• Home
  • News
  • કોર્પોરેટ રોડ, SG હાઇવે, પ્રહલાદનગર, ઇસ્કોન, બોપલ, સિંધુભવન જેવાં પ્રાઇમ લોકેશન પર કોમર્શિયલ પ્રોપર્ટીનાં ભાડાંમાં 15-20% જેવો ઘટાડો
post

કોરોના આવ્યા બાદ ઓફિસ ભાડાંમાં સ્ક્વેરફૂટદીઠ રૂ. 5-7 જેવો ઘટાડો થયો

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-14 09:18:58

કોરોનાને કારણે ઈકોનોમીને ભારે ફટકો પડ્યો છે અને એને કારણે ઘણાં બધાં સેક્ટર્સની હાલત ખરાબ છે, આમાં રિયલ એસ્ટેટ પણ બાકાત નથી. અમદાવાદની વાત કરીએ તો શહેરની કોમર્શિયલ પ્રોપર્ટી માર્કેટ પણ મંદીમાં આવી ગઈ છે. એસ્ટેટ બ્રોકર્સના જણાવ્યા પ્રમાણે, કોરોના આવ્યા બાદ એપ્રિલથી અત્યારસુધીમાં કોર્પોરેટ રોડ, SG હાઈવે, પ્રહલાદનગર, ઇસ્કોન, બોપલ, સિંધુભવન જેવાં પ્રાઈમ લોકેશન પર કોમર્શિયલ પ્રોપર્ટીનાં ભાડાંમાં 15-20% જેવો ઘટાડો થયો છે. પ્રોપર્ટી માર્કેટ સાથે સંકળાયેલા લોકોના કહેવા મુજબ, ઓનર પણ તેની ઓફિસ કે પ્રોપર્ટીને ખાલી રાખવાને બદલે નીચા ભાડે આપવા તૈયાર છે.

રાજપથથી આશ્રમ રોડ વચ્ચે અનેક બિલ્ડિંગ ખાલી
સિટી એસ્ટેટના ચેરમેન પ્રવીણ બાવળિયાએ જણાવ્યું હતું કે કોરોનાએ સ્થિતિમાં ઘણો જ ફેરફાર લાવી દીધો છે. ઘણા લોકોએ પોતાના સ્ટાફમાં ઘટાડો કર્યો છે અને મોટી ઓફિસો ખાલી કરી અને નાની ઓફિસોમાં શિફ્ટ થયા છે. ઓફિસોમાં ઓવર સપ્લાઇ છે. રાજપથથી આશ્રમ રોડ વચ્ચેના બેલ્ટમાં ઘણી ઓફિસો ડિસ્કાઉન્ટ રેટમાં મળી રહી છે. એપ્રિલ પહેલાં જે પ્રોપર્ટીમાં સરેરાશ રૂ. 35નો ભાવ ચાલતો હતો એ અત્યારે ઘટીને રૂ. 27-30 પ્રતિ ચોરસફૂટ થયો છે. જોકે આનાથી વધારે ભાવ ઘટે એવી શક્યતા ઓછી છે અને અત્યારે રેન્ટ પર પ્રોપર્ટી લેવાનો સારો સમય છે.

પ્રોપર્ટી ઓનર નીચા ભાવે આપવા તૈયાર
વાઈટલ સ્પેસ મેનેજમેન્ટના મેનેજિંગ ડિરેક્ટર વિજય દુધાતે જણાવ્યું હતું કે કોવિડની ઈફેક્ટને કારણે સપ્લાઇમાં વધારો થયો છે. આવી સ્થિતિમાં પ્રોપર્ટી ઓનર એ જુએ છે કે પ્રોપર્ટી ખાલી રહે એને બદલે ઓછા ભાડે પણ એ જતી હોય તો એને આપી રહ્યા છે. આ કારણોથી ગત વર્ષની તુલનાએ ભાડાંમાં 15-20%નો ઘટાડો થયો છે. જોકે અમે માનીએ છીએ કે આ પરિસ્થિતિ કાયમી નહિ રહે અને તેમાં ધીમે ધીમે રિકવરી પણ આવશે. મોટી ઓફિસો અથવા પ્રીમિયમ પ્રોપર્ટીમાં કોઈ ખાસ ઘટાડો નથી.

પ્રીમિયમ સેગમેન્ટમાં નહિવત્ અસર થઈ છે
ન્યુએજ રિયાલ્ટીના ચેતન સાવલિયાએ જણાવ્યું હતું કે એ વાત સાચી છે કે ઘણી જગ્યાએ ડિસ્કાઉન્ટમાં ડીલ થઇ છે, પરંતુ પ્રીમિયમ પ્રોપર્ટીમાં મંદીની કોઈ ખાસ અસર નથી. પ્રીમિયમ પ્રોપર્ટીમાં કેસ ટુ કેસ ધોરણે ભાવ ઘટ્યા છે, પણ એ રૂ. 2-4થી વધારે નથી. હાઈએન્ડમાં ઓફિસો માટે આજે પણ રૂ. 40 પ્રતિ સ્ક્વેરફૂટમાં સોદા થઇ રહ્યા છે. હોલ્ડિંગ કેપેસિટી હોય તેવા ઓનર્સ કે ઇન્વેસ્ટર્સ રાહ જોવા તૈયાર છે, પણ નીચા ભાવે આપવા તેઓ તૈયાર નથી.

ઘટાડા બાદ ભાવ સ્ટેબલ થયા છે
કેપિટલ રિઅલોરના કમલ વટાલિયાએ જણાવ્યું હતું કે ગોતા, બોપલ, સાઉથ બોપલ જેવા વિસ્તારોમાં કે જ્યાં ઇન્વેસ્ટર્સ લિમિટેડ હોલ્ડિંગ કેપેસિટી ધરાવે છે તેમણે ભાડાંમાં ઘટાડો કર્યો છે. કોન્ટ્રેકટ પર કામ કરતી IT કંપનીઓ અને કોલસેન્ટર કંપનીઓએ ઘણી ઓફિસો ખાલી કરી છે. આ ઉપરાંત ઘણી કંપનીઓએ ઓનર પાસેથી પરિસ્થિતિ મુજબ ભાડાંમાં ડિસ્કાઉન્ટ લીધાં છે અને તેમને મળ્યા પણ છે. અત્યારની સ્થિતિએ ભાડાં હવે સ્થિર થયાં છે અને નવી ઈન્કવાયરી આવી રહી છે. ખાસ કરીને SG હાઈવે, કોર્પોરેટ રોડ પર ભાવ સ્ટેબિલિટીને કારણે ડિમાન્ડ વધી છે.

સ્થિતિ સુધારતાં ચાર-પાંચ મહિના લાગશે
પ્રોપર્ટી માર્કેટ સાથે જોડાયેલા લોકોના કહેવા મુજબ, વર્તમાન સ્થિતિને નોર્મલ થતાં હજુ ચારથી પાંચ મહિના જેવો સમય લાગશે. વેક્સિનને લઈને જે સમાચારો આવે છે એને કારણે બજારમાં થોડી સકારાત્મકતા આવી છે અને એને કારણે માર્કેટમાં ધીમે ધીમે રિકવરી દેખાઈ રહી છે અને ઇન્કવાયરીમાં પણ વધારો થઇ રહ્યો છે. એપ્રિલ પછી રેન્ટમાં ધીમે ધીમે સુધારો થવાની અપેક્ષા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post