• Home
  • News
  • સૌથી મોટા કોન્ટેક્ટ ટ્રેસિંગમાં ખુલાસો, સુપરસ્પ્રેડર જ દેશમાં કોરોના ફેલાવવાના મુખ્ય કારણ 8% લોકોએ 60%ને સંક્રમિત કર્યા
post

70 ટકા સંક્રમિત લોકો દ્વારા તેમના એકેય કોન્ટેક્ટને કોરોના થયાનું નોંધાયું નથી

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-02 10:47:14

ભારતમાં કોરોના સંક્રમણનો ફેલાવો મુખ્યત્વે સુપર સ્પ્રેડર્સ દ્વારા થયો છે. એવા સંક્રમિતોને સુપર સ્પ્રેડર કહે છે કે જેમના સંપર્કમાં આવવાથી મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થયા હોય. આ માહિતી દેશમાં હાથ ધરાયેલા અત્યાર સુધીના સૌથી મોટા કોન્ટેક્ટ ટ્રેસિંગ સ્ટડી દ્વારા સામે આવી છે. સ્ટડીમાં આંધ્ર પ્રદેશ અને તમિલનાડુના 5,75,071 લોકોને આવરી લેવાયા, જેમાંથી 84,965 કન્ફર્મ કેસ છે. સ્ટડીમાં આ લોકોના લાખો કોન્ટેક્ટનો પણ સંપર્ક કરાયો. સ્ટડી દ્વારા એમ પણ માલૂમ પડ્યું કે દેશના અંદાજે 70% કોરોના સંક્રમિતોએ તેમના એકેય સંપર્ક સુધી વાઇરસ ફેલાવ્યો નથી. જ્યારે 8% સંક્રમિતો કુલ 60% નવા સંક્રમણનું કારણ બન્યા.

સાયન્સ જર્નલમાં પ્રકાશિત થયેલા આ સ્ટડી અંતર્ગત રિસર્ચ દ્વારા જાણવા મળ્યું કે જે લોકોએ જીવ ગુમાવ્યો તેમાંથી 63% પહેલેથી અન્ય કોઇ બીમારીથી પીડાતા હતા. 36%ને પહેલેથી બે કે તેથી વધુ ગંભીર બીમારીઓ હતી. જીવ ગુમાવનારા 46% લોકો ડાયાબિટિક હતા. હોસ્પિટલમાં જે લોકોએ જીવ ગુમાવ્યો તેઓ મોત અગાઉ સરેરાશ 5 દિવસ હોસ્પિટલમાં રહ્યા. અમેરિકામાં આ આંકડો 13 દિવસનો છે.

વિકસિત દેશોથી અલગ ટ્રેન્ડ
રિસર્ચમાં જોડાયેલા સેન્ટર ફોર ડિસીસ ડાયનેમિક્સ, ઇકોનોમિક્સ એન્ડ પોલિસી, દિલ્હીના વિજ્ઞાની રમણન લક્ષ્મીનારાયણના જણાવ્યાનુસાર ભારતનો ટ્રેન્ડ વિકસિત દેશોના ટ્રેન્ડથી અલગ છે. વિકસિત દેશોમાં સંક્રમિતો અને મૃતકોમાં સૌથી વધુ સંખ્યા વૃદ્ધોની રહી છે પણ આંધ્ર અને તમિલનાડુમાં 40થી 69 વર્ષના લોકો સૌથી વધુ પ્રભાવિત થયા છે. સ્ટડીથી એમ પણ જાણવા મળ્યું કે એકસમાન ઉંમરના કોન્ટેક્ટમાં સંક્રમણનું જોખમ વધુ રહે છે. 0-14 વર્ષના બાળકોમાં તે સૌથી વધુ જોવા મળ્યું. ત્યાર બાદ 65 વર્ષથી વધુ વયના લોકોનો નંબર આવે છે. કોરોનાથી મોત (કેસ ફેટેલિટી રેશિયો) 5-17 વર્ષના લોકોમાં0.05% રહ્યો જ્યારે 85 વર્ષથી વધુ વયના લોકોમાં 16.6% છે.

પશ્ચિમ ભારતના લોકોમાં કોરોના થવાનું, મોતનું જોખમ વધુ
ભારતની વિશાળ વસતીમાં ક્ષેત્ર પ્રમાણે જુદા-જુદા પ્રકારના જિનેટિક મ્યૂટેશન થયા છે. તેથી કોરોના મહામારીના કારણે દેશના વિવિધ ભાગોમાં મૃત્યુદરનો આંકડો પણ જુદો-જુદો છે. બનારસ હિન્દુ યુનિ.ના સંશોધકોના નેતૃત્ત્વ હેઠળની એક આં.રા. ટીમના સ્ટડીમાં આ બાબત સામે આવી છે. સ્ટડીમાં આપણી કોશિકાઓની સપાટી પર જોવા મળતા એ પ્રોટીનનો અભ્યાસ કરાયો કે જેને શરીરમાં કોરોના વાઇરસના પ્રવેશ માટેનો ગેટવે કહે છે. સંશોધકોએ નોંધ્યું કે ભારતના રાજ્યોમાં આ મ્યૂટેશનની ફ્રિક્વન્સી 33થી 100% સુધી છે. જ્યાં તેની ટકાવારી વધુ છે ત્યાં કોરોનાથી ઓછા મોત થઇ રહ્યા છે. રિસર્ચથી માલૂમ પડ્યું કે ગુજરાત અને મહારાષ્ટ્રમાં આ જીન મ્યૂટેશન સૌથી ઓછું જણાયું. આ રાજ્યોમાં તે 30-40% જ છે જ્યારે ઉત્તર-પૂર્વના રાજ્યોમાં 75-100% છે. પ્રો. ચૌબેએ કહ્યું કે પશ્ચિમ ભારતના લોકોને મધ્ય, પૂર્વ કે દક્ષિણ ભારતના લોકોની તુલનાએ વધુ જોખમ છે. એકંદરે સમગ્ર ભારતમાં મ્યૂટેશનનો દર 60% છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post