જોઇએ. આ બન્ને સમસ્યા ઉકેલવા મેં કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીમાં રોપ-એક્સેસનું કામ પસંદ કર્યું. તેમાં ગગનચુંબી ઇમારતોમાં દોરડાના સહારે લટકીને ભારે ભરખમ ડ્રિલિંગ મશીનથી કલાકો સુધી કામ કરવું પડે છે. 12 વર્ષ સુધી કામ અને વીકેન્ડમાં ગુફાઓની ફોટોગ્રાફીનો સિલસિલો ચાલ્યો. વીકેન્ડમાં ગુફાઓની ફોટોગ્રાફી કરતો તેમાં પૈસા પણ સારા મળતા. તેથી દરેક રીતે આ કામ મને સૂટ કરતું હતું.

12 કલાક સુધી ગુફામાં સતત નીચે ઉતરતા હતાઃ રોબી
આ કામ એટલું પડકારજનક છે કે ઘણી વાર જીવ જતાં-જતાં બચ્યો. 2 વર્ષ અગાઉ રશિયાના કૉકેશિયન માઉન્ટનમાં વિશ્વની સૌથી ઊંડી ગુફા (8 હજાર ફૂટ ઊંડી)ની ફોટોગ્રાફી માટે ગયો હતો. ગુફામાં જતી વખતે એવું લાગ્યું કે જાણે માઉન્ટ એવરેસ્ટ પર ચઢાણ કરી રહ્યો છું. અમે 12 કલાક સુધી નીચે ઉતરતા અને પછી આરામ કરતા. 12-12 કલાકના ક્રમમાં અમે 3 દિવસે નીચે પહોંચ્યા. ટીમમાં 2 રશિયન એક્સપર્ટ પણ હતા. અમારે ત્યાં ડોક્યુમેન્ટરી બનાવવા 16 દિવસ સુધી રહેવાનું હતું. 10મા દિવસે અચાનક અમને કોઇ ટ્રેન આવી રહી હોય તેવું લાગ્યું. પછી ખબર પડી કે પૂર આવ્યું છે. જીવ બચાવવા મેમરી કાર્ડ વોટરપ્રૂફ બેગમાં મૂક્યું અને કેમેરા, લાઇટિંગ તથા અન્ય ઉપકરણો મૂકીને બહાર નીકળી ગયા. અત્યાર સુધીની જર્નીના આધારે હું એટલું જ કહી શકું છું કે જો તમારા સપનામાં તાકાત અને કામમાં ઝનૂન હોય તો સફળતા મળે જ છે. બાકી, અધૂરા મનથી કરાયેલું કામ દુ:ખ પણ આપી શકે છે. - રિતેશ શુક્લને જણાવ્યા પ્રમાણે

8 વર્ષ સુધી પત્ર લખ્યા બાદ નેશનલ જિયોગ્રાફિકે બોલાવ્યા
મજૂરી કરતી વખતે નેશનલ જિયોગ્રાફિક ચેનલમાં કામ કરવા માટે હજારો મેલ કર્યા. 8 વર્ષ બાદ વોશિંગ્ટનથી કહેણ આવ્યું. એડિટરે કામની સરાહના કરી અને વધુ મહેનત કરવા, નવો પોર્ટફોલિયો બનાવવા કહ્યું. 1 વર્ષ બાદ નવા પોર્ટફોલિયો સાથે પહોંચ્યો તો આંખોમાં આંસુ સાથે બહાર નીકળ્યો, કેમ કે દરેક ફોટોના નેગેટિવ ફીડબેક મળ્યા. સદનસીબે 2008માં જર્મનીના એક મેગેઝિનમાં મને કામ મળ્યું, જ્યાં મેં 4 વર્ષ સુધી દુનિયા ફરીને 3 એસાઇનમેન્ટ કર્યા. આ દરમિયાન 2012માં નેશનલ જિયોગ્રાફિકના તે જ એડિટરનો મારા પર ફરી કૉલ આવ્યો. ત્યારથી અત્યાર સુધીમાં વિશ્વની ઘણી દુર્ગમ ગુફાઓની ફોટોગ્રાફી કરી ચૂક્યો છું.

 

adv

Related News

post
post
post
post
post
post
post