અફઘાનિસ્તાનના કાબુલમાં સોમવારે સવારે રોકેટ છોડવામાં આવ્યા
નવી દિલ્હી: અફઘાનિસ્તાનની
રાજધાની કાબુલના હામિદ કરઝઈ ઈન્ટરનેશનલ એરપોર્ટને ફરી નિશાન બનાવવામાં આવ્યું છે
અને રોકેટ હુમલો કરાયો છે. અફઘાનિસ્તાનના મીડિયા રિપોર્ટ્સ મુજબ આ રોકેટ ખુર્શીદ
પ્રાઈવેટ યુનિવર્સિટી પાસે છોડવામાં આવ્યા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ
રોકેટ કાબુલ એરપોર્ટની એર ડિફેન્સ સિસ્ટમને બરબાદ કરવા માટે છોડવામાં આવ્યા હતા.
જો કે આ હુમલામાં કોઈ નુકસાનના સમાચાર નથી.
સૂત્રોના જણાવ્યાં મુજબ કાબુલ એરપોર્ટ પર લાગેલી એર ડિફેન્સ સિસ્ટમે રોકેટ
હુમલાને નિષ્ફળ કર્યો અને રોકેટને હવામાં જ તોડી પાડ્યા. અમેરિકાએ આ એરપોર્ટની
સુરક્ષા માટે અત્યાધુનિક ડિફેન્સ સિસ્ટમ લગાવી રાખી છે. તાજો રોકેટ હુમલો લાબ જાર
ખેરખાના ચાર રસ્તા પાસે થયો છે. આતંકીઓએ આ હુમલો એવા સમયે કર્યો કે જ્યારે એક દિવસ
પહેલા જ અમેરિકાએ એક ડ્રોન હુમલો કરીને આઈએસઆઈએસના આતંકીઓની કારને નિશાન બનાવી
હતી.
આ આતંકી આત્મઘાતી બોમ્બ હુમલાખોર હતા જે કાબુલ એરપોર્ટને નિશાન બનાવવા માંગતા
હતા. આ હુમલામાં અનેક આતંકીઓ ઉપરાંત 9 સામાન્ય
નાગરિકો પણ માર્યા ગયા હતા. માર્યા ગયેલા લોકોમાં એક જ પરિવારના 6 બાળકો પણ સામેલ
હતા.